ખેડૂત આંદોલનના સમર્થનમાં મોરબી જિલ્લા કોંગ્રેસે કલેકટરને આપ્યું આવેદન

- text


મોદી સરકારે કાળા કાયદા ઘડી અન્નદાતા કિશાનોની કાળી મજૂરીને મુઠીભર મૂડીપતિઓના હાથમાં ગીરવે મૂકી હરિત કાંતિને ખતમ કરવાનું ષડયંત્ર રચ્યું હોવાનો ગંભીર આક્ષેપ : ખેડૂતો માટે કૃષિ બિલ હાનિકારક હોવાથી આ કાળો કાયદો રદ કરવાની રાષ્ટ્રપતિ સમક્ષ માંગ

મોરબી : કૃષિ બિલના વિરોધમાં દિલ્હી ખાતે ચાલી રહેલા ખેડૂત આંદોલનના સમર્થનમાં આજે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિએ કલેકટર મારફત રાષ્ટ્રપતિને આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં મોદી સરકારે કાળા કાયદા ઘડી અન્નદાતા કિશાનોની કાળી મજૂરીને મુઠીભર મૂડીપતિઓના હાથમાં ગીરવે મૂકી હરિત કાંતિને ખતમ કરવાનું ષડયંત્ર રચ્યું હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો. સાથોસાથ કોંગ્રેસે આ કૃષિ બીલ ખેડૂતો માટે ફાયદાને બદલે નુકસાનકારક હોવાનું જણાવીને કાળા કાયદાને રદ કરવાની રાષ્ટ્રપતિ સમક્ષ માંગ કરી છે.

મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિએ આ આવેદનપત્રમાં કેન્દ્ર સરકારે બહુમતીથી પસાર કરેલા કૃષિ બીલ મામલે મોદી સરકારને રીતસર આડે હાથ લઈને આકરા પ્રહારો કર્યા હતા. આ આવેદનપત્રમાં જણાવ્યા મુજબ આ ત્રણ કૃષિ વિધેયકો પર મત વિભાજન માટે કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોની માંગણીને ધરાર ફગાવી દઈને દેશના 62 કરોડ કિસાનો-ખેતમજૂરોની જિંદગી સાથે સંકળાયેલા કાળા કાયદા પસાર કરવી દેતા કિસાનો સહિતના દેશભરના સામન્ય અને મધ્યમ વર્ગના લોકોમાં વિરોધ વંટોળ જાગ્યો છે. અનાજ-શાકભાજી બજાર અર્થાત ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતિ નાબૂદ કરવાથી કૃષિ ખરીદ પેદાશ વ્યવસ્થા સંપૂર્ણપણે ખતમ થઈ જશે. આથી, ખેડૂતોને પાકના સીધા વેચાણમાં મોટી આર્થિક ખોટ સહન કરવી પડશે. આ બજાર ખતમ થઈ જશે તો ખેડૂતો સહિતના લોકોને ઘણું નુકશાન થશે. જેનો સીધો ફાયદો મૂડીપતિઓને થશે. અનાજ-શાકભાજીની બજાર ખતમ થઈ જશે, તો રાજ્ય સરકારની આવકના સ્ત્રોતમાં મોટું નુકસાન થશે.

કૃષિ નિષ્ણાતોનું માનવું છે કે કૃષિ બીલના ત્રણ વિધાયકની આડમાં મોદી સરકાર વત્સવમાં શાંતકુમાર કમિટી રિપોર્ટનો અમલ કરવા માંગે છે. જેથી, સરકારને એફસીઆઈ દ્વારા લઘુતમ સમર્થન મૂલ્ય પર ખરીદી કરવી ન પડે. તેના દ્વારા વાર્ષિક રૂ.6 કરોડની બચત થાય પણ સરવાળે કૃષિ ક્ષેત્ર અને ખેતીવાડી તેનાથી વિપરીત રીતે પ્રભાવિત થશે. વધુમાં જણાવ્યું હતું કે આ કાળા કાયદાનો ખેડૂતો દિલ્હી ખાતે સરકાર વિરુદ્ધ જબરદસ્ત વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ખેડૂતોના હક્કની માંગણી સામે નમતું જોખવું ન પડે તે માટે સરકાર ખેડૂતોનો અવાજ દબાવવા મિથ્યા પ્રયાસો કરી રહી છે. ખેડૂત આંદોલનને સરકાર કચડવા હીન પ્રયાસો કરતી હોવાનો આક્ષેપ કર્યો હતો. કૃષિ ક્ષેત્રેના આ ત્રણ વિધાયક ખેડૂતો માટે નુકસાનકારક છે. જેનાથી સામાન્ય ખેડૂતો પાયપાલ થશે અને સંઘરાખોરી તથા કાળાબજારીઓ અને મૂડીપતિઓ માલમાલ થઈ જશે. તેથી, કોઈપણ સંજોગોમાં આ કૃષિ ક્ષેત્રેના આ ત્રણ વિધાયક રદ કરવા જોઈએ તેવી રાષ્ટ્રપતિ સમક્ષ માંગ કરી છે.

- text

આજે ખેડૂત આંદોલન સમર્થનમાં રાષ્ટ્રપતિને સંબોધીને કલેકટરને આવેદનપત્ર આપતી વખતે કોંગ્રેસના કાર્યકરી પ્રમુખ એલ.એમ.કંઝરીયા, કોંગ્રેસના પીઢ અગ્રણી જયંતિભાઈ જેરાજભાઈ પટેલ, કાંતિભાઈ પડસુબિયા, મનોજભાઈ પનારા, મોરબી તાલુકા પંચાયતના પ્રમુખ નાથાભાઈ ડાભી સહિત પાંચેય તાલુકા પંચાયતના પ્રમુખો, શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ રામભાઈ રબારી, તાલુકા કોંગ્રેસ પ્રમુખ કે.ડી.પડસુબિયા, મહેન્દ્રસિંહ ઝાલા (રંગપર), કે.પી.ભગિયા, ટંકારાના ભુપત ગોધાણી તેમજ નગરપાલિકા અને જિલ્લા પંચાયતના કોંગ્રેસના સદસ્યો સહિતના કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરો હાજર રહ્યા હતા.

- text