મોરબી જિલ્લાના ધો. 10 અને 12ના 24068 વિદ્યાર્થીઓ દસ મહિનાના લાંબા અંતરાલ બાદ શાળામાં ભણશે

- text


મોરબી જિલ્લામાં 11મીથી ધો. 10 અને 12ની 231 શાળાઓ ધમધમી ઉઠશે
સરકારની ગાઈડલાઈનના ચુસ્તપણે પાલન સાથે જ શાળા શરૂ કરીશું : સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ 

મોરબી : કોરોનાકાળમાં 10 મહિનાના લાંબા અંતરાલ બાદ રાજ્ય સરકારે આગામી તા. 11મીથી ધો. 10 અને ધો. 12ની શાળા શરૂ કરવાનો નિર્ણય લીધો છે. જો કે ઘરેબેઠા ઓનલાઈન શિક્ષણ છતાં વિદ્યાર્થીઓ કલાસરૂમ ટીચિંગ ઝંખી રહ્યા હતા. ત્યારે હવે સરકારે શાળા ખોલવાની મંજૂરી આપતા 10 મહિનાના લાંબા અંતરાલ બાદ વિદ્યાર્થીઓ કલાસરૂમમાં શિક્ષણ મેળવતા થશે. જ્યારે ખાનગી શાળા સંચાલકોએ સરકારની તમામ ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવાની હૈયાધારણા આપી છે. સ્કૂલમાં સેનીટાઝેશન અને માસ્કનો ફરજિયાત અમલ થશે.

મોરબી જિલ્લામાં 11 મી જાન્યુઆરીથી ધો. 10 અને 12ની કુલ 231 શાળાઓ ખુલવા જઈ રહી છે. આ 231 શાળામાં ખાનગી 120, સરકારી 37 અને ગ્રાન્ટેડ 74 શાળાનો સમાવેશ થાય છે. દસ મહિના બાદ ફરીથી શાળાઓ શરૂ થઈ રહી છે. ત્યારે ધો.10, 12ના 24068 વિદ્યાર્થીઓ શાળાએ જશે. જેમાં ધો. 10ના 15079 અને ધો. 12માં 8989 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.

જ્યારે 120 ખાનગી શાળાના 13767 અને બાકીના ગ્રાન્ટેડ અને સરકારી સહિત અન્ય તમામ શાળાઓના 10301 વિદ્યાર્થીઓ છે. ખાનગી શાળા સંચાલક મંડળે તમામ વિદ્યાર્થીઓના વાલીઓને સંમતિ પત્રક મોકલાવ્યું છે. જેમાં કોરોના અંગેની સરકારની ગાઈડલાઈનના અમલની બાંહેધરીપત્રક ભરી આપે એને જ શાળામાં પ્રવેશ આપશે. શાળામાં દરેક વિદ્યાર્થીઓને ફરજિયાત માસ્ક પહેરીને તથા સાથે સેનિટાઈઝની બોટલ પણ સાથે લઈ આવવાની સૂચના આપવામાં આવી છે.

સરકારની ગાઈડલાઈનના ચુસ્તપણે પાલન સાથે જ શાળા શરૂ કરીશું

સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ મનોજભાઈ ઓગણજાએ કહ્યું હતું કે, સરકારની કોરોના અંગેની ગાઈડલાઈન પ્રમાણે જ શાળા શરૂ કરીશું. સરકારની ગાઈડલાઈનનો ચુસ્તપણે અમલ કરીશું તેમજ આ અંગે ખાનગી શાળાઓના સંચાલકોની આવતીકાલે મીટીંગ યોજાશે. જેમાં શાળાઓ રાખવાની થતી તકેદારી અંગે પણ સઘન ચર્ચા થશે તેમજ શાળાઓ ખુલે ત્યારે માસ્ક ફરજિયાત અને સેનીટાઈઝ રાખવામાં આવશે. જો કે શાળાઓ હવે ખુલવી જ જોઈએ સરકારે લીધેલો નિર્ણય અવકારદાયી છે. કારણ કે સમૃદ્ધ બાળકો તો ઓનલાઈન શિક્ષણની સાથે પર્સનલ ટ્યુશન રાખીને અભ્યાસ કરી શકે છે. પણ સામાન્ય પરિવારના બાળકોને પર્સનલ ટ્યુશન રાખવું પોસાય તેમ નથી. આથી, સામાન્ય પરિવારના બાળકો માટે સ્કૂલ ખોલવી જરૂરી હતી.

- text

વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ જ્ઞાનનો ફાયદો થશે

શાળાના શિક્ષકોએ જણાવ્યું હતું કે, ગરીબ અને સામાન્ય પરિવારના બાળકોને શાળાઓ ખુલવાથી મોટી રાહત થશે. કારણ કે હમણાં બોર્ડની પરીક્ષા આવી રહી છે. ત્યારે ઘરે બેસીને તૈયારી કરવી અને શાળાએ પ્રેક્ટિકલ જ્ઞાન લેવું તે બોર્ડની પરીક્ષા માટે ટર્નીગ પોઇન્ટ સમાન છે. જે વિદ્યાર્થીઓ ભણી શકતા ન હતા. તેના માટે આ સ્કૂલ ખોલવી જરૂરી હતી. તેમજ ધો. 12ના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ જ્ઞાનનો મોટો ફાયદો થશે.

વિદ્યાર્થીઓના ગ્રાસપીંગ પાવરમાં ઘટાડો

10 મહિનાથી શાળાઓ બંધ હોવાથી વિદ્યાર્થીઓના ગ્રાસપીંગ પાવરમાં ઘટાડો થયો છે. કારણ કે શાળાના કલાસ રૂમમાં શિક્ષણ સાથેનું જે વાતાવરણ મળે ઘરે બેસીને અભ્યાસ કરવામાં ન મળે. આથી, વિદ્યાર્થીઓના શિક્ષણમાં મોટો ફરક પડે છે. વિદ્યાર્થીઓની શિક્ષણને આત્મસાત કરવાની ગ્રહણ શક્તિ ઘટી છે.

વિદ્યાર્થીઓ સ્કૂલ જેવું ઘરે ભણી શકતા નથી

ધો. 10ના વિદ્યાર્થીના વાલી ધર્મેન્દ્રભાઈ ઉભડિયાએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ સ્કૂલ જેવું ઘરે શિક્ષણ ક્યારેય મેળવી શકે નહીં. સ્કૂલમાં જે પ્રત્યક્ષ શિક્ષણ અપાઈ તે માત્ર પરીક્ષા માટે જ નહીં પણ જીવનના ઘડતર માટે પણ ઉત્તમ છે. સ્કૂલો બંધ હોવાથી વિદ્યાર્થીઓ અને શિક્ષક વચ્ચે ઘણી જ ખાઈ પડી ગઈ છે. શિક્ષણનું સ્તર પણ ઘટી ગયું છે. આથી, હવે સ્કૂલ શરૂ થયા છે તે વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સારી વાત છે.

એક વર્ગખંડમાં 20 વિદ્યાર્થીઓને બેસાડાશે

સરકારની ગાઈડલાઈન પ્રમાણે દરેક સ્કૂલના એક વર્ગખંડમાં માત્ર 20 વિદ્યાર્થીઓને બેસાડવામાં આવશે. એટલે એક બેન્ચમાં એક જ વિદ્યાર્થી હશે. એમાં પણ ક્રોસમાં બેસાડવામાં આવશે. હાલ સ્કૂલનો પાંચ કલાકનો નહી પણ અઢી કલાકનો સમય રહેશે અને નાસ્તા માટે રિસેશ પડશે નહિ. જો વિદ્યાર્થીઓ નાસ્તો લઈને આવ્યા હશે તો તેમને બેન્ચ ઉપર જ બેસીને નાસ્તો કરવાનો રહેશે અને પાણી ફરજિયાત રખાશે. દરેક સ્કૂલમાં સેનીટાઇઝેશન અને સાબુ રાખવમાં આવશે તેમજ થર્મલ ગન દ્વારા વિદ્યાર્થીઓનું ચેકઅપ કરાશે. શરદી ઉધરસ હોય કે બીમારી હોય એવા વિદ્યાર્થીઓને શાળાએ ન આવવાની તાકીદ કરાઈ છે.

હાલ સ્કૂલ બસો ચાલુ નહિ થાય

કોરોના કાળ વચ્ચે સરકારે હવે સ્કૂલો ખોલવાની પરવાનીગી આપી છે પણ ચુસ્તપણે ગાઈડલાઈનનો અમલ કરવાનો હોવાથી હાલના તબક્કે એકપણ સુકલ બસ નહિ દોડે. વાલીઓએ બાળકોને જાતે શાળાએ મોકલાવીની વ્યવસ્થા કરવી પડશે.

- text