ક્યારે જાગશે તંત્ર : મોરબીમાં અમુક હોસ્પિટલો, કોમ્પ્લેક્સ, હાઈરાઈઝ બિલ્ડીંગો ફાયર સેફટીનો અભાવ

- text


અગાઉની આગની દુર્ઘટનાને પગલે સ્કૂલો અને સિવિલ હોસ્પિટલમાં ફાયર સુવિધા વસાવી પણ અન્યમાં તંત્ર વામણું પડ્યું

મોરબી : રાજકોટની કોવિડ હોસ્પિટલમાં આગની દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં પાંચ લોકોએ જીવ ગુમાવ્યા છે. ત્યારે રાજકોટ જેવી જ આગની દુર્ઘટના મોરબી જેવા ઔદ્યોગિક રીતે સમૃદ્ધ શહેરમાં પણ બની શકે છે. જેમાં સ્કૂલો અને એક સિવિલ હોસ્પિટલને બાદ કરતાં મોટાભાગની ખાનગી હોસ્પિટલો ,જાહેર કોમલેક્સ અને હાઇરાઇઝ બિલ્ડીંગો ફાયર સેફટીના અભાવે રામ ભરોસે જેવી સ્થિતિ છે. જ્યારે મોટા મહાનગરોમા આગની દુર્ઘટના બન્યા બાદ થોડા દિવસો સુધી કડક નિયમની અમલવારીના નામે નાટક ચાલે છે. પછી બધું જ પહેલાની જેમ જ ચાલવા માંડે છે.

મોરબી ઔદ્યોગિક રીતે સમૃદ્ધ અને જિલ્લાનું વડું મથક હોવાથી ખૂબ જ વિકસિત થઈ રહ્યું છે. છેલ્લા બે દાયકામાં ધરમૂળથી પરિવર્તન થયું છે. અંદાજીત 5 થી 10 ટકા જ નળીયાવાળા મકાનો બચ્યા છે. બાકી બધી જ જગ્યાએ ઇમારતો વાળા મકાનો ખડકાયા છે. શહેરમાં જ્યાં જુઓ ત્યાં બહુમાળી ઇમારતો જોવા મળે છે. ચાર માળની મંજૂરી હોવા છતાં છથી વધુ માળની સંખ્યાબંધ હાઈરાઈઝ બિલ્ડીંગો ખડકાઈ ગઈ છે. જેમાં ઉપરના માળે આગ લાગે તો કૂવો ખોદવા જવું પડે તેવી સ્થિતિ છે. કારણ કે એકપણ બિલ્ડીંગમાં મહત્વની ફાયર સેફટીની સુવિધા જ નથી. તેથી, ન કરે નારાયણને કદાચ આ બિલ્ડીંગોમાં આગ લાગે તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે એમ છે. મોરબીમાં અમુક વિસ્તારો ગ્રામ પંચાયતમાં અને બાકીનો મોટો વિસ્તાર નગરપાલિકાની હદમાં આવે છે. પણ મોટી બિલ્ડીંગોમાં ફાયર સેફટીના ચેકિંગ માટે નગરપાલિકામાં કોઈ સ્ટાફ જ નથી.

- text

મોરબીમાં ફાયર સેફટીની સુવિધાઓની અમલવારી કરવા માટે કોઈ યોજના કે સ્ટાફ ન હોવાથી બધું જ લોલમલોલ જ ચાલે છે. મોટી બિલ્ડીંગોની સાથે જાહેર કોમલેક્સ પણ ભગવાન ભરોસે છે. શહેરમાં ઠેક-ઠેકાણે મસમોટા કોમ્પ્લેક્સ આવેલા છે અને અનેક નવા કોમ્પ્લેક્સ બની રહ્યા છે. જેમાં ફાયર સેફટીની સુવિધાઓની કોઈ જ દરકાર કરાતી નથી. આવી જ રીતે અમુક ખાનગી હોસ્પિટલોમા પણ ફાયર સેફટીના નામે મીંડું છે. રાજકોટ જેવી દુર્ઘટના મોરબીની ખાનગી હોસ્પિટલમાં બને તો મોટી જાનહાની થઈ શકે છે. પણ ફાયર સેફટી સુવિધાના અભાવ અંગે કડક કાર્યવાહી કરવામાં તંત્ર સાવ ટૂંકું પડ્યું છે. એટલે મોરબી જીવતો બૉમ્બ હોય એવી અનુભૂતિ થયા વગર રહેતી નથી.

ફાયર સેફટીના અભાવ અંગે શું કહે છે અધિકારીઓ?

જોકે આ બાબતે ચીફ ઓફિસરે કહ્યું હતું કે, પાલિકા તંત્ર દ્વારા સમયાંતરે ચેકિંગ કરવામાં આવે છે. જેમાંથી જરૂર જણાય તેને નોટિસ ફટકારવામાં આવે છે અને ખાનગી હોસ્પિટલોમાં પણ ફાયર સેફટીની સુવિધાઓ નથી. તેમાં પણ ચેકિંગ કરીને નોટિસ આપવામાં આવે છે. જ્યારે જિલ્લા શિક્ષણાધિકારીએ કહ્યું હતું કે, અગાઉની આગની દુર્ઘટના બાદ મોરબીની તમામ સ્કૂલોમાં કડક નિયમનને કારણે ફાયર સેફટીની સુવિધા વસાવી લેવામાં આવી છે. જ્યારે તંત્ર કહે છે કે મોરબીની સિવિલ હોસ્પિટલમાં પણ ફાયર સેફટીના સાધનો વસાવી લેવાયા છે.

- text