મોરબી-વાંકાનેર નેશનલ હાઇવેના સર્વિસ રોડ પર ખાડામાં ભરાયા પાણીના તલાવડા

- text


ગાડામાર્ગ કરતા પણ બદતર હાલતમાં રહેલા સર્વિસરોડથી સેંકડો વાહનચાલકો ત્રસ્ત:

મોરબી: નેશનલ હાઇવે જે તે વિસ્તારને રાષ્ટ્રના મુખ્ય માર્ગો સાથે જોડતો હોય છે. નેશનલ હાઇવે પરથી દેશના વિવિધ વિસ્તારોમાંથી માલવાહક ટ્રકો, આંતરરાજ્ય પરિવહન કરતા મુસાફરો સહિત રાજ્યના અન્ય શહેરોમાંથી વિષેશ ટ્રાફિક રહેતો હોય ત્યારે નેશનલ હાઈવેની દુર્દશા જે-તે વિસ્તારના નાકનો સવાલ બની જતો હોય છે. વળી નેશનલ હાઇવેનો ટ્રાફિક દિવસ દરમ્યાન તો રહેતો જ હોય છે પણ રાત્રે પણ નેશનલ હાઇવે અને તેના સર્વિસ રોડ ધમધમતા હોય છે ત્યારે મોરબી-વાંકાનેર નેશનલ હાઈવેની આત્યંતિક અધોગતિ જેવી સ્થિતિ નેશનલ હાઇવેની પરિભાષામાં ફિટ બેસે એવી તો જરા પણ નથી.

મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે પર લાલપર ગામ પાસે શક્તિ ચેમ્બર નજીક ભૂગર્ભ ગટરના પાણીના નિકાલની અણધડ (અ)વ્યવસ્થાને લઈને ભૂગર્ભ ગટરનું પાણી રોડ પર ફેલાયેલું રહેતા સર્વિસ રોડ પર મસ મોટા ખાડાઓનું સામ્રાજ્ય છવાઈ ગયું છે. આ મોટા મોટા ખાડાઓમાં પાણી ભરાઈ રહેવાને કારણે વારંવાર વાહન અકસ્માતના બનાવો બનતા રહે છે. નાના વાહનો તો ચલાવવા બિલકુલ મુશ્કેલ બને એવી હાલતમાં છેલ્લા ઘણા મહિનાઓથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. અજાણ્યા વાહનચાલકો ભૂગર્ભ ગટરના પાણી ભરેલા ખાડાઓની ઊંડાઈ-પહોળાઈનું અનુમાન ન લગાવી શકતા હોવાથી વાહનોમાં પણ વ્યાપક નુકશાની વેઠવી પડી રહી છે.

આ ગેરવ્યવસ્થા લખધીરપુર રોડથી લખધીરપુર ચોકડી સુધી વિસ્તરી છે. નેશનલ હાઇવે ઓથોરિટી આ સમસ્યા પ્રત્યે દુરલક્ષ્ય સેવતી હોવાથી હવે તો સ્થાનિકોમાં પણ રોષ ફાટી નીકળ્યો છે. ઉલ્લેખનીય બાબત તો એ છે કે આ હાઇવે પર વઘાસિયા ટોલ પ્લાઝા પર આસપાસના વિસ્તારો કરતા સૌથી વધુ ટોલટેક્ષ ઉઘરાવવામાં આવે છે. આમ છતાં અન્ય માર્ગોની સરખામણીએ આ હાઇવે પર સમસ્યા વધુ છે ત્યારે લોકોની નારાજગી સ્વાભાવિક રીતે જ વધુ છે. ત્યારે હવે જોવું રહ્યું કે આવનારા કેટલા સમયમાં વાહનચાલકોની મુશ્કેલીનો અંત આવે છે.

- text

- text