ગેસનો ભાવ વધારો સિરામીક ઉદ્યોગનો મૃત્યુઘંટ વગાડશે

- text


મોરબી સિરામીક એસોસિએશનની કેન્દ્ર – રાજ્ય સરકારમાં રજુઆત સાથે સાફ વાત
ટાઇલ્સના ભાવમાં વધુ એક ભાવ વધારો કરવા તૈયારી

મોરબી : મોરબીના સિરામીક ઉદ્યોગમાં કોલગેસનો વપરાશ બંધ થયા બાદ ઇંધણનો એક માત્ર વિકલ્પ નેચરલ ગેસ છે ત્યારે ગત મહિને કમ્મરતોડ રૂપિયા 5નો ભાવ વધારો ઝીકાય બાદ ચાલુ માસે ગુજરાત ગેસ કંપની દ્વારા રૂપિયા 10.75નો મરણતોલ ફટકારૂપી ભાવ વધારો ઝીકાતા હવે વર્ષે દહાડે કરોડો રૂપિયાનું વિદેશી હૂંડિયામણ કમાઈ આપતા સિરામીક ઉદ્યોગકારો થાકી હારી ગયા છે અને કેન્દ્ર-રાજ્ય સરકારમાં ગેસના ભાવવધારાને લઈ સાફસાફ શબ્દોમાં રજૂઆત કરી આ ભાવવધારો જો તુરંતમાં પાછો નહીં ખેંચાય તો સિરામીક ઉદ્યોગનો મૃત્યુઘંટ વાગી જવાની આશંકા વ્યક્ત કરી છે.

મોરબીના સિરામીક ઉદ્યોગે સ્વબળે વિકાસની હરણફાળ ભરી ચીનને હંફાવી વિશ્વભરમાં ડંકો વગાડ્યો છે પરંતુ ખાટલે મોટી ખોટ રૂપે વર્ષે દહાડે હજારો કરોડ રૂપિયાનું વિદેશી હૂંડિયામણ કમાઈ આપતા સીરામીક ઉદ્યોગને લાભ કરાવવાને બદલે કેન્દ્ર રાજ્ય સરકાર દ્વારા આ ઉદ્યોગને પડતી મુશ્કેલી નિવારવા નક્કર આયોજન કે પગલાં ન લેવાતા આંતરિક રોડ રસ્તા જેવી સુવિધાઓ પણ સિરામીક ઉદ્યોગ પોતાના ખર્ચે વિકસાવી રહી છે એવામાં સિરામીક ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસના ભાવમાં ટૂંકા ગાળામાં બબ્બે વખત અસહ્ય ભાવવધારો ઝીકાતા હવે સિરામીક ઉદ્યોગને અસ્તિત્વ ટકાવી રાખવું મુશ્કેલ બન્યું છે.

મોરબી સીરામીક એસોશિએશન પ્રમુખ નિલેશભાઈ જેતપરીયાના જણાવ્યા મુજબ ઓગસ્ટ માસના અંતિમ દિવસોમાં ગુજરાત ગેસ કંપની દ્વારા રૂપિયા 5નો તોતિંગ ભાવ વધારો ઝીકતા સીરામીક એકમો ઉપર મહિને દહાડે રૂપિયા 100થી 150 કરોડનો વધારાનો બોજ પડ્યો હતો. આટલું ઓછું હોય તેવામાં ગુજરાત ગેસ કંપની દ્વારા 5મી ઓક્ટોબરના રોજ રૂપિયા 10.75નો બીજી વખત ભાવવધારો ઝીકતા સિરામીક ઉદ્યોગ ઉપર મહિને દહાડે 300 કરોડ રૂપિયાનો બોજ આવી પડતા હવે ઉદ્યોગનું અસ્તિત્વ ટકાવવું મુશ્કેલ બન્યું હોવાનું તેમને જણાવ્યું હતું.

- text

હાલમાં એકમાત્ર ગુજરાત ગેસ કંપની જ પાઈપલાઈન નેટવર્ક દ્વારા ઇજારાશાહીથી ગેસ પુરવઠો પૂરો પાડતી હોય ભાવવધારા ઉપરાંત એમજીઓમાં મનમાની કરી રહી હોવાની વ્યાપક ફરિયાદ વચ્ચે હવે સીરામીક ઉદ્યોગકારો દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારમાં સાફસાફ રજુઆત કરી જો આ ભાવવધારો પરત નહીં ખેંચાય તો કરોડો રૂપિયાનું વિદેશી હૂંડિયામણ કમાઈ આપતી સીરામીક ઇન્ડસ્ટ્રીઝનો મૃત્યુઘંટ વાગી જશે તેવી આશંકા વ્યાક્ત કરી ઉદ્યોગના હિતમાં સરકાર નિર્ણય કરે તેવી માંગ ઉઠાવી છે.

દરમિયાન મોરબી સીરામીક એસોશિએશનના વિટ્રિફાઇડ ટાઇલ્સ પ્રમુખ મુકેશભાઈ કુંડારીયાએ જણાવ્યું હતું કે, નેચરલ ગેસના ભાવવધારાથી સિરામીક એકમોને લીકવીડિટીમાં ગંભીર અસર ઉપરાંત જુના ડોમેસ્ટિક અને એક્સપોર્ટ ઓર્ડરમાં નુકશાની સહન કરવાનો વારો આવ્યો છે અને હાલમાં નવા ઓર્ડર લેવામાં પણ તકલીફ પડતી હોય ના છૂટકે ટાઇલ્સ સહિતની પ્રોડક્ટમાં ભાવ વધારો કરવો પડશે અને હવે જો ફરી ભાવ વધારો આવે તો સીરામીક એકમો બંધ કરવા સિવાય કોઈ વિકલ્પ બચતો ન હોય 10 લાખ લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારી આપતા સિરામિક ઉદ્યોગ ઉપર સંકટ આવી પડ્યું છે.

ઉલ્લેખનીય છે, કે એક તરફ રો મટીરીયલ, ડીઝલના ભાવમાં વધારો, ટ્રાન્સપોર્ટ ભાડામાં વૃદ્ધિ ઉપરાંત એક્સપોર્ટમાં વેસેલ અને કન્ટેનરના ભાડામાં અનહદ વધારા ઉપરાંત ડોમેસ્ટિક માર્કેટમાં માંગ તળિયે બેસી જતા સીરામીક ઉદ્યોગને સ્વૈચ્છીક શટડાઉન કરવું પડ્યું હતું તે સ્થિતિમાંથી માંડ બહાર આવ્યા બાદ ગુજરાત ગેસ કંપનીએ ઉપર છાપરી બબ્બે ભાવવધારા ઝીકતા હવે જો કેન્દ્ર રાજ્ય સરકાર અસરકારક ઉકેલ નહીં શોધે તો સીરામીક ઉદ્યોગને બચાવવો મુશ્કેલ હોવાનું જણાઈ રહ્યું છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text