અપહૃત બાળકીનું માર મારવાથી મોત થયાનું ખુલ્યું : દુષ્કર્મની આશંકા

- text


સીરામીક ફેકટરીના જ અમુક શખ્સો શંકાના પરિધમાં: પોલીસની આકરી પૂછપરછ

મોરબી : મોરબી નજીક આવેલા સીરામીક યુનિટમાં મજૂરી કરતા શ્રમિક પરિવારની 7 વર્ષની બાળકીનું થોડા દિવસો પહેલા કોઇ અજાણ્યા શખ્સ અપહરણ કરી ગયાની ફરિયાદ નોંધાયા બાદ ગુરુવારે આ અપહૃત બાળકીનો મૃતદેહ આ કારખાનાની બાજુમાં આવેલ પાંજરાપોળ નજીકથી દાટેલી હાલતમાં મળી આવ્યો હતો. આ બનાવનું સાચું કારણ જાણવા પોલીસે હતભાગીના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડયો હતો. ત્યારે ફોરેન્સિક પીએમમાં બાળકીને માર મારવાથી મોત થયાનો રિપોર્ટ પ્રાથમિક તબક્કે આવ્યો છે. હતભાગી બાળકીનું અપહરણ કરીને માર મારી હત્યા કરીને તેની લાશ દાટી દીધી હોવાનું ખુલતા પોલીસે અપહરણની ફરિયાદમાં હત્યાની કલમ ઉમેરીને શંકમંદોની ઉલટ તપાસ હાથ ધરી છે.

મોરબી નજીક આવેલ સીરામીક કારખાનામાં રહી મજુરી કામ કરતા એક શ્રમિક પરિવારની 7 વર્ષની પુત્રી ત્રણેક દિવસ પહેલા કારખાનામાં રમતી હતી. એ દરમ્યાન બાળકી રમતા-રમતા અચાનક ગુમ થઈ ગઈ હતી. બાળકીની તેના માતાપિતાએ શોધખોળ કરી હોવા છતાં પત્તો ન લાગતા બે દિવસ પહેલા બાળકીના પિતાએ પોતાની પુત્રીનું અજાણ્યા શખ્સો અપહરણ કરી ગયાની ફરિયાદ નોંધાવી હતી. જો કે આ બનાવની ફરિયાદ બાદ પોલીસની તપાસમાં સીસીટીવી ફુટેજમાં બાળકી રમતા રમતા ક્યાંક જઈ રહી હોવાનું દેખાય છે. પોલીસની તપાસ ચાલુ હતી એ દરમ્યાન આ અપહૃત બાળકીનો મૃતદેહ ગુરુવારે કારખાનાની બાજુમાં આવેલ પાંજરાપોળ નજીકથી મળી આવ્યો હતો.

- text

બાળકીના મોતનું સાચું કારણ જાણવા હતભાગીના મૃતહેદને ફોરેન્સિક પીએમ અર્થે રાજકોટ ખસેડાયો હતો. તેમજ અપહૃત બાળકીની હત્યાની શંકા વચ્ચે પોલીસ અને એસએફએલની ટીમે તપાસ હાથ ધરી હતી. આ બનાવ અંગે સર્કલ પીઆઇ કોઢિયાએ જણાવ્યું હતું કે, હતભાગી બાળકીનો મૃતદેહ દાટી દીધેલી હાલતમાં મળી આવ્યો હતો. એ સમયે પોલીસને પ્રથમ દ્રષ્ટિએ જ આ બનાવ હત્યાનો હોવાની શંકા હતી. આમ છતાં નક્કર પુરાવા માટે રાજકોટ ખાતે હતભાગીના મૃતદેહનું ફોરેન્સિક પીએમ કરવામાં આવ્યું હતું. જેમાં આજે ફોરેન્સિક ડોક્ટરોએ બાળકીનું માર મારવાથી મોત થયું હોવાનો અભિપ્રાય આપ્યો હતો. આથી ફોરેન્સિક પીએમમાં બાળકીની હત્યા થયાનું ખુલતા હાલ અપહરણના બનાવમાં હત્યાની 302, 376ની કલમ ઉમેરી છે. જો કે ફોરેન્સિક ડોક્ટરોને દુષ્કર્મ થયાની શંકા છે, પણ હજુ એમને આ અંગે પુરાવા મળ્યા નથી અને આ દિશામાં તપાસ ચાલુ છે એમ મોરબી સર્કલ પી.આઈ. ઈમ્તિયાઝ કોઢિયાએ મોરબી અપડેટ સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું.

પોલીસને આ સીરામીક ફેકટરીમાંથી જ કોઈ શખ્સ બાળકીનો હત્યારો હોવાની શંકા છે. આથી પોલીસે સીરામીક ફેકટરીના શકમંદોની ઉલટ તપાસ હાથ ધરી છે. ત્યારે ટૂંક સમયમાં આ બનાવનો ભેદ ઉકેલવાની શકયતા છે. ઉપરોક્ત બનાવને લઈને જિલ્લાભરમાં ચકચાર મચી છે અને કસૂરવાર સામે લોકોમાં ફિટકાર વરસી રહ્યો છે. ત્યારે ટૂંક સમયમાં જ આરોપીના ચહેરા પરથી પરદો બેનકાબ થશે એવું સૂત્રો જણાવી રહ્યા છે.

- text