ટંકારાના અડીખમ સહકારી અગ્રણી વાઘજીભાઈ બોડાનો જીવનદીપ બુઝાયો

- text


નાના એવા ગામથી કારકિર્દી શરૂ કરીને દિલ્હી સુધી પહોંચેલા દિગજ્જ નેતાની અણધારી વિદાયથી સહકારી ક્ષેત્રે ઘેરો શોક

ટંકારા : મૂળ ટંકારાના નાના એવા લખધીરગઢ ગામના વતની અને સહકારી ક્ષેત્રેના દિગજ્જ નેતા વાઘજીભાઈ બોડાનો જીવનદીપ બુઝાયો છે. નાના એવા ગામથી કારકિર્દી શરૂ કરીને દિલ્હી સુધી પહોંચેલા દિગજ્જ નેતાની અણધારી વિદાયથી સહકારી ક્ષેત્રે ઘેરો શોક વ્યાપી ગયો છે.

ટંકારા તાલુકાના નાના એવા લખધીરગઢ ગામે ૧૪-૧-૧૯૩૯ ના રોજ જન્મેલા સહકારી ક્ષેત્રેના કૃભકોના અગ્રણી નેતા વાઘજીભાઈ બોડાએ શરુઆતમાં ટંકારામાં જ પ્રાથમિક શાળાની શિક્ષક તરીકે ફરજ બજાવી બાદમાં શિક્ષક તરીકે રાજીનામું આપીને રાજકીય સફર શરૂ કરી. જેમાં પડધરીના સરપદડ ગામના અગ્રણી પેટલ ગોવિંદભાઈ જેઠાભાઈ તેમના રાજકીય ગુરુ બન્યા અને તેમનાથી પ્રભાવિત થઈને તેઓએ પ્રથમ વખત ટંકારામાં ગ્રામ પંચાયતની ચૂંટણી લડ્યા તેમાં વિજેતા થાય બાદ તેમની રાજકીય કારકિર્દી ઉતરોતર આગળ ધપતી રહી. જેમાં મોરબી-માળીયા સંઘની સહકારી મંડળીમાં ઝંપલાવ્યું તેમાં પણ સફળતા મળ્યા બાદ પાટીદાર સમાજના કદાવર નેતા વલ્લભભાઈ પટેલનો હાથ પકડીને ધારસભાની ચૂંટણીમાં ઝંપલાવ્યું પરંતુ નસીબ જોગે સફળ થયા ન હતા.

- text

વલ્લભભાઈ પટેલે ખેડૂતો માટે આરડીસી બૅંકની સ્થાપના કરી જેમાં વાઘજીભાઈ બોડાને મહત્વનું સ્થાન મળ્યું તેમજ વલ્લભભાઈ પટેલની સીટ પરથી તેઓ કોંગ્રેસમાંથી ટિકિટ મેળવીને ત્રણ વખત ધારાસભાની ચૂંટણી લડ્યા પણ ત્રણેય વખત તેમને હાર ખમવી પડી.જો કે તેઓ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ સામે ચૂંટણી લડ્યા હતા અને કેશુભાઈને બે જગ્યા ટંકારા અને વિસાવદર ખાતેથી ચૂંટણી લડવા મજબૂર કર્યા હતા. તેઓ સહકારી ક્ષેત્રેમાં દિગજ્જ નેતા હતા સહકારી ક્ષેત્રે અગ્રગણ્ય ગણાતા કૃભકો, ઇફકો, નાફેડ જેવી સંસ્થાના ચેરમેન રહી ચૂક્યા છે.

ટંકારાના નાના એવા ગામથી રાજકીય સફર શરૂ કરીને તેઓ દિલ્હી સુધી પહોંચી સહકારી ક્ષેત્રેના મોટા ગજના નેતા બન્યા બાદ પણ તેઓ માદરે વતન ટંકારાનું ઋણ ચૂકવવા હરહંમેશ તત્પર રહ્યા હતા. જેમાં ટંકારા પંથકના 42 ગામોના કોઈપણ દર્દીઓ હોય અને તેમને આર્થિક જરૂરિયાત ઉભી થાય તો તેઓ આર્થીક અનુદાન આપવા માટે વર્ષોથી તેઓ કાર્યરત હતા.

ઉપરાંત, ટંકારા જીવદયા માટે પણ તત્પર રહેતા જેમા ટંકારા પાંજરાપોળ અનેરું યોગદાન રહ્યું છે ત્યારે આવા દિગજ્જ નેતાના અવસાનથી સહકારી ક્ષેત્રે અને તેમના માદરે વતન ટંકારામાં ઘેરો શોક વ્યાપી ગયો છે. રાજકીય પક્ષો અને નેતાઓ સાથે અગ્રણી ને નગરજનો દ્વારા શ્રદ્ધાંજલિ આપી છે.

- text