સિરામિકના વિવિધ પ્રશ્નો અંગે મુખ્યમંત્રી સાથે ઉદ્યોગપતિઓની મહત્વપૂર્ણ બેઠક : દોઢ કલાક ચર્ચાઓ ચાલી

- text


 

 

રોડ- રસ્તા, ગેસના ભાવ, સોલાર પોલિસી સહિતના પ્રશ્નો અંગે રજુઆત : તમામ પ્રશ્નો પ્રત્યે મુખ્યમંત્રીનો હકારાત્મક અભિગમ 

મોરબી : મોરબીના સિરામિક ઉદ્યોગના વિવિધ પ્રશ્નો અંગે મુખ્યમંત્રી સાથે આજે ઉદ્યોગપતિઓની મહત્વપૂર્ણ બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં અંદાજે દોઢેક કલાક સુધી મુખ્યમંત્રીઓએ ઉદ્યોગપતિઓની રજૂઆતો સાંભળીને તેના પ્રત્યે હકારાત્મક પ્રતિભાવો આપ્યા હતા.

મોરબીના સિરામિક ઉદ્યોગને વૈશ્વિક કક્ષાએ હજુ પણ વધુ આગળ ધપાવવા ઉદ્યોગપતિઓ તનતોડ પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે હાલ ઉદ્યોગોને જે તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે.તેનું નિરાકરણ આવે તે માટે સિરામિક ઉદ્યોગપતિઓએ આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની રૂબરૂ મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ અંગત રસ લઈને અંદાજે દોઢ કલાક સુધી ઉદ્યોગપતિઓની રજૂઆતો સાંભળી તેની વિગતવાર ચર્ચા કરી હતી.

આ બેઠકમાં પ્રભારી મંત્રી સૌરભભાઈ પટેલ, ધારાસભ્ય બ્રિજેશ મેરજા, સિરામિક એસો.ના પ્રમુખ મુકેશભાઈ ઉધરેજા, નિલેશભાઈ જેતપરીયા, કિશોરભાઈ ભાલોડિયા, કિરીટભાઈ પટેલ, એફડીઆઈના પ્રમુખ પ્રકાશભાઈ વરમોરા, કમિટી મેમ્બર મણીભાઈ, વેલજીભાઈ(બોસ) તેમજ લગત વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.

- text

સિરામિક એસો.ના પ્રમુખ નિલેશભાઈ જેતપરિયાએ જણાવ્યું કે બેઠકમાં ઉદ્યોગોના પ્રશ્નો અંગેની વિસ્તૃત રજૂઆતો કરવામાં આવી હતી. ગેસના ભાવમાં અચાનક કરવામાં આવતો વધારો રોકવા, પ્રોપેન અને એલપીજી ગેસના વપરાશની મંજૂરી આપવા, ઉદ્યોગો નજીકના તથા શહેરના રોડ રસ્તાઓ બનાવવા તથા તેના માટે બજેટમાં સ્પેશીયલ પેકેજ જાહેર કરવા રજુઆત કરવામાં આવી હતી.

ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ એસો.ના પ્રમુખ પ્રકાશભાઈ વરમોરાએ જણાવ્યું કે બેઠકમાં ખૂબ મહત્વપૂર્ણ ચર્ચાઓ થઈ હતી. હળવદ રોડ , પીપળી રોડ અને મોરબી શહેરના રસ્તાઓ અંગે રજુઆત કરવામાં આવી હતી. સોલાર પોલિસીમાં ફેરફાર અંગે પણ રજુઆત કરાઈ હતી. આ સાથે ગેસના ભાવમાં ઓચિંતા વધારાને કારણે ઉદ્યોગોને જે ફટકો પડે છે તે નિવારવા માટે ભાવ વધારાની અગાઉ જાણ થાય તેવી રજુઆત કરાઈ હતી. જેના નિરાકરણરૂપે દર ત્રણ મહિને ભાવ નક્કી કરવા બેઠક કરવાનુ નક્કી કરવામાં આવ્યું છે.

- text