વાંકાનેર પાલિકા દ્વારા મૃત પશુઓનો યોગ્ય નિકાલ ન કરાતા મહાવીરનગર સોસાયટીના લોકો પરેશાન

- text


વાંકાનેર: વાંકાનેરના રાજકોટ રોડ ઉપર આવેલી મહાવીરનગર સોસાયટી થી આગળ ફાયરીંગ બટ પાસે વાંકાનેર પાલિકા દ્વારા ખાડો કરવામાં આવ્યો છે અને તેમાં લમ્પી વાયરસથી મૃત્યુ પામતા પશુઓને નાખવામાં આવી રહ્યા છે. જેના કારણે મહાવીરનગરની આસપાસ અસહ્ય દુર્ગંધ આવી રહી છે. આ અંગે મહાવીરનગરના લોકોએ પાલિકાના ચીફ ઓફિસર અને મામલતદારને લેખિત ફરિયાદ કરી છે.

- text

મહાવીરનગરના લોકોના જણાવ્યા પ્રમાણે છેલ્લા ૨૦ થી ૨૫ દિવસથી પાલિકા દ્વારા ખાડો કરીને તેમાં લમ્પી વાયરસથી મૃત્યુ પામતા પશુઓને નાખવામાં આવી રહ્યા છે. જેના કારણે આસપાસના વિસ્તારમાં છેલ્લા ૨૦ દિવસથી અતિ દુર્ગંધ આવી રહી છે. ત્યારે આ દુર્ગંધને દૂર કરવા માટે ડીડીટીનો છંટકાવ કરવામાં આવે તે જરૂરી છે. જોકે ડીડીટીના છંટકાવ અંગે પાલિકા દ્વારા ગોળ ગોળ જવાબ આપવામાં આવી રહ્યા છે. જેથી મહાવીરનગરના જાગૃત વેપારીઓએ સ્વખર્ચે ડીડીટીનો છંટકાવ કર્યો છે. હજુ જો પાલિકા દ્વારા આ અંગે કોઇ પગલાં ભરવામાં નહીં આવે તો આસપાસના વિસ્તારમાં ભયંકર રોગચાળો ફેલાવાનો ભય રહેવાસીઓને સતાવી રહ્યો છે. ત્યારે આ અંગે યોગ્ય કાર્યવાહી કરવા મહાવીરનગરના વાસીઓએ વાંકાનેર પાલિકા ચીફ ઓફિસર અને મામલતદારને લેખિત ફરિયાદ કરીને આ સમસ્યાનું નિરાકરણ લાવવા રજૂઆત કરી છે.

- text