મકનસર પાસેના સ્વામી નારાયણ મંદીરમાંથી રૂ. 62 હજારના મુદ્દામાલની ચોરી

- text


તસ્કરોએ મોરબી જિલ્લામાં વધુ એક મંદિરને નિશાન બનાવતા ભાવિકોમાં ઉગ્ર આક્રોશ, તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી

મોરબી : મોરબીના મકનસર ગામે આવેલા સ્વામી નારાયણ મંદિરમાં ગતરાત્રે તસ્કરો ખાબકયા હતા અને તસ્કરો આ સ્વામી નારાયણ મંદિરમાંથી રૂ. 62 હજારના મુદ્દામાલની ચોરી કરી ગયા હતા. તસ્કરોએ મોરબી જિલ્લામાં વધુ એક મંદિરને નિશાન બનાવતા ભાવિકોમાં ઉગ્ર આક્રોશ વ્યાપી ગયો છે. આ ચોરીના બનાવ અંગે તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

મોરબી તાલુકા પોલીસ મથકેથી ચોરીના બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે પર આવેલા મકનસર ગામ પાસેના સ્વામી નારાયણ મંદિરને ગતરાત્રે તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. તસ્કરો આ સ્વામી નારાયણ મંદિરની દાનપેટી તોડીને તેમાંથી રૂ. 7 હજાર રોકડા અને ભગવાનને ચડાવેલા 15થી 20 જેટલા ડાયમંડ ઇમિટેનશનના આભૂષણો કિંમત રૂ. 55 હજાર મળીને કુલ રૂ. 62 હજારની માલમતા ઉઠાવી ગયા હતા. આ બનાવ અંગે મંદિરમાં નોકરી કરતા સતીષભાઈ હરિલાલ જાકાસણીયાએ મકનસર ગામના સ્વામીનારાયણ મંદિરમાંથી અજાણ્યા શખ્સોએ ચોરી કરી ગયાની મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

- text

અત્રે ઉલ્લેખનીય છે કે, હમણાં છેલ્લા થોડા સમયમાં તસ્કરોએ ખાસ મંદિરોને ટાર્ગેટ કર્યા હોય તે રીતે મંદિરોમાં ચોરીના બનાવો બહાર આવ્યા છે. જેમાં તસ્કરોએ થોડા સમય પહેલા ટંકારા તાલુકાના ચાર મંદિરોને નિશાન બનાવ્યા હતા. હવે વધુ એક મંદિરને નિશાન બનાવતા લોકોમાં ઉગ્ર આક્રોશ વ્યાપી ગયો છે. જો કે ગતરાત્રે થર્ટી ફસ્ટને લઈને પોલીસે જિલ્લાભરમાં કડક ચેકિંગ કર્યું હતું. પોલીસના સઘન ચેકિંગ વચ્ચે પણ તસ્કરો કળા કરવામાં સફળ રહ્યા હતા.

- text