લોકોનો અનહદ પ્રેમ મળી રહ્યો છે, મારી તમામ જવાબદારી હું નિષ્ઠાભેર નિભાવીશ : કાંતિલાલ

- text


 

આ ચૂંટણી ઉમેદવારો વચ્ચેની નહિ, વિકાસની લડાઈની છે : રૂપાણી

મોરબીમાં ભાજપના ચૂંટણી કાર્યાલયને પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ પટેલ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં ખુલ્લું મુકાયું

મોરબી : મોરબી-માળિયા બેઠકના ભાજપના ઉમેદવાર કાંતિલાલ અમૃતિયાના મધ્યસ્થ ચૂંટણી પ્રચાર કાર્યાલયને ખુલ્લું મૂકી પૂર્વ સીએમ વિજય રૂપાણીએ જાહેર સભા સંબોધી હતી.જેમાં તેઓ ભાજપ સરકારની વિવિધ પ્રજાલક્ષી નીતિઓને રજૂ કરી કોંગ્રેસ ઉપર વરસી પડ્યા હતા અને કોંગ્રેસની નીતિ અને નિયત ખતમ થઈ ગઈ હોવાનું જણાવી ભૂતકાળમાં કોંગ્રેસની સરકારે માત્ર ભ્રષ્ટાચાર કર્યો હોવાના આક્ષેપ કર્યા હતો.

પૂર્વ સીએમ રૂપાણીએ જનસભાને સંબોધન કરતા જણાવ્યું હતું કે, ગુજરાતની ચૂંટણી ઉપર સમગ્ર વિશ્વની નજર છે. ત્યારે આ ચૂંટણીમાં માત્ર વિકાસની રાજનીતિ કરતી, ભારત મહાસતા બને તેમજ સોમનાથ સહિતના અયોધ્યા રામ મંદિરનું નિર્માણ કરી શુદ્ધ અને પવિત્ર ધર્મ જળવાઈ રહે તે માટે મથનારા લોકો એક તરફ અને બીજી તરફ ભારત મહાસતા ન બને અને ભારતનો વિકાસ જ ન થાય તેવા તત્વો હોય લોકોએ એને ઓળખીને વિકાસની રાજનીતિ કરનાર ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, ભારતના વડાપ્રધાન મોદી દેશને નવી વિકાસની ઉંચાઈ ઉપર લઈ જઈ રહ્યા હોય ત્યારે આ ચૂંટણી એમાં પ્રાણ પુરનારી સાબિત થાય તેવા પ્રયાસો કરવા પર ભાર મુક્યો છે. તેમણે કોંગ્રેસની તુષ્ટિકરણની રાજનીતિની ઝાટકણી કાઢી ભૂતકાળમાં કોંગ્રેસ સરકાર દેશને અધોગતિ તરફ લઈ ગઈ હોય હવે કોંગ્રેસ ખતમ થઈ હોવાનું પણ જણાવ્યું હતું.તેમજ કાર્યકરોને ખોટા દંભ અને આત્મવિશ્વાસમાં ન રહીને ફક્ત ચૂંટણી તંદુરસ્ત રાજનીતિથી જીતવા માટે પ્રયાસો કરવાનું આહવાન કર્યું હતું.

ભાજપના દરેક કાર્યકરને પદનો મોહ નથી. બ્રિજેશ મેરજાએ પદ છોડીને માત્ર પાર્ટી અને પ્રજા હિત માટે કામ કરવાની વાતને બિરદાવી હતી.ભાજપનો દરેક કાર્યકર પ્રજાહિત માટે સમર્પિત છે. મોરબીની પુલ દુર્ઘટનાને યાદ કરી જીવની પરવા કર્યા વગર નદીમાં પડીને જીવ બચાવનાર કાનાભાઈના પ્રજાહિત બિરદાવી આ જ ભાજપના કાર્યકરની ઓળખ હોવાનું જણાવ્યું હતું. ભાજપના હૈયે ખેડૂત સહિત સમગ્ર પ્રજાનું હિત વસેલું હોય ભાજપ સરકારે ખેડૂતોને સિંચાઈ માટે પાણી અને વીજળીની જરૂરિયાત પૂરી પાડી હોવાનું કહીને ભાજપ સરકારના કાર્યો પ્રજા સમક્ષ મૂકી ભાજપની વિકાસની રાજનીતિ ઉપર આ ચૂંટણીમાં ભરોસો મુકવાનું પણ જણાવ્યું હતું.

આ વેળાએ પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાએ જણાવ્યું કે અમે એક જ છીએ. 2020માં વિજયની જ્યોત મારી પાસે હતી. હવે કાંતિલાલ પાસે છે. જ્યોત કોઈ પણ પાસે હોય, વિકાસની યાત્રા ધીમી નહિ પડે. ભાજપ તેની રફતાર યથાવત જ રાખશે. સાંસદ મોહનભાઇ કુંડારિયાએ જણાવ્યું કે મને કાર્યકરો ઉપર ભરોસો છે. ભાજપના કામ બોલે છે એટલે જિલ્લાની તમામ વિધાનસભા બેઠક જીતી જશું.

- text

મોરબી- માળિયા બેઠકના ઉમેદવાર કાંતિલાલ અમૃતિયાએ કહ્યું કે લોકોનો સાથ સહકાર તો વર્ષોથી મળી જ રહ્યો છે. પણ આ વખતે તો જાણે ચમત્કાર સર્જાયો છે. લોકોનો અનહદ પ્રેમ મળી રહ્યો છે. તેનું વળતર કઈ રીતે કેમ ચૂકવિશ એનો વિચાર આવે છે. પક્ષ અને લોકોએ મારા ઉપર ભરોસો મુક્યો છે એટલે મારી તમામ જવાબદારી હું નિષ્ઠાભેર નિભાવીશ, હું પક્ષ અને લોકો માટે જરૂર પડ્યે પોતાના પ્રાણની પણ આહુતિ આપવા પીછેહટ નહિ કરૂ.

તેઓએ હળવા અંદાજમાં ઉમેર્યું હતું કે વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી હતા ત્યારે મેં ટકોર કરી હતી કે મને કાનો કહો છો, તમે મને સિનિયર ક્યારે ગણશો ? જો કે આ વાતનો જવાબ વિજયભાઈ રૂપાણીએ પોતાના સંબોધનમાં આપતાં કહ્યું હતું કે અમારા માટે તો તું કાનો જ રહેવાનો છો. બદલવાનો નથી. વધુમાં કાંતિલાલે બ્રિજેશભાઈ મેરજા અને સાંસદ મોહનભાઇ સામે જોઈને જાહેરમાં કહ્યું હતું કે અમારી વચ્ચે કોઈ મતભેદ નથી અમે સાથે જ છીએ. અને સાથે મળીને કામ કરવાના છીએ.

- text