ટંકારા પાસે ઓવરબ્રિજના કોન્ટ્રાક્ટરોની બેદરકારીથી બાઉન્ડ્રીવોલ માથે પડતા માસૂમ બાળકીનું કમકમાટીભર્યું મોત

અણઘડ વહીવટથી ઓવરબ્રિજનુ કામ ચાલુ છે, કોઈ કહેવા વાળું કે જોવા વાળું પણ નથી? ત્રણ વર્ષથી ગોકળગાય ગતિએ ચાલતુ કામ હજી કેટલી જીદંગી માંગશે : સ્થાનિકોમાં ચર્ચા

ટંકારા : ટંકારા-રાજકોટ-મોરબી રોડને ચાર માર્ગીય બનાવવાની યોજના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી બન્યા અને મોરબી જિલ્લામા રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી ૩૭૫ કરોડના ખર્ચે આ રોડની જાહેરાત કરી હતી. જે કામ ચાલુ થઈ ગયાને ત્રણ વર્ષનો લાંબો સમય વીતી ગયો હોવા છતાં હજી આ કામ પુરૂ થવાનુ નામ નથી લેતું અને છાશવારે નાના-મોટા અકસ્માતો સર્જાતા રહે છે.

ત્યારે આજે સવારે રોડની બાજુમા રહેતા રમેશભાઈ ટોળીયાની નવ વર્ષની પુત્રી લક્ષ્મી ઓવરબ્રિજની બાઉન્ડ્રી વોલ પાસે રમતા રમતા પહોંચી ગઈ હતી. ત્યારે દિવાલ બનાવવાનુ પાપડુ માસુમ બાળકી પર પડતા ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. આ બનાવને પગલે રોડ ઉપરથી પસાર થતા રાહદારીઓ અને પરીવારજનો એકઠા થયા હતા. અને તાત્કાલિક સારવાર માટે ટંકારા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવી હતી. પરંતુ હાજર ડોક્ટરે બાળકીને મૃત જાહેર કરી હતી.

આ ઘટના બાદ કોન્ટ્રાક્ટરની કામગીરી ઉપર ભારો ભાર રોષ ફેલાયો છે અને કોઈ આ કામ કરનારને કહેવા વાળુ છે કે શુ? તેવી સ્થાનિકોમાં ચર્ચા ચાલી રહી છે. સ્પીડ બ્રેકરની સુચના વગરના બમ્પર અકસ્માતને આમંત્રિત કરે એવી પતરાની આડશો ધણધડા વગરનો ડાયવર્ઝન સહિત અનેક સમસ્યાઓથી રાહદારી ત્રાહિમામ પોકારી ઉઠયા છે. હવે અકસ્માત નિત્યના બન્યા છે ત્યારે આજે એક માસુમની જીંદગી હોમાઈ ગઈ. ત્યારે આ ઘટનામાંથી તંત્ર કઈ શીખ લઈ કોન્ટ્રાક્ટરને નોટિસ ફટકારે છે શુ તે જોવુ રહ્યું.