મોરબી : શૈક્ષિક મહાસંઘ અને પાટીદારધામ દ્વારા બ્રિજેશભાઈ મેરજા અને દુર્લભજીભાઈ દેથરિયાનું સન્માન

 

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની આગામી કાર્યવાહીના આયોજન માટેની મીટીંગ સંપન્ન

 

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની આગામી કાર્યવાહીના આયોજન માટેની મીટીંગમાં સરસ્વતી શિશુ મંદિર ખાતે તમામ તાલુકાના મુખ્ય પાંચ હોદેદારો તેમજ મોરબી જિલ્લા ટીમના અને મોરબી તાલુકા ટીમના તમામ હોદેદારોની ઉપસ્થિત વચ્ચે યોજાઈ હતી. જેમાં નવ નિર્વાચિત ધારાસભ્ય બ્રિજેશ મેરજા તેમજ નવનિયુક્ત મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયાનું અભિવાદન કરવામાં આવ્યું હતું.

બન્ને અગ્રણીઓનું પાટીદારધામ – મોરબી તેમજ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ – મોરબીના જિલ્લા અને તાલુકાના હોદેદારો દ્વારા પુષ્પ ગુચ્છ, ભારતમાતાનો ફોટો,સન્માનપત્ર અને સાલ ઓઢાડી સન્માન કર્યું હતું અને દિનેશભાઇ વડસોલા અધ્યક્ષ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ વિપુલભાઈ અઘારા સહ સંવાહક આર.એસ.એસ. રાજકોટ પ્રાંત કિરીટભાઈ દેકાવડીયા પ્રમુખ પાટીદારધામ – મોરબી વગેરેએ બંને મહાનુભાવોને બિરદાવ્યા હતા તેમજ બંને મહાનુભાવોએ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અને પાટીદારધામ મોરબી બંને સંસ્થાઓનો આભાર વ્યક્ત કર્યો હતો,

સન્માન કાર્યક્રમ બાદ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં સદસ્યતા અભિયાન બાબતે ચર્ચા કરવામાં આવી હતી ત્યારબાદ રાજ્યના 65000 હજાર શિક્ષકો માટેના 4200 ગ્રેડ પે તેમજ HTAT આચાર્યના પ્રશ્નો બાબતે આગામી ધરણા કાર્યક્રમ અંગે આયોજન કરવામાં આવ્યું અને તાલુકાના વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા, આગામી બદલી કેમ્પ અને શાળા મર્જ બાબતની ચર્ચા કરી ઠરાવો સર્વાનુમતે પસાર કરી શિક્ષક અને શિક્ષણના હિતમાં જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં રજુઆત કરી પ્રશ્ન હલ થાય એવા પ્રયત્નો કરવાનું નક્કી કર્યું હતું એમ હિતેશભાઈ પંચોટીયા પ્રચાર મંત્રીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.