જાણી લો.. ડિસેમ્બરમાં આવતી મહત્વની તારીખો, તિથિઓ, તહેવારો અને બેંકની રજાઓ વિષે..

- text


મોરબી : આજે તા. 1થી ડિસેમ્બર મહિનો શરૂ થઇ ગયો છે. એટલે કે 2020ના વર્ષનો છેલ્લો મહિનો. ગઈકાલે દેવદિવાળી બાદ તહેવારો પૂર્ણ થતા હવે લોકોનું રોજીંદુ જીવન ગોઠવાઈ ગયું છે. ત્યારે ડિસેમ્બર મહિનાની મહત્વની તારીખો, તિથિઓ, તહેવારો અને બેંકની રજાઓ વિષે જાણકારી રાખવી આવશ્યક છે. ઉલ્લેખનીય છે કે આજે તા. 1 ડિસેમ્બરના રોજ વર્લ્ડ એઇડ્સ ડે છે.

મહત્વની તિથિઓ અને તહેવારો

તા. 3 ડિસેમ્બરના રોજ ગુરુવારે ગણેશ ચોથનું વ્રત છે. આ દિવસે ગણેશજીની પૂજા કરવાનું માહાત્મ્ય છે. તા. 7 ડિસેમ્બરના રોજ સોમવારે કાલભૈરવ આઠમ છે. આ તિથિએ કાલભૈરવની પૂજા કરવામાં આવે છે. ઉજ્જૈન સ્થિત કાલભૈરવને ખાસ કરીને દારૂનો ભોગ ધરાવવામાં આવે છે. તા. 11 ડિસેમ્બરના રોજ શુક્રવારે ઉત્પતિ એકાદશી છે.

વધુમાં, તા. 14 ડિસેમ્બરના રોજ સોમવારે વર્ષ 2020નું છેલ્લું સૂર્યગ્રહણ રહેશે. આ ગ્રહણ ભારતમાં જોવા મળશે નહીં. આ કારણે અહીં તેનું સૂતક લાગશે નહીં. સોમવારે અમાસ તિથિ રહેશે. આ તિથિએ પિતૃઓ માટે પૂજન કર્મ કરવાની પરંપરા છે. તા. 15 ડિસેમ્બરના રોજ મંગળવારે સૂર્ય ધન રાશિમાં પ્રવેશ કરશે. તેને ધન સંક્રાંતિ કહેવામાં આવે છે. તા. 18 ડિસેમ્બરના રોજ શુક્રવારે વિનાયકી ચોથ છે. આ તિથિએ પણ ગણેશજી માટે વ્રત-ઉપવાસ અને પૂજા-પાઠ કરવામાં આવે છે.

તા. 25 ડિસેમ્બરના રોજ શુક્રવારે મોક્ષદા એકાદશી છે. તેને ગીતા જયંતીના રૂપમાં પણ ઊજવવામાં આવે છે. 25 ડિસેમ્બરના રોજ ખ્રિસ્તીઓનું પર્વ ક્રિસ્મસની ઉજવણી કરવામાં આવે છે. ક્રિસમસ સંત ઈશુના જન્મોત્સવ સ્વરૂપમાં ઊજવવામાં આવે છે. તા. 29 ડિસેમ્બરના રોજ મંગળવારે દત્ત પૂર્ણિમા છે. આ તિથિએ ભગવાન દત્તાત્રેયનો અવતાર થયો હતો. તા. 29 અને 30 ડિસેમ્બરના રોજ માગશર મહિનાની પૂર્ણિમા રહેશે. તેમજ તા. 31 ડિસેમ્બરથી માગશર મહિનાનો વદ પક્ષ શરૂ થઇ જશે.

- text

બેંકની જાહેર રજાઓ

આ ઉપરાંત, દેશમાં ડિસેમ્બર દરમિયાન કુલ 14 દિવસ બેંકો બંધ રહેશે. તહેવારો અને વીકલી રજાના કારણે બેંકો લગભગ અડધો મહિનો બંધ રહેશે. જો કે આ રજાઓ દરેક રાજ્યોમાં તહેવારો પ્રમાણે અલગ-અલગ રહેશે. ગુજરાતમાં બેંકમાં રજા જોઈએ તો…

તા. 6 ડિસેમ્બરે રવિવારના દિવસે બેંકમાં રજા રહેશે. તા. 12ના રોજ મહિનાનો બીજો શનિવાર છે તો આ દિવસે પણ બેંકો બંધ રહેશે. તા. 13ના રોજ રવિવાર હોવાથી બેંકમાં રજા રહેશે. તા. 19ના રોજ પણજીમાં ગોવા લિબરેશન ડેના કારણે રજા રહેશે. તા. 20ના રવિવારે અઠવાડિયાની રજા રહેશે. તા. 25ના રોજ ગુજરાત સહિત અનેક જગ્યાઓએ ક્રિસમસની રજા રહેશે. તા. 26ના રોજ ચોથા શનિવારની બેંકમાં રજા રાખવામાં આવશે. તા. 27ના રવિવાર હોવાના કારણે બેંકો બંધ રહેશે. તા. 31ના દિવસે ઈયર્સ ઈવના માનમાં બેંક બંધ રહેશે.

- text