પહેલા લાતીપ્લોટમાં પછી ગાંઠિયાની લારીએ છરીઓ ઉડી અને બાદમાં પ્રેમિકાના ઘરે ડખ્ખો

- text


 

શુક્રવારની રાત્રીના થયેલા ત્રણ ડખ્ખામાં કુલ ચાર ફરિયાદ નોંધાઇ : કુલ છ લોકોને ઇજા : એકની હાલત ગંભીર

મોરબી : મોરબીમાં શુક્રવારની રાત્રીના લાતીપ્લોટમાં ત્રણ યુવકોએ બે લોકોને માર મારી ઓફિસમાં તોડફોડ કર્યા બાદ આ યુવકોએ માર્કેટીંગ યાર્ડ પાસે પ્રેમિકા સાથેના સબંધના મુદ્દે ગાંઠિયાના દુકાનદાર સાથે માથાકૂટ કરી હતી જ્યાં સામસામી મારામારી બાદમાં પ્રેમિકાના ઘરે ડખ્ખો થયાની ફરિયાદો નોંધાઇ છે.

મોરબીમાં શુક્રવારે રાત્રીના આરોપીઓ સાગર નવઘણ, કુલદીપ જેડા અને સાગર દેલવાણિયાએ એ લાતી પ્લોટ વિસ્તારમાં ધમાલ મચાવી હતી અને ખોડિયાર ટ્રાવેલ્સ સામે રિક્ષામાં બેઠેલાં બસ ચાલક રમેશ સેખાણી અને તેના મિત્ર પિન્ટુભાઈ પર આ લોકોએ રીક્ષા સાઈડમાં પાર્ક કરવા મુદે ઝઘડો કરી છરી અને ધોકા વડે હુમલો કર્યો હતો. અને રીક્ષા તેમજ ટ્રાવેલ્સ ઓફિસમાં તોડફોડ કરી ફરાર થઈ ગયા હતા. આ બનાવમાં રમેશ સેખાણી નામના યુવકે ત્રણય શખ્સો સામે મારામારી અને હુમલાની ફરિયાદ નોંધાવી હતી.

લાતીપ્લોટની મારામારી અને તોડફોડની ઘટના બાદ ઉપરોક્ત ત્રણય આરોપીઓ શનાળા રોડ પર માર્કેટીંગ યાર્ડ પાસે આવેલી જય ગાંઠિયા રથ નામની દુકાને ગયા હતા. જ્યાં આરોપી સાગર નવઘણની પ્રેમિકા ચેતના સાથે ગાંઠિયાની દુકાનના મલિક સંજયને લફરું હોવાની શંકાએ માથાકૂટ થઈ હતી જેમાં સામસામી છરીઓ અને ધોકા વડે મારમારીમાં ગાંઠિયાની દુકાનના માલિક સંજય હીરાલાલ સોમૈયાને ગંભીર ઇજા થઇ હતી. સામાં પક્ષે ત્રણ યુવકોને પણ ઇજા પોહચી હતી. આ બનાવમાં સામસામી ફરિયાદ નોંધાઇ છે. જેમાં માર્કટીંગ યાર્ડ જય ગાંઠિયારથ નામે ધંધો કરતા સંજય હીરાલાલ સોમૈયાએ ફરિયાદ નોંધાવી હતી કે તેમની લારીએ શુક્રવારની રાત્રીના સાગર નવઘણ મૂંધવા, સાગર દેલવાણીયા અને કુલદીપ જેડા સહિતના બાઇક લઈને પહોંચ્યા હતા. જ્યાં સાગર નવઘણે સંજયભાઈને પોતાની પ્રેમિકા સાથે લફરું હોવાની શંકા રાખી બીજા બે સાથીએ મળી આડેધડ પેટમાં, હાથ અને માથાના ભાગે છરીના ઘા ઝીકી જીવલેણ હુંમલો કર્યો હતો. જેથી ગંભીર હાલતમાં યુવાનને પ્રથમ સિવિલ હોસ્પિટલમાં બાદ રાજકોટ ખસેડાયો હતો. જ્યાં એ ડિવિઝન પોલીસે ત્રણ આરોપીઓ વિરુદ્ધ આઇપીસી 307 સહિતની કલમો અંતર્ગત ગુન્હો નોંધયો હતો.

- text

જ્યારે આ મારામારીના બનાવમાં સામે પક્ષે સાગર મનસુખ દેલવાણિયાએ ગાંઠિયાના ધંધાર્થી સંજયભાઈ વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે આરોપી સંજયને ફરિયાદીના મિત્ર સાગરની પ્રેમીકા સાથે આડા સબંધ હોય જે સંબંધ તોડી નાખવાનું કહેતા આરોપી ઉશેકરાઈ ગયો હતો અને સંબંધ નહી તોડે જે કરવું હોય તે કરી લેવાની છૂટ તેમ કહી ધોકા વડે તેમજ છરી વડે હુંમલો કરી ઇજા પહોંચાડી હતી.

જ્યારે આ બનાવના અનુસંધાને હજુ એક ફરિયાદ બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઇ હતી જેમાં લાતીપ્લોટ અને માર્કેટિંગ યાર્ડ પાસે મારામારી કરનાર મુખ્ય આરોપી સાગર ઉર્ફે ચોટી નવઘણ મુંઘવાએ લાઈન્સનગરમાં રહેતી તેની પ્રેમિકા ચેતના વાઢાંરાનાની બહેન સોનલ વાઢાંરા અને તેના ભાઈ કલ્પેશ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે તે ચેતનાની ઘરે ગયા બાદ તેની બહેન સોનલે કેમ સંજય ગાંઠીયાવાળાને મારેલ કહીને ગાળો આપી ઝપાઝપી કરી હતી અને સોનલના ભાઈ કલ્પેશ ઉર્ફે ભાવેશ નવીનભાઈ વાઢાંરા ઘરમાંથી તલવાર લઇ આવી ઊંઘી તલવારથી હાથ અને પગમાં માર મારી ઈજા પહોંચાડી હતી

આમ શુક્રવારની રાત્રીના પેહલા લાતીપ્લોટમાં મારામારી, હુમલો અને તોડફોડના બનાવમાં એક ફરિયાદ અને બાદમાં માર્કેટીંગ યાર્ડ પાસે ગાંઠિયાની લારીએ મારામારી અને જીવલેણ હુમલાની ઘટનામાં સામસામી બે ફરિયાદો નોંધાઇ હતી તેમજ એક ફરિયાદ લાયન્સનગરમાં પ્રેમિકાના ઘરે મારામારી થયાની એમ કુલ ચાર ફરિયાદો નોંધાઇ છે.

જોકે મોરબીમાં એક જ રાત્રીના બે જગ્યાએ સશસ્ત્ર મારામારી અને અન્ય જગ્યાએ માથાકૂટના બનાવથી આરોપીઓએ કાયદો વ્યવસ્થાના લિરા ઉડાડી પોલીસની ધાક સામે સવાલો ઉભા કર્યા હતા.

- text