માળિયા તાલુકામાં કપાસમાં ગુલાબી ઈયળનો આતંક, ખેડુતોએ ઢોર માટે ખેતરો ખુલ્લા મુક્યા!!

 

 

માળિયા : માળિયા તાલુકામાં કપાસના પાકમાં ગુલાબી ઈયળનો રીતસરનો આતંક છવાયો છે. જેને પગલે ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. અમુક ખેડૂતોએ રોષે ભરાયને પોતાના ખેતરોમાં ઢોર છુટા મૂકીને કપાસ ચરવા માટે આપી દીધો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.

માળિયા તાલુકાના સુલતાનપુર, માંણાબા, ખાખરેચી, સુલતાનપુર, કુંભારીયા, ચીખલી, ઘાટીલા, વેજલપર સહિતના ગામોમાં ગુલાબી ઈયળે હાહાકાર મચાવ્યો છે. કપાસના પાક માટે ગુલાબી ઈયળ કેન્સરના રોગ સમાન છે. કપાસના પાકને ગુલાબી ઈયળ બરબાદ કરી નાખે છે. માળિયાના સુલતાનપુર ગામના ખેડૂત રતિલાલભાઈ જણાવે છે કે તેને ૨૮ વીઘામાં કપાસ વાવેતર કર્યું હતું. જો કે ગુલાબી ઈયળે પાક બરબાદ કરી નાખ્યો છે તેને ૨ લાખ જેટલો વાવેતરનો ખર્ચ કર્યો હતો અને દર વર્ષે ૫૦૦ મણ જેટલો કપાસ થાય છે. ૫ લાખની ઉપજ ગુલાબી ઈયળો ખાઈ ગઈ છે. ઢોરને ચરવા ખુલ્લા મૂકી દીધા છે તેમ તેઓએ જણાવ્યું હતું.

સુલતાનપુરના સરપંચ ભાવેશભાઈ વિડજાએ જણાવ્યું કે માળિયા તાલુકામાં હજારો એકર જમીનમાં વાવેલો કપાસનો પાક નિષ્ફળ ગયો છે જેના પગલે ખેડૂતો પોતાના ખેતરમાં ઢોરને ચરવા ખુલ્લા મૂકી રહયા છે.