આજથી સીરામીક ઉધોગમાં એક મહિનો વેકેશન : કરોડોના વ્યવહારો ઠપ્પ થશે 

મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપની લિંક મેળવવા માટે https://wa.me/message/SFYFCTWIGHIOK1 પર ક્લિક કરી મેસેજ સેન્ડ કરો..

ટ્રક-ટ્રાન્સપોર્ટેશન, બાંધકામ, પેકેજીંગ ઉધોગ, પેપર ઉધોગ, બેંકોમાં કોરોડના વહીવટથી માંડીને કરીયાણા અને સોના ચાંદીના વેપારીને પણ તહેવારના સમયે મંદી 

મોરબી : મોરબીનો સીરામીક ઉધોગ પહેલીવાર ભારે મંદીને કારણે 10 ઓગસ્ટથી એક મહિનો વેકેશન પાળશે. સીરામીક ઉધોગનું ફલક બહુ જ વિશાળ હોવાથી આખું મોરબી સીરામીક ઉપર સીધી કે આડકતરી રીતે નભેલું હોવાથી સીરામીકનું આ વેકેશન એ પણ સાતમ આઠમના તહેવારો સમયે હોવાથી દરેક ક્ષેત્રે આની વિપરીત અસર પડશે. ટ્રક – ટ્રાન્સપોર્ટેશન, બાંધકામ, પેકેજીંગ ઉધોગ, બેંકોમાં કોરોડના વહીવટથી માંડીને કરીયાણા અને સોના ચાંદીના વેપારીને પણ તહેવારના સમયે મોટી અસર થશે અને આ વેકેશનને કારણે કરોડોના વ્યવહારો ઠપ્પ થશે

મોરબી સીરામીક ઉધોગની 700 જેટલી ફેકટરીઓમાં આજે 10થી એક મહિનો ઉત્પાદન અને ડીસ્પેચ એક મહિનો બંધ થવાથી હજારો ટ્રકોના પૈડાં પણ એક મહિનો થંભી જશે બહારના રાજ્યમાંથી હાલ તહેવારોનો સમય હોય ગોળ, ખાંડ જેવી વસ્તુઓ ભરીને ટ્રક આવે પણ સીરામીકનું લોડીગ બંધ હોવાથી ખાલી જવું પડતું હોવાથી ટ્રકના ભાડા પણ વધ્યા છે. સૌથી વધુ અસર સીરામીકના લાખો મજૂરોને થશે. કોન્ટ્રાકટ બેઇઝ ઉપર કામ કરતા હજારો પરપ્રાંતિયો અને સ્થાનિક મજૂરોને જેવું કામ તેવું વેતન મુજબ 10 હજારથી માંડીને 25 હજાર સુધીનું માસિક વેતન મળતું હોય છે. પરિવારમાં કમાનાર એક કે બે વ્યક્તિ હોય અને એક મહિનો પગાર ન આવે અને એ પણ તહેવારના સમયે પગાર ન આવે તો ઘરનું બજેટ વેરવિખેર થવાની સાથે તહેવારો બગડે છે. એટલે કરીયાણાના વેપારી તેમજ સોના ચાંદીના વેપારીને પણ અસર થશે. સીરામીકનું બેન્કમાં અને આંગડિયામાં કરોડોનો વહીવટ થતો હોય આ ટર્નઓવર અટકી જતા બેંકો અને આંગડિયા સહિતની પેઢીને પણ અસર થશે. પેપર ઉધોગ તેમજ પેકેજીગ ઉધોગને પણ સીધી અસર થશે. તેનો કાચો માલ સીરામીકમાં વપરાતો હોય એવા નાના મોટા એકમોને અસર થશે.

મોરબીના ટ્રક ટ્રાન્સપોર્ટેશન સાથે સંકળાયેલા 50 હજારને અસર થશે

સીરામીકના વેકેશનમાં મામલે ટ્રાન્સપોર્ટેશનના માલિક સ્વરૂપસિંગ રાજપુરોહિતએ જણાવ્યું હતું કે, મોરબી ટ્રક ટ્રાન્સપોર્ટેશન પણ એક મહિનો બંધ રહેતા આની સાથે સંકળાયેલા 50 હજારને અસર થશે. દરરોજના 800 જેટલા લોડીગ થતા એ હવે 100 જેટલા લોડીગ થશે. જો કે ડ્રાઇવર ક્લીનરને એક મહિનો છુટા ન કરી શકાય પણ ગાંઠના ગોપીચંદ કરીને ટ્રક ટ્રાન્સપોર્ટેશનવાળાએ આ ડ્રાઇવર ક્લીનર સહિતના મજૂરોને પગાર ચૂકવવો પડશે.

સીરામીકની કેન્ટીગ બંધ થતાં નાસ્તો તેમજ ફરસાણને અસર થશે

ફરસાણના ધંધાર્થી વિજયભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે દરેક સીરામીકમાં મજૂરો કે સ્ટાફ માટે કેન્ટીગ હોય છે. મજૂરો કે સ્ટાફ કામમાં થોડો બ્રેક લઈને નાસ્તો કરતા હોય છે. પણ સીરામીક બંધ થવાથી કેન્ટીગ પણ આપોઆપ બંધ થઈ ગઈ છે. એટલે અમારો દરરોજના 500 કિલથી વધુ ફરસાણ કેન્ટીગમાં જતો હોય એ માલમાં 60 ટકા ઘટાડો થયો છે. સાતમ આઠમમાં ફરસાણની ખૂબ માંગ હોય અમે નવરા ન રહેતા હોય પણ આ વખતે નવરાઘુપ જેવી હાલત થશે.

કરીયાણામાં સાતમ આઠમમાં ગ્રહકી વધવી જોઈ એના બદલે ઘટશે

કરીયાણાના વેપારી યોગેશભાઈ કોટકે જણાવ્યું હતું કે, સીરામીકના મોટાભાગના પરપ્રાંતિયો રોજે રોજનું મોરબીની બજારમાં ચોખા, તેલ, તૈયાર ઘઉં કે બાજરાનો લોટ ખરીદતા હોય છે. સ્થાનિકો લોકોની પણ એટલી જ ખરીદી હોય છે. તેમાંય સાતમ આઠમમાં પુષ્કળ ખરીદી થાય છે પણ આ વખતે સીરામીક બંધ થતાં ઘણા બધા મજૂરો તેમના વતન જતા રહેતા અને સ્થાનિકો પણ બહુ ઓછી ખરીદી કરશે. એટલે તહેવારમાં માખીઓ મારવાનો જ વારો આવશે.

પેપર ઉધોગનું 60 ટકા ઉત્પાદન ઘટશે

પેપર મિલ એસોસિએશનના પ્રમુખ વિપુલભાઈ કોરડીયાએ જણાવ્યું હતું કે, સીરામીકમાં અમારો પેપરનો કાચો માલ ઘણો વપરાતો હોય પણ હવે સીરામીક બંધ થવાથી ડિમાન્ડ ઘટી છે. આ અંગે દહેશત હોવાથી ઓગસ્ટની શરૂઆતથી પેપરના 22 યુનિટો બંધ થઈ ગયા છે બાકીના યુનિટોમાં 60 ટકા પેપરનું ઉત્પાદન ઘટી જશે. એટલે મોટો માર પડશે.

સીરામીકમાં અંદાજીત પ હજાર કરોડનું ટર્ન ઓવર ઠપ્પ થશે

મોરબી સીરામીક ઉધોગ બંધ થવાંનો હોવાથી એક મહીનો બંધ રહેતા સીરામીકનું અંદાજીત પ હજાર કરોડનું ટર્ન ઓવર ઠપ્પ થશે અને અંદાજીત 20 કરોડ ટાઇલ્સ બોક્સનું ઉત્પાદન બંધ થશે. 2 લાખ મજૂરોને રોજીરોટીની અસર થશે.

સીરામીક સંલગ્ન 500 યુનિટોને અસર થશે

સીરામીક સાથે સીધી રીતે જોડાયેલા પેકેજીગ, ટ્રાન્સપોર્ટ, સ્ટીપ, રો મટીરીયલ, સ્પ્રે ડાયર, પેપર મિલ જેટલા 500 યુનિટોને અસર થશે જેનાથી ઉત્પાદન ઓછું થતા મજૂરોના પગાર સહિતની અનેક પરિસ્થિતિ ઉદંભવશે.આ સીરામીકની અસર કાપડ, ઇલેકટ્રોનિક માંડીને હોટલો અને શાકભાજી સુધી અસર થશે.

દૈનિક 60 લાખ ક્યુબિક મીટર નેચરલ ગેસનો વપરાશ બંધ થઈ જશે

મોરબીના સીરામીક ઉધોગમાં દરરોજ 80 લાખનો નેચરલ ગેસ વપરાય છે. જેમાં હાલ મંદી આવતા અમુક યુનિટો વહેલા બંધ થવાથી 40 લાખનો ગેસ ગુજરાત ગેસ કંપનીનો અને 20 લાખનો પ્રોપ્રેન ગેસ વપરાય છે. આમ દરરોજનો 60 લાખના ગેસ વપરાશ ઘટશે જેની સીધી અસર ગેસ કંપનીને થશે. ગેસ બંધ કરવા અને મેઈન્ટસ કરવા બાબતે ગેસ કંપનીને જાણ કરી હોવાની સીરામીક એસો.ના પ્રમુખ મુકેશ કુંડારિયાએ જણાવ્યું હતું.