મોરબીમાં પરિણીત પુરુષના છળકપટનો ભોગ બનેલી એમપીની મહિલાનું પરિવાર સાથે મિલન

- text


181 અભયમ ટીમ અને સખી વન સ્ટોપ સેન્ટરની ત્વરિત કાર્યવાહીથી એમપીની મહિલાની જિંદગી રોળતા બચી

મોરબી : મધ્યપ્રદેશથી એક શખ્સ મહિલાને ભગાડીને મોરબીમાં લાવ્યો હતો. પણ પાછળથી મહિલાને ખબર પડી કે આ શખ્સ પરિણીત અને એક સંતાનનો પિતા છે. આથી, આ પરણીત પુરુષના છળકપટનો ભોગ બનેલી મહિલા તેની ચુંગાલમાંથી નાસી છૂટી હતી. અંતે આ મામલો 181 અભયમ અને સખી વન સ્ટોપ સેન્ટર પાસે પહોંચતા તેમણે મહિલાને તેના પરિવારને સોંપી દીધી હતી.

આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મધ્યપ્રદેશના બાવડી જિલ્લાના ઝબૂઆ ગામે રહેતી મહિલાને છેતરીને થોડા દિવસો પહેલા નિલેશ નામનો શખ્સ ટ્રકમાં બેસાડીને મોરબી લાવ્યો હતો. અને આ બન્ને મોરબીના માળીયા ફાટક પાસે રહેવા લાગ્યા હતા. દરમિયાન મહિલાને ખબર પડી હતી કે, પોતે જેની સાથે વિશ્વાસ કરીને ઘરબાર છોડીને મોરબી આવી છે એ શખ્સ તો પરિણીત છે. એટલું જ નહીં એક સંતાનનો પિતા પણ છે. આ વાતની જાણ થતાં મહિલાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. પોતાની સાથે આ શખ્સે દગો કરીને વિશ્વાસઘાત કર્યો હોવાનો અહેસાસ થતા મહિલા ત્યાંથી ચરડવા સુધી પહોંચી હતી. જ્યાં તેણી એકલી-અટુલી દેખાતા કોઈએ આ અંગેની 181 મહિલા હેલ્પલાઇનને જાણ કરી હતી. આથી, 181 અભયમની ટીમે આ મહિલાને સખી વન સ્ટોપ સેન્ટરમાં ખસેડી હતી. આ સંસ્થાએ મહિલાનું કાઉન્સેલિંગ કરી તેના માતા-પિતા અને સરનામાંની સાચી વિગતો મેળવીને આજે તેના માતા-પિતા બોલાવીને મહિલાનો કબ્જો સોંપ્યો હતો.

- text

- text