વાંકાનેરના ઢુંવા પાસે સરકારી ખરાબાને પચાવી પડવા ઘટાદાર વૃક્ષોનું આડેધડ નિકંદન!!

 

અગાઉ તંત્રની કાર્યવાહી બાદ ફરીથી માથાભારે તત્વોએ સરકારી જમીન પર ડોળો જમાવ્યો , વનીકરણ તરીકે વિકસાવેલી જગ્યામાં આડેધડ વૃક્ષો કાપીને લાકડાનો ખુલ્લેઆમ વેપાર કરીને તંત્રને ‘રોક સકો તો રોક લો’નો પડકાર

વાંકાનેર : વાંકાનેર તાલુકાના ઢુંવા ગામે આવેલ વનીકરણ તરીકે વિકસાવેલા સરકારી ખરાબામાં વાવેલા વૃક્ષોનું આડેધડ નિકંદન થઈ રહ્યું છે. ખાસ કરીને માથાભારે તત્વોએ પોલીસ ચોકીની પાછળ આવેલી સરકારી જમીન હાઇવેને ટચ થતી હોવાથી આ કોરોડોની કિંમતની જગ્યાને પચાવી પાડવા પેંતરો રચ્યો છે અને સરકારી ખરાબામાં વાવેલા વૃક્ષો કાપીને લાકડાનો કાળો કારોબાર કરીને સંબધિત તંત્રને રોક સકો તો રોક લોનો ખુલ્લેઆમ પડકાર ફેંક્યો છે.

વાંકાનેરના ઢુંવા ગામે પોલીસ ચોકી પાછળ આવેલી સરકારી ખરાબાની જગ્યાને વર્ષ 2002- 2003 માં વનીકરણ તરીકે વિકાસવામાં આવી હતી અને ઢુવાના ગ્રામજનો દ્વારા ઢુવા ચોકડી ખાતે આવેલ સરકારી ખરાબાની જગ્યામાં મોટાપાયે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. પાંચ વર્ષ સુધી આ વૃક્ષોની પૂરતી કાળજી રાખી વૃક્ષોનું જતન કરતા આ વૃક્ષો ઘટાદાર બની ગયા છે. વૃક્ષોની લીલીછમ હરિયાળીથી આ સરકારી જમીન અચ્છાદિત બની ગઈ છે અને હાલ આ બધાં વૃક્ષો અંદાજિત 15 વર્ષ કરતાં વધુ મોટા છે. જોકે સરકારી ખરાબાની જગ્યા હાલ કરોડો રૂપિયાની કિંમતની હોય અને નેશનલ હાઇવે ટચ હોય જમીન માફિયાઓની નજર આ જમીન પર આવી ગઈ હોવાથી અગાઉ આ જમીનમાં વૃક્ષોનું છેદન કરી દબાણો કરવામાં આવ્યા હતા. અગાઉ પણ વૃક્ષોને તોડી પાડવામાં આવ્યા હતા.

અગાઉ આ સરકારી જગ્યાને પચાવી પાડવા માટે માથાભારે તત્વો વૃક્ષોનું આડેધડ નિકંદન કરતા હોવાના સમાચાર મોરબી અપડેટમાં પ્રસિદ્ધ થયા હતા. જેના પગલે સંબધિત તંત્ર સફાળું જાગ્યું હતું અને તે સમયે સંબધિત તંત્રએ આ ગંભીર હિલચાલ ઉપર કાર્યવાહી પણ કરી હતી. પણ સંબધિત તંત્રએ નક્કર કાર્યવાહી ન કરતા ફરી માથાભારે તત્વોએ આ સરકારી જમીન પચાવી પાડવા મેદાનમાં આવ્યા છે. કેટલાક શખ્સો આ વનીકરણની જગ્યામાં ઘટાદાર થયેલા વૃક્ષોને કાપીને તેના કિંમતી લાકડાનો ખુલ્લેઆમ કાળો કારોબાર કરી રહ્યા છે. જો આવી જ રીતે માથાભારે શખ્સો વૃક્ષોનું આડેધડ નિકંદન કરતા રહેશે તો આ જગ્યા લીલીછમને બદલે બંજર બની જશે અને આ સુંદર મજાનું સ્થળમાં મોટાપાયે દબાણો થઈ જશે. તેથી વહેલી તકે સંબધિત તંત્રને જાગવાની જરૂર છે.