રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીને બ્રિજેશ મેરજાએ અર્પી ભાવાંજલી

- text


 

માધવસિંહ સોલંકીના નશ્વર દેહ સમક્ષ ડૉ. જયેશ વાછાણી લિખિત ‘આઈ લવ મી’ પુસ્તક અર્પણ કર્યું

મોરબી: આજે શનિવારે વહેલી સવારે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના એક સમયના દિગ્ગજ નેતા ગણાતા માધવસિંહ સોલંકીનું 94 વર્ષની વયે નિધન થયું હતું.માળીયા-મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ પૂર્વ મુખ્યમંત્રીના નશ્વરદેહ સમક્ષ એક પુસ્તક મૂકી તેઓને ભાવાંજલિ અર્પણ કરી હતી.

આજે વહેલી સવારે માધવસિંહ સોલંકીના નિધનના સમાચાર ફેલાતા જ રાજકીય તેમજ સામાજિક અગ્રણીઓ તેમજ કોંગ્રેસ અને ભાજપના દિગ્ગજ નેતાઓએ સદગત સોલંકીના નિવાસસ્થાને જઈ તેમને ભાવાંજલિ અર્પણ કરી હતી. માળીયા-મોરબી વિસ્તારના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ માધવસિંહ સોલંકીના નિવાસસ્થાને જઈ તેમના નશ્વરદેહપાસે ડૉક્ટર જયેશભાઈ વાછાણી લિખિત i love me નામનું પુસ્તક અર્પણ કર્યું હતું.

આ તકે બ્રિજેશ મેરજાએ જુના સંસ્મરણો વાગોળતા જણાવ્યું હતું કે, માધવસિંહ સોલંકી કુશળ રાજનીતિજ્ઞ હોવા ઉપરાંત વાંચનના પણ ખૂબ શોખીન હતા. તેમના નિવાસ્થાને વિવિધ પ્રકારના પુસ્તકોની એક લાયબ્રેરી પણ તેઓએ ઊભી કરી હતી. અગાઉ પ્રસંગોપાત જ્યારે તેઓને મળવાનું થતું ત્યારે હું તેમને કોઈપણ પુસ્તક ભેટ આપતો જે તેઓને ખૂબ જ ગમતું.

- text

ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ સદગતને અંજલિ આપતાં તેઓના વાંચનનો શોખ અને સંસ્કૃતિ પ્રેમની બિરદાવ્યો હતો. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વ હેઠળ કેબિનેટ બેઠકનું પણ આજે આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં દિવંગત નેતાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. તેમજ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સદગતના સન્માનમાં આજના તમામ કાર્યક્રમો રદ કર્યા હતા.

- text