મોરબીમાં પ્રજાસત્તાક કાર્યક્રમમાં વિશેષ વ્યક્તિ અને આરોગ્ય સંસ્થાઓને સન્માનિત કરાયા

- text


મોરબી : આજે રીપબ્લિક ડે એટલે કે પ્રજાસત્તાક દિવસ નિમિત્તે મોરબીમાં એલ. ઈ. કોલેજ ખાતે જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વર્ષ દરમિયાન વિશેષ અને પ્રસંસનીય કામગીરી કરનાર કુલ 18 અધિકારીઓ, કર્મચારીઓનું અને સંસ્થાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના ડો. વિજય અગોલાનું કોવીડ અંતર્ગત લોકડાઉનના સમયથી આજદિન સુધીના એક પણ દિવસની રજા વિના સતત કામગીરી કરવા બદલ અને કોવીડ અંતર્ગત હોમ ક્વોરેન્ટાઇન, સેમ્પલ કલેકશન, શંકાસ્પદ દર્દી રીફરલ, કન્ટેનમેન્ટ ઝેન, કોન્ટેક્ટ ટ્રેસિંગ, માહીતીની તમામ કામગીરી ખુબ નિષ્ઠાપૂર્વક નિભાવવા બદલ સન્માન કરવામાં આવ્યું હતું.

રાજ્ય કક્ષાએ યોજાયેલ યુવા-ઉત્સવમાં લોકગીત સ્પર્ધામાં પ્રથમ ક્રમે વિજેતા બની રાષ્ટ્રીય કક્ષાના યુવા ઉત્સવમાં ગુજરાત રાજ્યનું પ્રતિનિત્વ કરવા બદલ અવનિ પ્રકાશભારતી ગૌસ્વામી અને રાજ્યકક્ષાએ યોજાયેલ યુવા-ઉત્સવમાં કલામહા કુંભ સ્પર્ધામાં દ્વિતિય ક્રમ મેળવવા બદલ ધ્રુવી ફેફરને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, ગત 23 ઓગસ્ટ, 2020ના રોજ ટંકારા સર્કીટ હાઉસ પાછળ આવેલ સરકારી ગોડાઉનમાં આઠેક જેટલા મજુરો પાણીમાં ફસાયેલા હતા, તેઓને બચાવવાની કામગીરી કરવા બદલ PSI એ. વી. ગોંડલીયા અને UASI ફિરોજખાન ઇબ્રાહીમભાઈ પઠાણને નવાજવામાં આવ્યા હતા.

લોકોના જીવ બચાવવા તથા પ્રિ-હોસ્પિટલ સંભાળમાં ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ 108 ઇમર્જન્સી એમ્બ્યુલન્સ સેવાના AMT આશિષભાઈ પરમાર અને પાઇલોટ હનિફભાઈ દલવાણીનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ માતા અને નવજાત શિશુઓના સલામત અને નિ:શુલ્ક પરિવહન પ્રદાન કરવામાં ઉદાહરણરૂપ કામગીરી કરવા બદલ કેપ્ટન ગૌતમભાઈ અને આરોગ્ય સંજીવની (મોબાઈલ હેલ્થ યુનિટ)માં ક્લિનિકલ કેરમાં ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ મેડિકલ ઓફિસર નિર્મલા ડાભીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

કોવિડ-19ના સમયગાળા દરમ્યાન નવા NFSA લાભાર્થીઓ સમાવવા તથા શ્રમયોગીઓને અન્ન વિતરણની ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ નાયબ મામલતદાર એન. એ. મહેતા તેમજ કોવિડ-19ના સમયગાળા દરમ્યાન શ્રમિકોને વતન પહોંચાડવા તથા મોરબી-માળીયા પેટા ચુંટણી કાર્યક્રમનું ઉત્કૃષ્ટ સુપરવિઝન કરવાની કામગીરી બદલ સંજય બારીયાને પ્રમાણપત્ર આપી બિરદાવવામાં આવ્યા હતા.

વધુમાં, ગુજરાત સરકારની ગાઈડલાઈન અનુસાર સરકારી આરોગ્ય સરકારી અધિકારી જિલ્લા પંચાયત સંસ્થાઓમાં ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે નિયત કરેલ કાયાકલ્પના ધારાધોરણો મુજબ 91.67% મેળવવા બદલ PHC (પ્રાઈમરી હેલ્થ સેન્ટર) બગથળા, 90.56% મેળવવા બદલ PHC સરવડ, 88.06% મેળવવા બદલ PHC ભરતનગર તેમજ 87.22% મેળવવા બદલ PHC ઘુંટુ અને PHC સાવડીને સર્ટીફીકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. વધુમાં, ‘આયુષ્માન ભારત’ અભિયાન અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ મોરબીની સિવિલ હોસ્પિટલ અને આયુષ હોસ્પિટલનું સન્માન કરવામાં આવ્યું હતું.

- text

- text