મોરબીની શાળા GCERTના ‘જીવનશિક્ષણ’ મેગેઝિનમાં ઝળકી

- text


જી.સી.ઈ.આર.ટી.-ગાંધીનગરના મુખપત્ર ‘જીવનશિક્ષણ’માં રાજપર તાલુકા શાળાનો લેખ સમાવિષ્ટ કરાયો

મોરબી : જ્યારે શિક્ષણમાં નવતર પ્રયોગોની વાત હોય, ઈનોવેશનની વાત હોય, શિક્ષણમાં ગુણવત્તા સુધારણાની વાત હોય ત્યારે મોરબી શિરમોર જ રહ્યું છે. મોરબીના શિક્ષકો નિષ્ઠાપૂર્વક કાર્ય કરી શાળાઓને નંદનવન બનાવી રહ્યા છે. ભૌતિક સુવિધાઓથી સજ્જ બનાવી રહ્યા છે.

ત્યારે જી.સી.ઈ.આર.ટી.- ગાંધીનગર દ્વારા દર મહિને આશરે પચાસ હજાર જેટલી પ્રતોમાં ‘જીવનશિક્ષણ’ મેગેઝિન પ્રકાશિત થાય છે. જેમાં શિક્ષણના નૂતન પ્રવાહોની જાણકારી આપવામાં આવે છે. રાજ્યભરની શાળાઓની નોંધનીય બાબતોના લેખોનું આલેખન કરીને સમગ્ર રાજ્યની શાળાઓમાં પહોંચાડવામાં આવે છે.

આ જીવનશિક્ષણના ફેબ્રુઆરી માસના અંકમાં ડૉ. હમીરભાઈ કાતડ (લેક્ચરર, જિલ્લા શિક્ષણ તાલીમ ભવન – રાજકોટ) દ્વારા ‘મેં જોયેલી એક અવિસ્મરણીય શાળા’ શીર્ષક હેઠળ રાજપર તાલુકા શાળાનું સુંદર વર્ણન કરવામાં આવ્યું છે. જેમાં જણાવ્યું છે કે ભૂકંપ બાદની શાળાની નવરચના અદ્ભૂત છે. પ્રાર્થનાખંડ અને પ્રાર્થના કાર્યક્રમ સરસ છે. શાળાના બાળકો જવાહર નવોદય વિદ્યાલય તેમજ N.M.M.S. માટે સિલેક્ટ થાય છે. શાળાનું મુલ્યલક્ષી શિક્ષણ જોવા જેવું છે.

સમર કેમ્પની શ્રેષ્ઠ કામગીરી કરી બાળકોનું ઘડતર થાય છે. રામ દુકાનમાંથી બાળકોને જોઈતી શૈક્ષણિક વસ્તુઓ મળી રહે છે. વિષય કોર્નર, વિજ્ઞાન પ્રયોગ શાળા, પ્રોજેક્ટર અને સ્માર્ટ બોર્ડ દ્વારા શિક્ષણ, પાંચેક હજાર પુસ્તકો ધરાવતું પુસ્તકાલય, ખાનગી શાળાની જેમ જ જુ.કે.જી., એલ.કે.જી.ની વ્યવસ્થા, અક્ષયપાત્ર દ્વારા ચણનો સંગ્રહ, રાષ્ટ્રીય તહેવાર નિમિત્તે રાત્રી સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન, કોરોનાકાળ દરમ્યાન વોટ્સએપ અને મોબાઈલના માધ્યમથી વર્ચ્યુઅલ કલાસ દ્વારા સતત અવિરત શિક્ષણ કાર્ય ચાલતું જ રહ્યું છે.

શાળાના નવનિર્માણમાં ગ્રામજનોએ આશરે રૂપિયા દશ લાખની ધનરાશીનું દાન કરેલ છે અને વિદેશમાં વસતા ઉદાણી પરિવારે આશરે પચોંતેર લાખનું દાન અર્પણ કરેલ છે. અને શાળાનું ભવ્ય અને દિવ્ય વિદ્યા મંદિરનું નિર્માણ કરી આપેલ છે. સૌના સાથ અને સહકારથી એક અદ્ભુત, અનુપમ, અલ્પનિય, અવિસ્મરણીય, આદર્શ શાળાનું નિર્માણ કરવા બદલ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પણ પત્ર પાઠવી રાજપર તાલુકા શાળાના સમગ્ર શિક્ષણ પરિવાર તેમજ ગ્રામજનોને ધન્યવાદ પાઠવેલ છે.

- text

આમ, આ લેખનું આલેખન કરી સમગ્ર રાજ્યમાં મોરબીની શાળાનું નામ ગુંજતું કરવા બદલ ડો. હમીરભાઈ કાતડનો શાળા પરિવાર દ્વારા આભાર વ્યક્ત કરેલ છે. તેમ યાદીમાં જણાવાયું છે.

- text