તમે કામ લઈને આવો, ગાંધીનગરના દરવાજા ખુલ્લા જ છે : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

- text


મોરબી માટે ખાસ કાર્યક્રમમાં આવવું છે : મોરબીના ઉદ્યોગપતિઓએ મુખ્યમંત્રીની રજત તુલા કરી

મોરબી : મોરબીમાં આજે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીનું દીપોત્સવી સ્નેહ મિલન યોજાયું હતું જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ખુબ જ સરળ શૈલીમાં કહ્યું હતું કે હું પણ સામાન્ય કાર્યકર્તામાંથી મુખ્યમંત્રી બન્યો છું એટલે કાર્યકર્તાઓની વેદના -ચિંતા જાણું છું. માટે જ ગાંધીનગરના દરવાજા કાર્યકર્તાઓ માટે ખુલ્લા રાખવામાં આવ્યા છે કાર્યકર્તાઓ કોઈપણ કામ લઈને આવશે તો ચોક્કસ પણ તેમનું કામ થશે તેવો વિશ્વાસ આપ્યો હતો.

આજે મોરબી રાજકોટ હાઇવે ઉપર અજંતા ક્લોક સામે આવેલ જે.પી.ફાર્મ ખાતે મોરબી ભારતીય જનતા પાર્ટીનો દીપોત્સવી સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતું જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ મહામંત્રી વિનોદ ચાવડા, પ્રભારી મંત્રી દેવાભાઇ માલમ, પ્રદેશ મહિલા અધ્યક્ષ દિપીકાબેન સરડવા, રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા, જિલ્લા ભાજપ અધ્યક્ષ દુર્લભજી દેથરીયા, શહેર ભાજપ પ્રમુખ લાખાભાઇ જારીયા, સાંસદ મોહનભાઇ કુંડારીયા, ધારાસભ્ય પરસોતમ સાબરીયા, મહામંત્રી જયુભા જાડેજા, પ્રદીપ વાળા, પ્રદેશ ઉપ પ્રમુખ જયંતીભાઈ કવાડીયા,પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, બાવનજી મેતલીયા સહિતના આગેવાનો અને વિશાળ સંખ્યામાં પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

આ તકે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે તમામ કાર્યકર્તાઓમાં જોમ જુસ્સો જળવાઈ રહે તેવું સરળ વક્તવ્ય આપતા ઉમેર્યું હતું કે હું પણ એક સામાન્ય કાર્યકર્તામાંથી સીએમ બન્યો છું એટલે કાર્યકર્તાઓની મનોસ્થિતિને સારી રીતે જાણું છું. આજે તમે બપોરે બે વાગ્યાના બેઠા છો અને સાંજે પાંચ વાગ્યા સુધીને એક જ જગ્યાએ બેસી મુખ્યમંત્રીને મળવાની ઈચ્છા પૂર્ણ ન થાય તેની વેદના પણ જાણું છું એટલા માટે જ મોરબી માટે એક ખાસ કાર્યક્રમ યોજવો છે જેમાં અમદાવાદથી મોરબી અને મોરબીથી અમદાવાદ સિવાય બીજો કોઈ કાર્યક્રમ નહીં હોય.

વધુમાં આગામી વર્ષ ચૂંટણીનું હોય તમામ કાર્યકર્તાઓને ખભેખભા મિલાવી કામે લાગી જવા અને પ્રદેશ પ્રમુખ સી.ર.પાટિલના 182 સીટ લાવવાના સંકલ્પને સાકાર કરવા ભાર પૂર્વક જણાવી તમામ કાર્યકર્તાઓ માટે ગાંધીનગરના દરવાજા ખુલ્લા છે, કોઈ પણ કામ લઈને આવો તમારા કામ થશે તેવી ખાતરી આપવાની સાથે જો પ્રજાજનોના પ્રતિનિધિ મંડળ સાથે ગાંધીનગર આવશો તો તમારો વટ્ટ પાડી દેશું તેવી પણ ખાતરી આપી બદલીઓ જેવા કામ લઈને નહીં આવવા ટકોર પણ કરી હતી.

આજના સ્નેહમિલન કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી પહેલી જ વખત મોરબી પધાર્યા હોય મોરબી સીરામીક ઉદ્યોગકારો  દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની રજત તુલા કરવામાં આવી હતી જેમાં 100 કિલોગ્રામ ચાંદીથી તેમની રજત તુલા કરાઈ હતી.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text