પત્નીના અકાળે થયેલા અવસાનથી દુઃખના મહાસાગરમાં ડૂબેલા પતિનો અંગદાનનો નિર્ણય સમાજ માટે પ્રેરણાદાયી બની રહ્યો
મોરબી : મોરબી શહેરમાં સનહાર્ટ સીરામીક કંપનીમાં એન્જિનયર તરીકે ફરજ બજાવતા અલકેશભાઈ માહોતાના ધર્મપત્ની મોનાલીસાબેન તેમની પુત્રી અનુપમા સાથે ખરીદી કરી ઘર પરત આવતા હતા તે દરમિયાન તબિયત બગડી હતી. તેઓને ક્રિષ્ના હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ રાજકોટ વોકહાર્ટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
જ્યાં માલુમ થયું કે તેઓને બ્રેઈન હેમરેજ થઈ ગયું છે. બે દિવસની સઘન સારવાર કરવા છતાં કોઈ સુધારો ન થયો અને અંતે નિષ્ણાંત તબીબોની ટીમ ન્યુરોફિઝિશ્યન ડૉ. કેતન ચુડાસમા, ન્યુરોસર્જન ડૉ કાર્તિક મોઢા, ઇન્ટેન્સિવિસ્ટ ડૉ ચિરાગ માત્રાવડીયા, સેન્ટર હેડ ડૉ. જગદીશ ખોયાની, આઈ.સી.યુ. રજિસ્ટ્રાર ડૉ વિવેક જીવાણી, ડૉ. મીત ઉનડકટ, ડૉ ઉપેન્દ્ર પરમાર, ડૉ સાગર ભંડેરીએ તેઓને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. અલકેશભાઈ એક શિક્ષિત અને જાગૃત નાગરિક હોવાથી આવી દુઃખની ઘડીમાં પણ તેઓએ એમનાં પત્નીના અંગદાન કરવાનો નિર્ણય લીધો અને સાથે મોનાલીસાબેનના 19 વર્ષનાં દીકરી અનુપમાબેન, બહેન મધુલિકાબેન તથા સંબંધીઓ નુકુલભાઈ, મનવેન્દ્રભાઇ, મિતેન્દ્રભાઈએ આ નિર્ણય લેવામાં સહયોગ આપ્યો હતો.
નેફ્રોલોજિસ્ટ અને ટ્રાન્સપ્લાન્ટ ફિઝીશયન ડૉ દિવ્યેશ વિરોજાએ સમગ્ર પ્રક્રિયામાં સતત 36 કલાકની મહેનત કરી રાજકોટનું 89મું અંગદાનનું ઓપરેશન અમદાવાદની ખ્યાતનામ કિડની હોસ્પિટલની ટ્રાન્સપ્લાન્ટ ટીમ સાથે સંકલન કરી સફળતાપૂર્વક પૂર્ણ કર્યું. ટ્રાન્સપ્લાન્ટ કોર્ડીનેટર ડો વિશાલ ભાલોડીએ સરકારના અંગદાન વિભાગ SOTTO ની સાથે સંકલન કર્યું હતું. એમનાં લિવર, બંને કિડની ટ્રાન્સપ્લાન્ટ થી ત્રણ વ્યક્તિઓને જીવનદાન મળ્યું છે અને ચક્ષુદાનથી બે વ્યક્તિને દ્રષ્ટિ મળશે.
બંગાળી સમાજના અલકેશભાઈએ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના સમાજસેવક ભાવનાબેન મંડલી તથા મિતલભાઈ ખેતાણી સાથે વાત કરતા દુઃખ સાથે કહ્યું કે હવે હું મારી ઓળખ મોનાલીસાના પતિ તરીકે આપીશ.સમાજ પ્રત્યે ખુબજ લાગણી ધરાવતા મોનાલીસાબેન મોરબીની નાલંદા ઈંગ્લીશ મીડીયમ સ્કૂલના શિક્ષક હતા.સમાજમાં લોકો ખૂબ આદર કરતા. લોકો માટે સેવાની લાગણી ધરાવતા મોનાલીસાબેનના અંગદાન કરી તેઓનું અલકેશભાઈએ જીવન સાર્થક કર્યું છે.
