રેલવે તંત્રની આડોળાઈ : સોસાયટીને જોડતા રસ્તા પરની ફાટક બંધ કરી દીધી

- text


રેલવે તંત્રએ રીપેરીંગના બહાના હેઠળ નવલખી રોડ પર ફાટક નબર 35 નો મુખ્ય રસ્તો બંધ કરી દેતા સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા, આજે સ્થાનિકોએ બંધ રસ્તો ખુલ્લો કરવા અથવા વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા કરવાની માંગ સાથે કલેકટરને આવેદન આપ્યું

મોરબી : મોરબીના વોર્ડ નંબર 1માં નવલખી રોડ પરની સોસાયટીઓનો મુખ્ય અવરજવરના રસ્તા પરની નવલખી ફાટક નબર 35 રેલવે તંત્રએ રીપેરીંગના બહાના હેઠળ બંધ કરી દેતા સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાય ગયા છે. આ સોસાયટીઓના રહીશોને ફરી ફરીને જવું પડતું હોય અવરજવર કરવામાં ભારે હાલાકી ભોગવવી પડે છે. આથી આજે સ્થાનિકોએ બંધ ફાટક ખુલ્લો કરવા અથવા વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા કરવાની માંગ સાથે કલેકટરને આવેદન આપ્યું હતું. તેમ છતાં રસ્તાની યોગ્ય સુવિધા ન થાય તો ચક્કાજામ કરવાની ચીમકી આપી છે.

નવલખી રોડ પરની સોસાયટીઓના રહીશોએ આજે કલેકટરને આવેદનપત્ર આપીને જણાવ્યું હતું કે, મોરબીના વોર્ડ નબર 1માં નવલખી રોડ ઉપર આવેલ ન્યુ કુબેરનગર, મારુતિપાર્ક, કૃષ્ણનગર, શ્રધ્ધાનગર-1, 2 અને સહિતની સોસાયટીઓ વર્ષોથી નગરપાલિકાની હદમાં હોવા છતાં પ્રાથમિક સુવિધાઓથી વંચીત છે. નવલખી રોડને અડીને આવેલી આ સોસાયટીઓને ધક્કાવાળી મેલડી માતાજીના મંદિરવાળો મેઈન રોડ લાગુ પડે છે. આ સોસાયટીઓને મેઈન રોડ વચ્ચેથી એક વોકળો પસાર થાય છે એટલે સોસાયટીઓને મેઈન અવરજવરનો રસ્તો સાવ બંધ છે. ત્યારે જો તંત્ર આ રોડ ઉપર પાકું નાળુ બનાવી આપે તો સોસાયટીઓનો અવરજવરનો પ્રશ્ન હલ થઈ શકે એમ છે.

- text

વધુમાં જણાવ્યું હતું કે, હાલ રેલવે તંત્ર દ્વારા રીપેરીંગના બહાના હેઠળ આ સોસાયટીઓનો મુખ્ય અવરજવરના રસ્તા પરની ફાટક નબર 35 બંધ કરી દેવામાં આવી છે. એની સામે વૈકલ્પિક માર્ગ આપવામાં આવ્યો નથી. આ ફાટકવાળો રસ્તો જૂનો અને મુખ્ય હોવાથી હજારો વાહનોની અવરજવર રહેતી હોય છે. ત્યાં નજીક સેન્ટ મેરી સ્કૂલ હોવાથી બાળકોને જવા-આવવામાં તકલીફ થાય છે. તેથી સોસાયટીના રહીશોને પડતી મુશ્કેલીઓ નિવરવા માટે આ બંધ કરેલો રસ્તો ખુલ્લો કરવામાં આવે અથવા વૈકલ્પિક માર્ગ આપવાની માંગ કરી છે. અન્યથા નવલખી રોડ ઉપર ચક્કાજામ કરવાની ચીમકી આપી છે.

- text