મોરબીમાં બીજા દિવસે પણ માસ્ક વિના ફરતા લોકો પર તવાઈ, 27 લોકો દંડાયા

 

પ્રાંત અધિકારીએ બનાવેલી 5 ટિમોમાં તાલુકા અને સીટી મામલતદાર મેદાને આવ્યા : શહેર અને સામાંકાંઠે દુકાનો , બેન્ક, જવેલર્સ, શોરૂમ સહિતના સ્થળોએ ચેકિંગ કર્યું : એક સ્થળે સોશિયલ ડિસ્ટન્સનો અભાવ ધ્યાને આવતા તેને પણ દંડ ફટકાર્યો

મોરબી : મોરબીમાં દિવાળી પછી કોરોનાનું આક્રમણ ઝડપી રીતે વધતા જાહેરમાં ફરજિયાત માસ્કના કડક અમલવારી માટે ગઈકાલથી જ મોરબી પ્રાંત અધિકારીએ જુદીજુદી પાંચ ટિમો બનાવીને શહેરમાં વિવિધ સ્થળોએ ચેકિંગ હાથ ધરીને માસ્ક વિના ફરતા લોકો સામે દંડનિય કાર્યવાહી શરૂ કરી હતી.આજે બીજા દિવસે પણ આ કાર્યવાહી યથાવત રહી હતી.જેમાં પ્રાંત અધિકારીએ બનાવેલી 5 ટિમોમાં તાલુકા અને સીટી મામલતદાર મેદાને આવી શહેર અને સામાંકાંઠે દુકાનો ,બેન્ક,જવેલર્સ ,શોરૂમ સહિતના સ્થળોએ ચેકિંગ કર્યું હતું.

મોરબી પ્રાંત અધિકારી ઝાલાએ ફરજિયાત માસ્કના કડક અમલ માટે જુદીજુદી 5 ટિમો મેદાનમાં ઉતારી છે.જેમાં મોરબી સીટી મામલતદારની ત્રણ ટિમો અને ગ્રામ્ય મામલતદારની બે ટિમોએ આજે મોરબી શહેર અને સામાંકાંઠે ચેકિંગ હાથ ધર્યું હતું.જોકે આ પાંચેય ટિમોમાં આજે સીટી મામલતદાર એચ.જે.રૂપાપરા અને ગ્રામ્ય મામલતદાર જાડેજા મેદાનમાં આવ્યા હતા અને રવાપર રોડ ,શનાળા રોડ ગેસ્ટ હાઉસ રોડ સહિતના શહેરી વિસ્તારોમાં તેમજ સામાકાંઠે ગેડા સર્કલ સહિતના વિસ્તારોમાં વી માર્ટ ,સોડાની દુકાન ,બેન્ક,પ્લાસ્ટિકની દુકાન ,જવેલર્સ તથા શોરૂમ સહિતના સ્થળો ફરજિયાત માસ્ક અંગે કડક ચેકિંગ કર્યું હતું.જેમાં માસ્ક વિના ફરતા 27 લોકો ઝપટે ચડ્યા હતા.આ લોકોને નિયમ મુજબ દંડ કરવામાં આવ્યો હતો.જ્યારે એક સ્થળે સોશ્યલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળતા એને પણ દંડ કરાયો હોવાનું જાણવા મળે છે.