એક સમયે મોરબીની શાન ગણાતા નળીયા ઉદ્યોગના 300માંથી 30 જ યુનિટો બચ્યા

- text


નળીયાવાળા મકાન બનાવવા જ કોઈ તૈયાર ન હોય નળીયાની ડિમાન્ડ તળિયે પહોંચી

પાકા મકાનોનો ક્રેઝ, લાકડા મોંઘા અને મજૂરોની અછતથી નળીયા ઉદ્યોગ ઓક્સિજન ઉપર

મોરબી : મોરબી શહેરની અત્યારે દેશ વિદેશમાં ભલે સીરામીક સીટી તરીકે ગણના થાય પણ એક સમયે મોરબીની નળીયા ઉદ્યોગથી ઓળખ થતી. હાલ નળીયા ઉદ્યોગ ઓક્સિજન ઉપર છે. હરકોઈની પાકા મકાનો બનાવવાની ઘેલછાને કારણે નળીયાની ડિમાન્ડ તળિયે પહોંચી ગઈ છે. આથી, એક સમયે નળીયા ઉદ્યોગના 300 જેટલા યુનિટો હતા. તેમાંથી હવે નળીયા ઉદ્યોગના માત્ર 30 જ યુનિટો બચ્યા છે.

મોરબીમાં વર્ષ 1951માં નળીયા ઉદ્યોગનો પાયો નંખાયો હતો.તે સમયે નળીયા ઉદ્યોગના માત્ર બે યુનિટો શરૂ થયા હતા. ત્યારે આધુનિક યંત્રો બહુ જ અલ્પ હોવાથી નળીયા ઉદ્યોગને ટકાવી રાખવામાં મુશ્કેલી ઉભી થઇ હતી. આમ છતાં નળીયાના ઉદ્યોગકારોએ ખાસ્સી મહેનત કરી હતી. નળીયા ઉદ્યોગ ન હતો, તે પહેલાં મકાનોમાં દેશી નળીયાનો ઉપયોગ થતો અને આ દેશી નળીયા પ્રજાપતિ પરિવારો બનાવતા હતા. આથી, આ કોઠાસૂઝ કામે લગાડીને પ્રજાપતિ પરિવારોએ નળીયા ઉદ્યોગના યુનિટ સ્થાપ્યા હતા. જો કે નળીયા માટે વપરાતી લાલ માટી મોરબીની આસપાસ પુષ્કળ પ્રમાણમાં મળતી હોવાથી નળીયા બનાવવાનું કામ સરળ બની જતું હતું.

જેમ જેમ આધુનિક યંત્રો આવતા ગયા તેમ તેમ મોરબીમાં નળીયાના યુનિટો વધુ બનવા લાગ્યા હતા. અને 1970 પછીના ગાળામાં આ ઉદ્યોગની સતત આગેકૂચ રહી હતી. 1979 પુર હોનારત વખતે સરકારી સહાય મળતા નળીયા ઉદ્યોગ ફરી બેઠો થયો હતો. મોરબીમાં તે સમયે મૅગલોરી અને વિલાયતી નલિયાનું ઉત્પાદન થતું. જેની માત્ર દેશમાં જ નહીં વિદેશમાં પણ ડિમાન્ડ રહેતી અને ઘરઆંગણે હજારો લોકોને રોજી મળતી હતી. વર્ષ 1990 સુધીમાં નળીયા ઉદ્યોગનો સુવર્ણકાળ હતો અને તે સમયે નળીયા ઉદ્યોગના 300 જેટલા એકમો હતા. પણ વર્ષ 1991માં સીરામીકનો ઉદય થતા નળીયા ઉદ્યોગની પડતી શરૂ થઈ હતી.

- text

વર્ષ 2000 પછી નળીયાની ડિમાન્ડ સાવ ઘટી જ ગઈ અને લોકો નળીયાવાળાને બદલે ઇમારતવાળા જ મકાનો બનાવતા હોવાથી નળીયાની માંગ હવે સાવ નહિવત છે. કારણ કે હરકોઈને ઇમારતવાળા જ મકાનો બાંધવાની ઘેલછા છે. આથી, કોઈ નળીયાવાળા મકાનો બનાવતા જ નથી. તે ઉપરાંત, મકાનોમાં નળીયા રાખવા માટે વપરાતા લાકડાઓ પણ મોંઘા થયા અને મજૂરોની પણ મોટી અછત છે. આથી, નળીયા ઉદ્યોગના 300 જેટલા એકમોમાંથી હવે 30 જ એકમો બચ્યા છે.

- text