માસ્ક-સૅનેટાઇઝરની વેલકમ કીટથી કરાશે વિદ્યાર્થીઓનું સ્વાગત, કોલેજો શરુ થવા અંગે SOP જાહેર

તા. 11મીથી શરુ થશે કોલેજો, હોસ્ટેલના એક રૂમમાં એક જ વિદ્યાર્થી રહી શકશે

મોરબી : તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા યુનિવર્સિટીઓ/કોલેજોને તા. 11થી રી-ઓપન કરવાની જાહેરાત કરવામાં આવેલ છે. ત્યારે યુનિવર્સિટીઓ/ કોલેજોના શૈક્ષણિક-બિનશૈક્ષણિક સ્ટાફ તથા વિદ્યાર્થીઓએ નીચે મુજબની તમામ SOPનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

(1) તા. 11થી કોલેજો તથા યુનિવર્સિટીઓ વિદ્યાર્થીઓ માટે ઓફલાઈન (ભૌતિક રીતે) શૈક્ષણિક કાર્ય ફરીથી શરૂ કરવામાં આવશે. ઓફલાઇન (ભૌતિક રીતે) શૈક્ષણિક કાર્યમાં હાજરી આપવી વિદ્યાર્થી માટે સ્વૈછિક રહેશે તથા તે માટે સંબંધિત સંસ્થાએ વિદ્યાર્થી/વાલી પાસેથી સંમતિપત્ર મેળવવાનું રહેશે. જે વિદ્યાર્થીઓ ક્લાસમાં ન જોડાય, તેઓ માટે ઓનલાઇન અભ્યાસની વ્યવસ્થા કરવાની રહેશે તથા પ્રથમ દિવસે વર્ગમાં આવનાર વિદ્યાર્થીઓનું સંસ્થા દ્વારા સ્વાગત કરવાનું રહેશે તેમજ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપે સંસ્થા/કોલેજ તરફથી વેલકમ કીટ આપવાની રહેશે. આ વેલકમ કીટમાં કોરોના સામે રક્ષણ આપનાર માસ્ક, સેનેટાઇઝર વગેરે વસ્તુઓ રહેશે.

(2) આ તમામ કાર્યવાહી યુ.જી.સી.ની તા. 5 નવેમ્બરની ગાઈડલાઈનને અનુસરીને ચાલુ કરવામાં આવશે.

(3) પ્રથમ તબક્કામાં તમામ પી.જી., પીએચ.ડી., એમ.ફિલ, વગેરે અભ્યાસક્રમો, મેડીકલ/પેરામેડીકલના તમામ તથા અન્ય સ્નાતક અભ્યાસક્રમ (ટેકનિકલ તથા નોન ટેકનિકલ તમામ)ના ફક્ત ફાઈનલ ઈયર (આખરી વર્ષ)ના તમામ વિદ્યાર્થીઓને ભૌતિક રીતે શિક્ષણ આપવામાં આવશે. અન્ય વર્ગોમાં ઓન-લાઇન અભ્યાસ ચાલુ રહેશે.

(4) વિદ્યાર્થીઓની સંખ્યા તથા વિષયની જરૂરિયાત તેમજ જટિલતા ધ્યાને લઈને તે પ્રમાણે વર્ગ સંખ્યા ગોઠવવાની રહેશે. જેથી, બે વિદ્યાર્થીઓ વચ્ચે યુ.જી.સી.ની માર્ગદર્શિકા પ્રમાણે સોશ્યલ ડિસ્ટન્સ જળવાય તે માટે 50%-50% ના બે વર્ગ અથવા તો 1/3, 1/3, 1/3ના ત્રણ વર્ગો ગોઠવી શકાય, જો સમયાંતરે વિદ્યાર્થીઓને બોલાવવાના થાય તો જે વિદ્યાર્થીઓને બોલાવવામાં આવે તેઓને સતત ત્રણ દિવસ માટે બોલાવવામાં આવશે. ત્યારબાદ બાકીના દિવસોએ બીજા સમુહના વિદ્યાર્થીઓને બોલાવવામાં આવશે. વધુમાં, ક્યા વિષય/અભ્યાસક્રમ માટે ક્યા પ્રકારની વ્યવસ્થા ગોઠવવાની રહેશે તે અંગેનો નિર્ણય લેવા માટે કુલપતિ/પ્રિન્સિપાલ સક્ષમ રહેશે.

(5) હોસ્ટેલ સુવિધા જો આપવામાં આવે તો હાલ એક રૂમમાં એક જ વિદ્યાર્થી રહી શકશે. હોસ્ટેલ માટેની માર્ગદર્શિકાનું સંપૂર્ણ રીતે પાલન કરવાનું રહેશે.

(6) ફેસ માસ્ક ફરજિયાત રહેશે તથા હેન્ડ વોશિંગ, સેનિટાઈઝેશન પોઈન્ટ્સ પુરતી સંખ્યામાં રાખવાના રહેશે. વર્ગ ખંડો/છાત્રાલયોનું સમયાંતરે સેનિટાઈઝેશન કરવામાં આવશે અને સતત મોનિટરીંગ દ્વારા કોઈપણ સંક્રમિત અથવા લક્ષણ ધરાવતા વિદ્યાર્થી/શિક્ષક કેમ્પસમાં ના પ્રવેશે તેની કાળજી જે તે યુનિવર્સિટી/ કોલેજના સંબંધિત સત્તાધિકારીઓએ લેવાની રહેશે તેમજ આ અંગેની બહાર પાડવામાં આવેલ યુ.જી.સી.ની ગાઈડલાઈનનું ચૂસ્ત પણે પાલન કરવાનું રહેશે.

(7) આ ગાઈડલાઈન શિક્ષણ વિભાગ હેઠળની તમામ સરકારી/ખાનગી યુનિવર્સિટીઓ તથા સરકારી તેમજ ખાનગી કોલેજોને લાગુ થશે.

વધુમાં, i-GOT પ્લેટફોર્મ પરના આરોગ્ય શિક્ષણના કોરોના અંગેના અભ્યાસક્રમો કે જે ભારત સરકારના DOPTએ તૈયાર કરેલ છે અને નિઃશુલ્ક છે, તે પણ કરવા ફેકલ્ટી મેમ્બર્સને અને વિદ્યાર્થીઓને સુચન કરવામાં આવે છે.