મોરબી જિલ્લામાં 12મી ઇ-લોક અદાલતનું આયોજન

- text


સમાધાન લાયક દિવાની અને ફોજદારી કેસ રાખવા અપીલ

મોરબી : સુપ્રીમ કોર્ટ દ્વારા લોકોને ઝડપી અને યોગ્ય ન્યાય મળી રહે તે માટે અલગ અલગ પગલાં લેવામાં આવે છે અને તેની નીચલી કોર્ટમાં પણ તેનું પાલન કરવા આદેશ કરવામાં આવતો હોય છે. આ કાર્યવાહીના ભાગરૂપે સમયાંતરે દેશભરમાં અદાલતોમાં લોક અદાલતનું આયોજન કરી ઝડપી ન્યાયિક કાર્યવાહી કરવામાં આવતી હોય છે. આવા સુપ્રિમ કોર્ટના આદેશ અને ગુજરાત હાઇકોર્ટની દેખરેખ, રાષ્ટ્રીય કાનૂની સેવા સતામંડળ દિલ્હી તેમજ રાજય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શનમાં મોરબી જિલ્લામાં ડિસ્ટ્રિક્ટ જજ એ.ડી.ઓઝાના માર્ગદર્શનમાં આગામી 12 ડિસેમ્બરના રોજ મોરબી જિલ્લા કોર્ટ તેમજ માળીયા, વાંકાનેર, હળવદ અને ટંકારા તાલુકામાં ઇ લોક અદાલતનું આયોજન કરાયું છે.

- text

આ ઇ-લોક અદાલતમાં અકસ્માતને લગતા કેસ, ફોજદારી સમાધાન લાયક કેસ, નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ કેસ, લગ્ન સંબંધી ફેમેલી કેસ, મહેસુલ કેસ, ભરણપોષણ કેસ, એલ.એ.આર કેસ, હિન્દૂ લગ્ન ધારો, મજુર અદાલત કેસ, દિવાની કેસ સહિતના સમાધાન લાયક કેસ ચલાવશે. કોરોના મહામારીને કારણે આ ઇ લોક અદાલતમાં બનને પક્ષકારોને વીડિયો કોનફરન્સના માધ્યમથી કેસ ચલાવશે. પક્ષકારોએ ઇ લોક અદાલત થકી વિવાદોનું ઝડપી સમાધાન કરવા તેમજ તેને લગતી અન્ય માહિતી માટે જિલ્લા કાનૂની સેવા સતામંડળ જિલ્લા ન્યાયાલય મોરબી અને તાલુકા કક્ષાએ તાલુકા કાનૂની સેવા સતામંડળનો સંપર્ક કરવાનો રહેશે તેમ ડીએલએસએના સચિવ આર. કે પંડ્યાએ જણાવ્યું હતું.

- text