તાઉતે ઇફેક્ટ :સિરામિકના 90 ટકા યુનિટ બંધ, ખાલી 100ની સ્પીડે પવન ફૂંકાશે તો પણ ઉદ્યોગ છ મહિના પાછળ જશે

- text


 

કલોક ઇન્ડસ્ટ્રીઝને વરસાદથી મોટું નુકસાન પહોંચશે : વાવાઝોડાને લઈને ઉદ્યોગપતિઓએ આપ્યા મંતવ્યો

મોરબી : તાઉતે વાવાઝોડું હવે ગણતરીના સમયમાં જ ગુજરાતના દરિયાકાંઠે ટકરાવાનું છે. ત્યારે આ વાવાઝોડાને લીધે મોરબી જિલ્લાની સ્થિતિ શુ થશે તે અંગે ઉદ્યોગપતિઓએ મંતવ્યો આપ્યા છે. જેમાં મોરબીના મુખ્ય ગણાતા એવા સિરામિક અને કલોક આ બન્ને ઉદ્યોગોને તો મોટો ફટકો પડવાનો છે. હાલ સિરામિકના 90 ટકા યુનિટ શટડાઉન થઈ ગયા છે. અને જો 100 કિમીની ઝડપે પણ જો પવન ફૂંકાય તો સિરામિક ઉદ્યોગને એટલું નુકસાન થઈ જશે કે તે છ મહિના પાછળ ચાલ્યો જશે. સામે કલોક ઉદ્યોગને વાવાઝોડાથી કોઈ નુકસાની થવાની શકયતા નથી. પણ વરસાદથી આ ઉદ્યોગને મોટી નુક્સાનીનો માર સહન કરવો પડે તેવી દહેશત છે.



100ની સ્પીડે પવન હશે તો બધી ફેકટરીના શેડના પતરા ઉડી જશે : નિલેશભાઈ જેતપરિયા

સિરામિક એસો.ના પ્રમુખ નિલેશભાઈ જેતપરિયાએ જણાવ્યું કે સિરામિક એસો. દ્વારા તમામ ઉદ્યોગોને જરૂર હોય તેટલા જ ઉદ્યોગો ચાલુ રાખવાનું જણાવાયું હતું. તેમાં પણ મર્યાદિત સંખ્યામાં જ શ્રમિક રહે અને બાકીના લેબર ક્વાર્ટર જે છત વાળા છે. ત્યાં સુરક્ષિત રહે તેવી સૂચના આપી દેવાય હતી. પરિણામે બપોર સુધીમાં 90 ટકા જેટલા પ્લાન્ટ શટડાઉનમાં ચાલ્યા ગયા છે. શટ ડાઉનથી નુકસાન થાય પણ માનવ જિંદગી કિંમતી હોય તેને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. એસો. દ્વારા એમ્બ્યુલન્સ સેવા પણ કાર્યરત છે. આવનારી આફત સામે લડવા એસો. સજ્જ છે. પણ જો 100 ની સ્પીડે પવન આવે તો બધા કારખાનાના શેડના પતરા ઉડી જાય. જેના કારણે શટડાઉન લાંબા સમય સુધી રહે. ઉપરાંત કિલનને પણ ખૂબ નુકસાન થઈ શકે તેમ છે. આ વાવાઝોડાથી જે નુકસાની થશે તે ખૂબ મોટી હશે તેને લાખો કે કરોડોમાં નહિ માપી શકાય.



લોકોના જીવ બચે તેને પ્રાથમિકતા : વિનોદભાઈ વિડજા

ફ્લોર ટાઇલ્સ પ્રમુખ વિનોદભાઈ ભાડજાએ જણાવ્યું કે જો આ વાવાઝોડું યથાવત સ્પીડમાં આવે તો ઘણું નુકસાન થશે. એસોસિએશન લેવલે જાનહાનિ ન થાય તેવા નિર્ણયો લીધા છે. બાકીની નુકસાની આપણા હાથની વાત નથી. જો 100ની સ્પીડે પવન ફૂંકાશે તો ઉદ્યોગો 6 મહિના સુધી પડી ભાંગશે. હાલ લોકોના જીવ બચે તેને પ્રાથમિકતા અપાઈ છે.

- text



સેનેટરી વેર એસો. દ્વારા તમામ આગમચેતીના પગલાં લેવાયા : કિરીટભાઈ

સેનેટરી વેરના પ્રમુખ કિરીટભાઈએ જણાવ્યું કે સેનેટરી એસોસિએશન તરફથી આગમચેતીના તમામ પગલાં લેવાયા છે. હાલ જેની જરૂરિયાત નથી તેવી તમામ પ્રવૃતિઓ ફેકટરીમાં બંધ કરી દેવામાં આવી છે. જે ઇલેક્ટ્રિક વસ્તુઓનો ઉપયોગ ન હોય તેની સ્વીચ ઓફ કરાવીને સુરક્ષા માટેના પણ પગલાં લેવાયા છે.



વરસાદથી લાતી પ્લોટમાં પાણી ભરાશે તો બધો માલ પલળીને બગડી જશે : શશાંકભાઈ દંગી

કલોક એસો.ના પ્રમુખ શશાંકભાઈ દંગીએ જણાવ્યું કે સિરામિક જેટલું હાલ કલોક ઉદ્યોગને જોખમ નથી. કારણકે કલોક ઉદ્યોગ નાના છે. પતરાવાળા શેડ ધરાવતા યુનિટ એક કે બે ટકા જ છે. છેલ્લા 1 મહિનાથી અનેક રાજ્યોમાં લોકડાઉન ચાલી રહ્યું હોય કલોક ઇન્ડસ્ટ્રીઝ એક મહિનાથી બંધ જેવી સ્થિતિમાં છે. જેથી વાવાઝોડાને લઈને કોઈ પગલાં લેવા પડે તેવી સ્થિતિ નથી. પણ જે વરસાદની શકયતા છે. લાતી પ્લોટમાં એક ઇંચથી વધુ વરસાદ પડે તો પાણી ભરાય જાય છે. હાલ તમામ ઉદ્યોગોમાં સ્ટોક પુષ્કળ પ્રમાણમાં છે. માટે સિરામિકને પવનના કારણે જે નુક્સાની જાય તેમ છે તેનાથી વધુ કલોક ઇન્ડસ્ટ્રીઝને વરસાદથી નુકસાની થાય તેમ છે.



પેપરમિલના તમામ શ્રમિકોને સુરક્ષિત રીતે સલામત સ્થળે ખસેડી દેવાયા : કિરીટભાઈ પટેલ

પેપર મિલ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ કિરીટભાઈ પટેલે જણાવ્યું કે સિરામિકની જેમ જ 90થી 95 ટકા પેપરમિલો બંધ કરી દીધી છે. ફેકટરીના પતરાવાળા ક્વાર્ટરમાં જે શ્રમિકો રહે છે. તેઓને છતવાળી જગ્યાએ રાખવામાં આવ્યા છે. આ લોકો માટે જમવા સહિતની સુવિધા પણ આપવામાં આવી છે. આમ ફેકટરીના શ્રમિકો હાલ સુરક્ષિત છે. વધુમાં પેપરમિલમાં ઇલેક્ટ્રિકનું વાયરીંગ વધુ હોય છે. જેથી ઇલેક્ટ્રિક રૂમમાં મોનીટરીંગ માટે તેના નિષ્ણાંત માણસોને બેસાડી દીધા છે. પોલ્યુશન બોર્ડના નિયમ પ્રમાણે પેપરમિલે માત્ર વરસાદી પાણીનો જ નિકાલ કરવાનો હોય છે. માટે ચોમાસા સિવાયના દિવસોમાં આ પાણી નિકાલની જગ્યા અમે બંધ કરી દેતા હોય છીએ. પણ અત્યારની પરિસ્થિતિમાં પેપરમિલોને નિકાલની જગ્યા ખોલીને પાણી નિકાલ માટે સૂચના આપી દેવામાં આવી છે. જેથી પાણી ભરાય નહિ.



વાવાઝોડાથી ઉદ્યોગોને થનારું નુકસાન અકલ્પનિય : મુકેશભાઈ કુંડારિયા

વિટ્રીફાઇડ એસો.ના પ્રમુખ મુકેશભાઈ કુંડારિયાએ જણાવ્યું કે વાવાઝોડું 150થી 185 કિમીની ઝડપે આવશે અને વરસાદ પણ આવશે તેવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. જેના કારણે પતરા ઉડે, શોર્ટ સર્કિટ સહિતની શકયતા રહે. જેથી ઉદ્યોગમાં બ્રેકડાઉન કરવામાં આવ્યું છે. આ વાવાઝોડાથી જે નુકસાની થાય તે અકલ્પનિય છે.



 

- text