કોન બનેગા MLA ? : કાલે મંગળવારે રહસ્ય પરથી પડદો ઉચકાશે

35 રાઉન્ડમાં થશે મતગણતરી ; 2 વાગ્યા સુધીમાં પરિણામ જાહેર થઈ જવાની શક્યતા

મોરબી : મોરબી માળીયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં હવે જનતા જર્નાદને આપેલો જનાદેશ જાહેર થવાની અણમોલ ઘડી આવી પહોંચી છે.ખાસ કરીને ભાજપ અને કોંગ્રેસ વચ્ચેના હાઇ વોલ્ટેજ મુકાબલામાં જનતાએ કોને જનાદેશ આપ્યો તે અંગે છેલ્લી ઘડી સુધી દિલધડક ઉત્તેજના રહી હતી.ત્યારે પેટા ચૂંટણી બાદ દિવસો સુધી મોરબીમાં કોણ બનશે ધારાસભ્ય તે અંગે છવાયેલા ઘેરા સસ્પેશન ઉપરથી કાલે મંગળવારે પડદો ઉચકાઈ જશે.મંગળવારે સવારથી પેટા ચૂંટણીની મતગણતરી શરૂ થઈ જશે અને બપોર 2 વાગ્યા સુધીમાં પેટા ચૂંટણીનું પરિણામ સંપૂર્ણપણે જાહેર થઈ જશે.

મોરબી માળીયા વિધાનસભા બેઠકની 3 નવેમ્બરે પેટા ચૂંટણી યોજાઈ હતી.જેમાં 52.32 ટકા જેટલું મતદાન થયું હતું.કુલ 2,71,467 મતદારોમાંથી 1,42,025 લોકોએ મતદાન કર્યું હતું જેમાં 80,177 પુરુષ અને 61848 સ્ત્રી મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હત.પુરુષ મતદારોની ટકાવારી જોઈએ તો 56.32 ટકા અને 47.72 ટકા સ્ત્રી મતદારોએ મતદાન કર્યું હતું. ચૂંટણીના પરિણામોમાં બન્ને પક્ષોની હારજીત ઉપર કરોડોની સટ્ટાબાજી લાગી હતી.ત્યારે કાલે મંગળવારે પેટા ચૂંટણીનુ પરિણામ જાહેર થવાનું હોય સટ્ટાબાજીમાં કોણ પાયમાલ થશે અને કોણ માલમાલ થશે તેની છાનાખૂણે જ ચર્ચાઓ થશે.

મોરબીના ઘુંટુ ગામ પાસે આવેલ સરકારી પોલીટેકનિક કોલેજમાં કાલે મંગળવારે સવારે 8 વાગ્યાથી 100 જેટલા મતગણતરીના સ્ટાફ દ્વારા 150 થી વધુ પોલીસ અને પેરા મિલિટરી ફોર્સની જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે પેટા ચૂંટણીની મતગણતરી હાથ ધરાશે.સ્થાનિક ચૂંટણી તંત્ર દ્વારા મતગણતરી માટે સમગ્ર તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. સરકારી પોલીટેકનિક કોલેજના બે બ્લોકમાં કુલ 412 બુથના ઈવીએમ મશીનોમાંથી કુલ 35 રાઉન્ડમાં મતગણતરી કરવામાં આવશે.જોકે સૌથી પ્રથમ પોસ્ટેલ બેલેટનીમતગણતરી હાથ ધરાશે અને 8-30 વાગ્યાથી ઈવીએમ મશીનની મતગણતરી શરૂ થશે.કુલ બન્ને બ્લોકમાં 13 જેટલા ટેબલ ઉપર ત્રણ-ત્રણનો સ્ટાફ મતગણતરી કરશે.

કોરોનાને લઈને મતગણતરી સ્થળ ઉપર આરોગ્ય ટીમને તૈનાત કરવામાં આવી છે. આ આરોગ્ય ટિમ મતગણતરી માટે આવેલ સ્ટાફ સહિતના લોકોનું સ્ક્રીનગ કરશે.જોકે બપોરના બે વાગ્યા સુધીમાં મતગણતરી પુરી થઈ જવાની શક્યતા છે.અત્રે ઉલ્લેખનીય છે કે ,મોરબી બેઠક ઉપર ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજા અને કોંગ્રેસના ઉમેદવાર જયંતિભાઈ પટેલ વચ્ચે હાઈ વોલ્ટેજ મુકાબલો રહ્યો છે.ત્યારે આ ભાજપ કોંગ્રેસ સહિત કુલ 12 ઉમેદવારોના ભાવિનો આજે ફેંસલો થશે.જનતાએ કોને ચુકાદો આપ્યો છે તેના રહસ્ય પરથી આજે મંગળવારે પડદો ઉચકાઈ જશે.

બન્ને પક્ષોએ વિજયી સરઘસની પણ તૈયારી કરી લીધી

ભાજપ અને કોંગ્રેસ એમ બન્ને પક્ષોએ ચૂંટણીના પરિણામો પહેલા જ અગાઉથી વિજયો સરઘસ કાઢવાની પણ તૈયારી કરી લીધી છે.જેમાં ભાજપ સામાકાંઠે સર્કિટ હાઉસથી શહેરના મુખ્યમાર્ગો ઉપર થઈને નવા બસ સ્ટેન્ડ સુધી વિજયી સરઘસ કાઢવાની તૈયારી કરી હોવાનું જાણવા મળે છે.સામાપક્ષે કોંગ્રેસે પણ સભા-સરઘસ માટે તૈયારીઓ કરી લીધી છે.જેમાં મતગણતરી સ્થળથી શહેરના મુખ્યમાર્ગો ઉપર ફરી રવાપર કેનાલ ચોકડી થઈ નવા બસ સ્ટેન્ડ સુધી વિજય સરઘસ કાઢવાની તૈયારી કરી છે.જોકે આ બન્ને પક્ષના વિજયી સભા સરઘસની મંજૂરી માટેની અરજી હજુ ન આવી હોય એવું મામલતદારે જણાવ્યું છે.પણ આજે રાત્રી સુધીમાં મજૂરી મળી જાય એવો બન્ને પક્ષોએ દાવો કર્યો છે.ત્યારે કાલે કેનો વિજય થશે એને કોના વિજયી સરઘસ નીકળશે તેના પર મીટ મંડાઈ છે.

 

છેલ્લી 4 ચૂંટણીમાં કોણ કેટલી સરસાઈથી વિજેતા

  • 2002 ભાજપ કાંતિલાલ અમૃતિયા (1590 મતની સરસાઈ )
  • 2007 ભાજપ કાંતિલાલ અમૃતિયા (22521 મતની સરસાઈ )
  • 2012 ભાજપ કાંતિલાલ અમૃતિયા (2757 મતની સરસાઈ )
  • 2017 કોંગ્રેશ બ્રિજેશ મેરજા (3419 મતની સરસાઈ )
મોરબી બેઠકના ચૂંટણી પરિણામની પળે પળની અપડેટ માટે જોડાયેલા રહો મોરબી અપડેટ સાથે..

મોરબી વિધાનસભા પેટાચૂંટણીના રસાકસીભર્યા ચૂંટણી જંગના પરિણામની પળે પળની અપડેટ સૌથી પેહલા મોરબી અપડેટ ઉપર આ માટે જોડાયેલા રહો અમારી સાથે..

વેબસાઈટ : https://www.morbiupdate.com 
ફેસબુક : https://www.facebook.com/morbiupdate
એપ્લિકેશન : (Morbi Update) https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN&gl=US