નીચી માંડલ-ખરેડા વચ્ચે 10 માસથી ચાલતા રોડના અણધડ કામને લઈને સ્થાનિકો ત્રસ્ત

મોરબી : નીચી માંડલ-ખરેડા વચ્ચે છેલ્લા ૧૦ માસથી ચાલતા રોડના કામને લઈને સ્થાનિકોની પરેશાની વધતા લોકોમાં રોષ વ્યાપ્યો છે.

નીચી માંડલથી ખરેડા વચ્ચે છેલ્લા ૧૦ માસથી ચાલતું રોડ મરમતનું કામ હજુ ગોકળગાયની ગતિથી ચાલતું હોવાથી સ્થાનિકોની પરેશાનીમાં વધારો થયો છે. માર્ગમાં આવતા પુલિયા નિર્માણના કામમાં વ્યવસ્થિત પેચિંગ વર્ક ન કરાતા વાહન ચાલકોને ભારે અગવડતાનો સામનો કરવો પડી રહ્યો છે. માર્ગના વિકલ્પે બનાવવામાં આવેલા ડાયવર્ઝનમાં ખાડાઓ પડી જતા 9 કિલોમીટરનો માર્ગ પસાર કરવામાં આશરે એકાદ કલાક જેટલા સમયનો વ્યય થઈ રહ્યો છે. ઉપરોક્ત સમસ્યાઓ અંગે વારંવાર તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું હોવા છતાં સમસ્યા હજુ ઠેરની ઠેર છે ત્યારે સ્થાનિકો તેમજ આસપાસના ગ્રામજનો તંત્રની નીંભરતા સામે વ્યાપક રોષ વ્યકત કરી રહ્યા છે. ઉપરોક્ત સમસ્યા અંગે જાગૃત નાગરિક લખમણભાઈ ધનજીભાઈ બરાસરા તેમજ મેહુલ લખમાનભાઈ સરડવાએ તંત્રનું ફરી એકવાર ધ્યાન દોરી સત્વરે સમસ્યામાંથી છુટકારો અપાવવા એક યાદીમાં જણાવ્યું છે.