ભારે વરસાદને કારણે મોરબીના 47 યાત્રાળુઓ ઉત્તરાખંડમાં ફસાયા

- text


રાજયમંત્રી બ્રિજેશ મેરજા સતત ઉત્તરાખંડના અધિકારીઓ સાથે સંપર્ક : નાના બાળકો, મહિલાઓ અને સિનિયર સીટીઝન સહિતના યાત્રાળુઓ ચમોલીમાં સલામત

મોરબી : ઉત્તરાખંડમાં સતત ભારે વરસાદને કારણે ચારધામ યાત્રાએ ગયેલા અને હરિદ્વાર ફરવા ગયેલા ગુજરાતના અનેક યાત્રાળુઓ ફસાયા છે જેમાં મોરબીના 47 યાત્રાળુ હોવાનું જાણવા મળે છે. જો કે ઉત્તરાખંડમાં ફસાયેલા મોરબીના યાત્રાળુઓને તમામ મદદ મળી રહે તે માટે રાજયમંત્રી બ્રિજેશ મેરજા સતત ઉત્તરાખંડ પ્રશાસન સાથે સંપર્કમાં છે અને તમામ યાત્રાળુઓ સલામત હોવાનું તેમને જણાવ્યું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સતવારા સમાજના લોકો મિતાણાની બાલાજી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની લકઝરી બસ ભાડે કરીને હરિદ્વાર યાત્રાએ ગયા હતા. હરિદ્વાર દર્શન બાદ આ યાત્રાળુઓ હરિદ્વારથી લોકલ બસ ભાડે કરી નાના, મોટા 47 પ્રવાસીઓ ચમોલી તરફ ગયા હતા જ્યાં ભારે વરસાદને કારણે આ તમામ યાત્રાળુઓ હાલમાં અધવચ્ચે ફસાઈ ગયા છે.

વધુમાં મોરબીના વિવેકભાઈ મનસુખભાઇ પરમાર સહિતના આયોજકો દ્વારા આ ટુરનું આયોજન કરાયું હતું. ચમોલી નજીક ફસાયેલા યાત્રિકો અંગે વિવેકભાઈ પરમારે જણાવ્યું હતું કે, ભારે વરસાદને કારણે હાલમાં તમામ યાત્રિકો બસમાં જ ફસાયા છે અને આજુબાજુમાં કોઈ ગામ કે સ્થળ નથી. પાગલનાકા તરીકે ઓળખાતા દુર્ગમ પહાડી વિસ્તારમાં બધા યાત્રિકો ફસાયેલા છે અને સાથે લઈ ગયેલા નાસ્તા સિવાય તેમની પાસે ભોજનની વ્યવસ્થા ન હોવાનું તેમને જણાવ્યું હતું.

દરમિયાન મોરબીના સતવારા સમાજના 47 લોકો ઉત્તરાખંડમાં ફસાયેલા હોય રાજયમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ રાજ્યના મહેસુલ વિભાગ, ડિઝાસ્ટર મેનેજમેંન્ટ વિભાગની સાથો સાથ ઉત્તરાખંડ પ્રશાસન સાથે પણ સતત સંપર્કમાં રહી મોરબીના યાત્રાળુઓને કોઈ મુશ્કેલી ન પડે તે જોવા સૂચના આપી છે.

- text

વધુમાં બ્રિજેશભાઈ મેરજાએ મોરબી અપડેટ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હાલમાં મોરબીના તમામ યાત્રાળુઓ સહી સલામત છે. આ યાત્રાળુઓમાં પાંચેક વર્ષમાં બાળકોથી લઈ સિનિયર સીટીઝન તેમજ મહિલાઓ અને યુવાનોને તમામ મદદ મળી રહે તે માટે સરકાર પ્રયત્નશીલ છે. તેમજ યાત્રાળુ સાથે પણ સીધી જ રાજ્યમંત્રીએ વાતચીત કરી હોવાનું તેમને જણાવ્યું હતું.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text