ડેઈલી માર્કેટ રિપોર્ટ : એમસીએક્સ પર રબરમાં ચાર વાયદા કોન્ટ્રેક્ટ સાથે સોમવારથી થશે કામકાજનો પ્રારંભ

- text


 

એમસીએક્સ બુલડેક્સના વાયદાનો પાકતી તારીખનો ભાવ નિર્ધારિત: ક્રિસમસની જાહેર રજા નિમિત્તે એક્સચેન્જ પર બંને સત્રનાં કામકાજ બંધ રહ્યા

મુંબઈ: દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર ક્રિસમસની જાહેર રજા નિમિત્તે શુક્રવારે બંને સત્રનાં કામકાજ બંધ રહ્યા હતા. એમસીએક્સને સેબીની મંજૂરી પ્રાપ્ત થયા બાદ હવે એક્સચેન્જ પર ૨૮ ડિસેમ્બરને સોમવારથી રબરમાં વાયદાનાં કામકાજનો પ્રારંભ થશે, એવું એક પરિપત્ર મારફત જણાવ્યું હતું. આ પરિપત્ર મુજબ એક્સચેન્જ પર જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ-૨૦૨૧ એમ કુલ ચાર કોન્ટ્રેક્ટ વાયદાનાં કામકાજ માટે સોમવારથી ઉપલબ્ધ બનશે. આ ઉપરાંત એક્સચેન્જે એમસીએક્સ બુલડેક્સના વાયદાનો પાકતી તારીખનો ભાવ નિર્ધારિત કર્યો છે.

રબરના આ નવા શરૂ થનારા કોન્ટ્રેક્ટના ધારાધોરણો જોઈએ તો, ટ્રેડિંગનો સમય સવારે ૯ વાગ્યાથી સાંજે ૫ વાગ્યા સુધીનો રહેશે, જ્યારે ટ્રેડિંગનું યુનિટ ૧ મે.ટન એટલે કે ૧,૦૦૦ કિલોગ્રામનું રહેશે. ક્વોટેશન અથવા તો બેઝ વેલ્યૂ ૧૦૦ કિલોગ્રામદીઠ રૂપિયામાં રહેશે. પ્રાઈસ ક્વોટ એક્સ-પલક્કડ, કેરળ (તમામ કરવેરા અને લેવી સિવાય)નું રહેશે. મહત્તમ ઓર્ડરનો જથ્થો ૫૦ મે.ટનનો રહેશે, જ્યારે ટિક સાઈઝ (લઘુત્તમ ભાવ વધઘટ) રૂ.૧ની રહેશે. પ્રારંભિક માર્જિન લઘુત્તમ ૧૦ ટકા અથવા સ્પાનના આધારે, એ બંનેમાં જે વધુ હશે તે રહેશે. એક્સ્ટ્રીમ લોસ માર્જિન લઘુત્તમ ૧ ટકા રહેશે. મહત્તમ છૂટપાત્ર ઓપન પોઝિશન વ્યક્તિગત ગ્રાહકો માટે ૧૧,૫૦૦ મે.ટનની રહેશે, જ્યારે તમામ ગ્રાહકો વતી સભ્યની આ મર્યાદા ૧,૧૫,૦૦૦ મે.ટન અથવા બજારવાર ઓપન પોઝિશનના ૧૫ ટકા એ બંનેમાંથી જે વધુ હોય તે રહેશે. આ સામે નજીકના મહિનાની મર્યાદા જોઈએ તો વ્યક્તિગત ગ્રાહકો માટે ૨,૮૭૫ મે.ટનની રહેશે, જ્યારે સભ્ય સ્તરે નજીકના મહિનાની મર્યાદા સભ્ય સ્તરની ઓવરઓલ પોઝિશન મર્યાદાના એક ચતુર્થાંશ જેટલી રહેશે. ડિલિવરીનું એકમ ૧ મે.ટન અને તેના ગુણાંકમાં રહેશે, જ્યારે ડિલિવરીનું કેન્દ્ર કેરળ રાજ્યના પલક્કડ ખાતે (૧૦૦ કિ.મી.ની અંદર)ના એક્સચેન્જ અધિકૃત વેરહાઉસ રહેશે. આ કોન્ટ્રેક્ટમાં ડિલિવરીનું લોજિક ફરજિયાત ડિલિવરીનું રહેશે.

રબરના આ વાયદા કોન્ટ્રેક્ટનું વર્ચ્યુઅલ લોન્ચિંગ એક્સચેન્જની વેબસાઈટ પર ૨૮ ડિસેમ્બરને સોમવારે સવારે ૮-૪૦ વાગ્યે થશે, જેમાં મુખ્ય મહેમાન તરીકે રબર બોર્ડ ઓફ ઈન્ડિયાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડો. કે.એન. રાઘવન ઉદઘાટન કરશે. આ સમયે એમસીએક્સના એમડી અને સીઈઓ પી.એસ. રેડ્ડી, આઈઆરડીએફના પ્રેસિડેન્ટ જ્યોર્જ વેલી અને જિયોજિત ફાઈનાન્શિયલ સર્વિસીસના એમડી અને સીઈઓ સી.જે. જ્યોર્જ ઓનલાઈન ઉપસ્થિત રહેશે.

- text

હાલના દસકામાં વિશ્ર્વભરમાં કુદરતી રબરના વપરાશમાં સતત વૃદ્ધિ થઈ છે અને કાચા માલની માગ માટે એશિયા વિકાસની કેડી પર આગળ વધી રહ્યું છે. થાઈલેન્ડ, ઈન્ડોનેશિયા, ભારત, ચીન, મલેશિયા, વિયેટનામ રબરના મુખ્ય ઉત્પાદકો છે. ભારત કુદરતી રબરના ઉત્પાદનમાં છઠ્ઠા અને વિશ્ર્વમાં ઉપયોગમાં બીજા સ્થાને છે. જોકે, દેશનો કુલ વપરાશ ઉત્પાદનથી વધુ છે, પરંતુ ભારત જ્યારે પણ આંતરરાષ્ટ્રીય બજાર અને સ્થાનિક બજાર વચ્ચે ભાવમાં તફાવત હોય છે ત્યારે કુદરતી રબરની નિકાસ કરે છે. ટાયરના નિર્માણ ક્ષેત્રમાં વૈશ્ર્વિક રબર ઉત્પાદનનો લગભગ ૫૦થી ૬૦ ટકા હિસ્સાનો ઉપયોગ થાય છે. આ ક્ષેત્રમાં કુદરતી કે સિન્થેટિક રબરનો ઉપયોગ અલગ-અલગ કરી શકાતો નથી, તેનું મિશ્રણ કરવું પડે છે.

રબરનો ઉપયોગ વિભિન્ન ઉદ્યોગો જેમ કે ઓટોમોબાઈલ, એયરોનોટિક્સ, ઈલેક્ટ્રિકલ અને ઈલેક્ટ્રોનિક્સ, મટીરિયલ હેન્ડલિંગ, આરોગ્ય સંભાળ, પાવર ટ્રાન્સમિશનના ઉપયોગમાં કરવામાં આવે છે અને તેના અન્ય ઘણા ઉપયોગો પણ છે. રબરના ભાવને અસરકરતાં પરીબળોમાં વૈશ્ર્વિક અને ઘરેલૂ ઉત્પાદન, વૈશ્ર્વિક અને ઘરેલૂ વપરાશ, મોસમની સ્થિતિ, કેરીઓવર સ્ટોકની સ્થિતિ, કરન્સી બજારની વધઘટ, ક્રૂડ તેલના ભાવ વગેરેનો સમાવેશ થાય છે. રબરના વાયદાનાં કામકાજ શરૂ થવાથી રબરના ઉત્પાદકો, ટ્રેડરો, નિકાસકારો, આયાતકારો અને અંતિમ વપરાશકારો તરીકે આ માલનો ઉપયોગ કરનારા ઉદ્યોગો સહિત સંબંધિત પક્ષોને રબરના ભાવમાં મોટી વધઘટ સામે સુરક્ષા પ્રાપ્ત કરવા માટે મદદ મળશે.
આ સાથે જ એક્સચેન્જે ૨૪ ડિસેમ્બરના રોજ પાકેલા એમસીએક્સ બુલડેક્સ ડિસેમ્બર ૨૦૨૦ એક્સપાયરી (એમસીએક્સ આઈકોમડેક્સ બુલિયન ઈન્ડેક્સ ફ્યુચર્સ કોન્ટ્રેક્ટ્સ)નો પાકતી તારીખનો ભાવ ૧ ઈન્ડેક્સ પોઈન્ટદીઠ ૧૫,૫૯૩નો નિર્ધારિત કર્યો હોવાનું એક વધુ પરિપત્ર મારફત જણાવ્યું છે.

- text