મોરબીમાં કોરોના વેકસીનના આગામી આયોજન માટે ઓરીએન્ટેશન વર્કશોપ યોજાયો

- text


આ વર્કશોપમાં ડબ્લ્યુ.એચ.ઓ.ના પ્રતિનિધિ ડો.અમોલ ભોંસલેએ હાજરી આપી, મોરબી જિલ્લામાં આગામી સમયમાં કોરોના પ્રતિરોધક રસીની કેવી રીતે કામગીરી કરવી તે અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું

મોરબી : વૈશ્વિક મહામારી કોરોનાને નાથવા માટે મહત્વની એવી કોરોના વેકસની હવે ગમે તે ઘડીએ પ્રાપ્ત થાય તેવા ઉજળા સંજોગો નિર્માણ થયા છે. ત્યારે મોરબી જિલ્લામાં કોરોના વેકસીનના આગામી આયોજનના ભાગરૂપે જિલ્લા કલેકટર તથા જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જે.એમ કતીરા દ્વારા તાજેતરમાં ઓરીએન્ટેશન વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી જિલ્લા વહીવટી તંત્રના જુદાજુદા વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

મોરબી જિલ્લામાં કોરોના વેકસીન માટેના આ મહત્વના વર્કશોપમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી, પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વિભાગ, આઈ.સી.ડી.એસ. વિભાગ, પોલીસ વિભાગ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, માહિતી વિભાગ, સહિતના વિભાગોના અધિકારીઓ તેમજ મોરબી જિલ્લાના આરોગ્ય વિભાગમાંથી મોરબીની સિવિલ હોસ્પિટલના અધિકારીઓ,તાલુકા હેલ્થ ઓફિસરો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ઓફિસરો, અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આ વર્કશોપમાં ડબ્લ્યુ.એચ.ઓ.ના પ્રતિનિધિ ડો.અમોલ ભોંસલેએ હાજરી આપી મોરબી જિલ્લામાં આગામી સમયમાં કોરોના પ્રતિરોધક રસીની કેવી રીતે કામગીરી કરવી તે અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.

- text

ઉપરાંત આ વર્કશોપમાં આરોગ્ય શાખા જિલ્લા પંચાયત મોરબીના જુદાજુદા અધિકારીઓ દ્વારા આગામી સમયમાં જિલ્લામાં કોરોનાની રસી લોકો સુધી કેવી રીતે પહોંચાડવી, કોરોના રસીના કામગીરીમાં જરૂરિયાતો, તકેદારીઓ રાખવા અને મુશ્કેલીઓ નિવરવા અંગે યોગ્ય માહિતી આપવામાં આવી હતી. આમ, હાલ મોરબી જિલ્લામાં આવનારી કોરોના રસીની કામગીરી માટે સમગ્ર મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જોરશોરથી તૈયારીઓ કરી દેવામાં આવી છે.

 

- text