મોરબી ST ડેપોને દિવાળી શુભ નીવડી : 10 દિવસમાં રૂ. 29.46 લાખની આવક

- text


સમગ્ર કોરોના કાળમાં પ્રથમ વખત દિવાળીના તહેવારો દરમ્યાન ST હાઉસફુલ : દાહોદ, ગોધરા તરફની એસટી રૂટમાં સૌથી વધુ ટ્રાફિક રહ્યો

મોરબી : રંગીલા મોરબીવાસીઓએ કોરોના જેવી મહામારીને વિસારે પાડીને રોશનીના મહાપર્વ દિવાળીના તહેવારોની ધમાકેદાર ઉજવણી કરી હતી. ખાસ કરીને દિવાળીના મીની વેકેશનમાં બહાર ગામ પર્યટન કે ધાર્મિક અથવા સગા સબધીઓ તેમજ મિત્રોના ઘરે જઈને ઉજવણી કરીને રિલેક્સ થવાનો લોકોનો અનેરો મૂડ હોવાથી આ વખતે પણ લોકોએ બહારગામ જવા માટે એસટી તરફ ધસારો કરતા સમગ્ર કોરોના કાળમાં દિવાળીના તહેવારો દરમ્યાન એસટી બસોમાં પ્રથમ વખત સૌથી વધુ ભરચકક ટ્રાફિક રહ્યો હતો. આથી, મોરબી એસટી ડેપોને દિવાળીના તહેવારો ફળતા સૌથી વધુ ધનલાભ થયો હતો.

મોરબીમાં ગત માર્ચ માસમાં કોરોના મહામારીને કારણે લાગુ કરાયેલા લોકડાઉન બાદ કોરોનાએ તમામ તહેવારોની ઉજવણી પર પાણીઢોળ કરી નાખ્યો હતો. જેમાં જન્માષ્ટમી અને નવરાત્રી જેવા મોટા તહેવારો પણ લોકો ઉજવી શક્યા ન હતા. ત્યારે કોરોના કાળમાં એસટીને મોટો માર પડ્યો હતો. કોરોના કાળમાં છેલ્લા આઠ મહિનામાં એસટી બસોમાં કાગડા જ ઉડ્યા હોય એવો નહિવત ટ્રાફિક રહ્યો હતો. રૂટિન આવકમાં પણ મોટો ફરક પડ્યો હતો અને ઉપરથી તહેવારોની ઉજવણીની મજા બગડી જતા બહારગામ કોઈ ન જતા અત્યાર સુધીમાં એસટીને ખાસ કોઈ મોટો નફો થયો ન હતો. આવા સંજોગોમાં એસટી બસોને દિવાળીએ મોટો ધનલાભ કરાવી આપ્યો છે.

લોકોએ કોરોનાને ભૂલીને મનમૂકીને દિવાળીની ઉજવણી કરવા માટે હરવા ફરવા બહારગામ જવા માટે એસટી બસોમાં રીતસર ધસારો કર્યો હતો. આથી, છેલ્લા આઠ મહિનામાં પ્રથમ વખત એસટી બસો મુસાફરોથી હાઉસફુલ થઈ ગઈ હતી. જેમાં દાહોદ અને ગોધરા બાજુના મોટા પ્રમાણમાં શ્રમિકો મોરબીમાં રહીને મજૂરી કરતા હોય અને આ લોકો વર્ષે એક વખત દિવાળીએ વતન જતા હોવાથી એસટી તંત્ર દ્વારા દિવાળીમાં 15થી વધુ બસો દાહોદ બાજુ દોડાવવામાં આવી હતી. જેમાંથી રૂ.3.30 લાખ જેટલી આવક થઈ છે. આ ઉપરાંત, 10થી 19 નવેમ્બર સુધીમાં એસટી તંત્રને રૂ. 29,46,191 જેટલો ધનલાભ થયો છે. હાલ રાજકોટ અને જામનગર તેમજ ગ્રામ્ય વિસ્તારોની રૂટમાં પણ સારો ટ્રાફિક છે. જ્યારે છેલ્લા 4-5 દિવસમાં 100 જેટલી લાંબા અંતરની બસો અને 90થી વધુ લોકલ બસોની મોરબીમાં અવરજવર રહી છે.

- text

- text