મોરબી : 52 ગામમાં સિંચાઇ માટે પાણીની માંગ સાથે આંદોલનની ચીમકી

ઈન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસો.ના જનરલ સેક્રેટરીની સીએમને રજુઆત

મોરબી : મોરબી અને માળીયા તાલુકાનાં છેવાડાના 52 જેટલા ગામો વર્ષોથી સિંચાઇ વિહોણા હોવાના કારણે માત્ર એક સિઝન જ ખેડૂતો પાક લઈ શકે છે તેમાં પણ જો ચોમાસુ નબળું હોય અથવા અતિવૃષ્ટી સર્જાય તો વર્ષભરની મહેનત એળે જાય છે. આ કારણોસર ગામડાઓ દિવસે દિવસે ભાંગી રહ્યા છે.અને લોકો પોતાનું વતન છોડી રોજીરોટી મેળવવા મોરબી કે અન્ય શહેરમાં આવવા મજબૂર બન્યા છે. દિવસે દિવસે ખેડૂતો હવે ખેતીથી વિમુખ થઈ ગયા છે.

ત્યારે આ વિસ્તારને ફરી હરિયાળો બનાવવા અને ખેડૂતો વર્ષમાં બે કે તેથી વધુ પાક લઈ શકે તે માટે મચ્છુ 2 અને મચ્છુ 3 ડેમની કેનાલ તેમજ નર્મદા કેનાલ લંબાવી સિંચાઇ સગવડ માટે કુદરતી રીતે બનેલ તળાવમાં પાણી ઠાલવી તેમજ બાર મહિના આ વિસ્તારમાં કેનાલ થકો સિંચાઇની સગવડ શરૂ કરવી જરૂરી હોવાથી આ અંગે ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોશોએશનના જનરલ સેક્રેટરી કે.ડી.બાવરવાએ સીએમ વિજય રૂપાણી, વિપક્ષ નેતા પરેશ ધાનાણી, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, જિલ્લા કલેક્ટર સહિતના રાજય સરકારના સિંચાઇ વિભાગમાં પણ લેખિત રજુઆત કરી છે. જો વહેલી તકે આ માટે સરકાર દ્વારા યોગ્ય નિર્ણય કરવામાં નહિ આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.