મોરબીના એક્સપોર્ટરોએ પાંચ માસમાં 5,600 કરોડનો વેપાર કર્યો

- text


એક્સપોર્ટમાં કન્ટેનરની અછત અને ભાડા વધવાથી ચાલુ નાણાકીય વર્ષમાં 10થી 12 ટકા નિકાસ ઘટવાની સંભાવના

મોરબી : સિરામીક ક્લસ્ટર મોરબીના ઉધોગકારો અને એક્સપોર્ટરો દ્વારા ડૉમેસ્ટિકની સાથે વૈશ્વિક માર્કેટમાં સિરામીક પ્રોડક્ટ્નું વેચાણ કરી વિદેશી હૂંડિયામણ ભારતમાં ખેંચી લાવવા સતત પ્રયત્નો કરવામાં આવતા છેલ્લા વર્ષોમાં સમગ્ર વિશ્વમાં મોરબીની સીરામીક પ્રોડ્કટની માંગ ઉભી થઇ છે. જો કે, કોરોના મહામારીને પગલે હાલમાં કન્ટેનરની અછત અને વેસેલ ભાડામાં તોતિંગ વધારો થતા વિપરીત સંજોગો વચ્ચે પણ છેલ્લા પાંચ મહિનામાં મોરબીના એક્સપોર્ટરો દ્વારા 5600 કરોડથી વધુનું એક્સપોર્ટ કરવામાં આવ્યું છે. જો કે, ગતવર્ષની તુલનાએ વેસેલ ભાડા વધતા વાર્ષિક એક્સપોર્ટમાં 10થી 12 ટકાનો ઘટાડો થવાની ચિંતા એક્સપોર્ટ નિષ્ણાંતોએ વ્યક્ત કરી છે.

ચીન સાથે સીધી જ હરીફાઈ કરી રહેલા મોરબી સિરામીક ક્લસ્ટરમા ઉત્પાદિત જીવીટી, પીજીવીટી,અને સ્લેબ પ્રકારની ટાઇલ્સ ઉપરાંત સેનેટરીવેર્સ પ્રોડક્ટની વિદેશમાં ખાસી એવી ડિમાન્ડ છે. ખાસ કરીને કોરોના મહામારી બાદ મોરબીના સિરામીક ઉદ્યોગના નસીબ ખુલતા ગત વર્ષે વાર્ષિક એક્સપોર્ટ 15 હજાર કરોડને પર કરી ગયું હતું. જો કે, આ વર્ષે કન્ટેનરની અછત અને વેસેલભાડામાં તોતિંગ વધારો થતા એક્સપોર્ટને વધતા-ઓછા પ્રમાણમાં અસર પડી છે આમ છતાં એપ્રિલથી ઓગસ્ટ સુધીમાં મોરબીના 1131 એક્સપોર્ટર્સ દ્વારા 5604.21 કરોડ રૂપિયાનું એક્સપોર્ટ કરવામાં આવ્યું છે.

- text

ચાલુ નાણાકીય વર્ષમાં મહિના મુજબ એક્સપોર્ટના આંકડા જોઈએ તો એપ્રિલ મહિનામાં 1124.21 કરોડ, મેં મહિનામાં 1189.67 કરોડ, જૂન મહિનામાં 1145.73 કરોડ, જુલાઈ મહિનામાં ઘટીને 1087.50 અને ઓગસ્ટ મહિનામાં વધુ ઘટાડા સાથે 1057.11 કરોડ રૂપિયાનું એક્સપોર્ટ થયું હતું અને આ પાંચ માસના સમયગાળામાં કુલ 5604.21 કરોડ રૂપિયાનું વિદેશી હૂંડિયામણ મોરબીના ઉદ્યોગપતિઓએ કમાઈ આપ્યું છે.

નોંધનીય છે કે, મોરબી જિલ્લામાં સતાવાર રીતે 1141 એક્સપોર્ટર્સ પૈકી આ પાંચ માસના સમયગાળા દરમિયાન 1131 એક્સપોર્ટર્સ દ્વારા એક કરોડથી લઈ 200 કરોડથી વધુનું એક્સપોર્ટ કરવામાં આવ્યું હતું. ખાસ કરીને મોરબીના કોમેટ ગ્રેનિટો, સનશાઈન ટાઇલ્સ, મિલેનિયમ ઓવરસીઝ, એક્કા ગ્રેનિટો, વરમોરા ગ્રેનિટો, બ્લ્યુઝોન વિટ્રિફાઇડ, કેરા વિટ, સિમ્પોલો સહિતની કંપનીઓનો સિંહફાળો હોવાનું સૂત્રો ઉમેરી રહ્યા છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text