મોરબીમાં પેટા-ચૂંટણી વખતે શરૂ કરેલી સફાઈ ઝુંબેશ હાલમાં કેમ બંધ છે? : કોંગી અગ્રણીનો સાંસદને સવાલ

- text


પેટા-ચૂંટણી સમયે સાંસદ મોહનભાઇએ અંગત રસ લઇ કરાવેલા પ્રાથમિક સુવિધાના કામો માત્ર મત મેળવવા પૂરતો દેખાવ હોવાનો કોંગ્રેસના રમેશભાઈ રબારીનો આક્ષેપ

મોરબી : મોરબી શહેરના નાગરિકોની સુખ-સુવિધા એવા ભૂગર્ભ ડ્રેનેજને સફાઈની અને લાઈટ સહીતના પ્રશ્નો ભાજપ દ્વારા વિધાનસભા પેટાચુંટણી વખતે ઉઠાવવામાં આવ્યા હતા. તેમજ પેટા-ચૂંટણીમાં મત મેળવવા માટેની આધુનિક સફાઈ ઝુંબેશ હાલમાં કેમ બંધ કરેલ છે? તેવા સણસણતા સવાલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ રમેશભાઈ રબારી દ્વારા રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયાને લેખિતમાં કરવામાં આવ્યો છે.

આ અંગે રમેશભાઈએ યાદીમાં જણાવ્યું છે કે તાજેતરમાં વિધાનસભા પેટા ચુંટણી સમયે મોહનભાઇએ અંગત રસ લઈ લોકોના મત મેળવવા માટે શહેરની ભૂગર્ભ ગટરની ગંદકી દૂર કરવા, રોડ-રસ્તા અને નાલાઓ રીપેર કરવા તેમજ દરેક વોર્ડમાં સફાઈ માટે સફાઈ કામદારની ટીમ બનાવી સફાઈ કરાવેલ હતી. તેમજ જે લાઈટો બંધ હતી તે ચાલુ કરાવેલ હતી. ભુગર્ભ ગટર સફાઈ માટે આધુનિક મશીનરી સાથે કોર્પોરેશનની ટીમ બોલાવી ભૂગર્ભ ગટર સાફ કરાવેલ તેમજ શહેરના રસ્તાઓ ઉપર આધુનિક મશીનો ફેરવી સફાઈ કરેલ હતી. ત્યારે સફાઈ માટે મોરબી નગરપાલિકાનું તંત્ર સક્ષમ ન હોય. તો સરકારી નિતિઓ મુજબ કોર્પોરેશનની સફાઈ ટીમો વિવિધ સાધનો અને વાહનો સાથે શ્રેષ્ઠ કક્ષાના શ્રમિકો બોલાવી લોકોને ઉપયોગી બનેલ હતા.

- text

પરંતુ હાલ મોરબીની પહેલા જેવી જ દારૂણ દશા છે. જેમ કે કાલિકા પ્લોટ, શકિત પ્લોટ, સાવસર પ્લોટ, કાયાજી પ્લોટ જેવા અનેક વિસ્તારોમાં ભૂગર્ભ ગટરો છલકાય છે તેમજ આપે ચાલુ કરાવેલ સ્ટ્રીટ લાઈટો દિવસરભેર ચાલુ હોય છે જયારે રાત્રે બંધ થઈ જાય છે. અનેક વોર્ડ તથા વિસ્તારોમાં કચરાઓના ઢગલાઓનાં થર જામ્યા છે. તેમજ મોરબીના ઘણા વિસ્તારોમાં પાણી પણ નિયમિત રીતે મળતું નથી. જે રીતે ચુંટણી સમયે મોરબીની પ્રજાનું કામ થતું હતું તેવું કામ અત્યારે કેમ થતું નથી? આમ, હવે ભાજપ દ્વારા કોઈ કાર્યવાહી થતી નથી.

સાંસદના કાર્યાલયથી લઈને તમામ વિસ્તારોમાં ગટરના ગંદા પાણી વહે છે. જે ગાડીમાંથી દેખાતા નથી અને હવે સફાઈ ટીમ પણ કામ કરતી નથી. ત્યારે પેટા ચુંટણી જીતવા માટે જ આવો દેખાવ કરેલ હતા અને હવે કામગીરી બંધ કરેલ છે. લોકો કોરાના કાળમાં ભયંકર બિમારીનો ભોગ બને છે અને આપ આરામ ફરમાવો છો. આ બે ધારી નિતીથી લોકો નારાજ છે. તેમજ ભાજપ દ્વારા હંમેશા કોંગ્રેસની નગરપાલિકા કામ કરતા નથી, તેવા આક્ષેપો કરેલ છે. ત્યારે હવે તો પાલિકા ભાજપની સરકાર હસ્તક છે અને ધારાસભ્ય પણ ભાજપ સરકારના છે. તો હવે ફરી આધુનિક સફાઈ ટીમ બોલાવી હોમ ટાઉન મોરબીના નાગરિકોને સર્વ બાબતોમાં સુવિધા અપાય એવી માંગણી સાથે લાગણી છે. અને જો નહીં કરો તો માત્ર અને માત્ર અવસરવાળા નેતા બની જશો તેવું લાગી રહ્યું છે.

- text