જ્યંતીલાલ પટેલના સમર્થનમાં જુના ઘાટીલા ગામે હાર્દિક પટેલની જાહેરસભા યોજાઈ

- text


હાર્દિક પટેલ સહિતના કોંગ્રેસના આગેવાનોએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા : જુના ઘાટીલાની ખેડૂત સભામાં હાર્દિક પટેલની સાથે વિક્રમ માડમ, લલિત કગથરા સહિતના નેતાઓએ કર્યું સંબોધન

મોરબી : રવિવારે સાંજે 5 વાગ્યે વિધાનસભા બેઠકોની 8 ક્ષેત્રોની પેટા ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થાય એ પૂર્વે શનિવારે રાત્રે માળીયા તાલુકાના જુના ઘાટીલા ગામે કોંગ્રેસની વિશાળ ખેડૂતસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશાળ જાહેર સભામાં ગુજરાત કોંગ્રેસ પ્રદેશના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ, જામનગરના ધારાસભ્ય વિક્રમ માડમ, લલિત કગથરા સહિતના અગ્રણી કોંગ્રેસ નેતાઓએ સંબોધન કરી મતદારો પાસે કોંગ્રેસ માટે સમર્થન માંગ્યું હતું.

વિશાળ સંખ્યામાં ઊપસ્થિત જન સમુદાય વચ્ચે કોંગ્રેસના અગ્રણી વક્તાઓએ ભાજપ પર આકરા શાબ્દિક પ્રહારો કર્યા હતા. વિક્રમ માડમ અને લલિત કગથરા સહિતના નેતાઓએ ભાજપની નીતિ-રીતિની સખત શબ્દોમાં ઝાટકણી કાઢી, ઉદ્યોગપતિઓને ડરાવવા ધમકાવવાની ભાજપની કિન્નાખોરી વાળી વિચારસરણીને ખુલ્લી પાડી હતી. ખાસ કરીને ગામડાઓ ભાંગીને શહેરનો વિકાસ કરવાની ભાજપની શહેરીકરણની કરવાની અણધડ નીતિની પોલ ખુલ્લી પાડી હતી. જામનગરના ધારાસભ્ય વિક્રમ માડમે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નામનો ઉલ્લેખ કરી એક ઉધોગપતિની જગ્યામાં મોરબીના એકાદ હજાર ઉધોગકારોને બોલાવીને બ્રિજેશ મેરજાને મત આપવા દબાણ કરી ધમકી આપી હોવાનો ચોંકાવનારો આક્ષેપ કરી વધુમાં ઉમેર્યું હતું કે, નીતિન પટેલે ઉધોગકારોને ધમકી આપી હતી કે, જો મેરજા હારશે તો ઉધોગકારોને જીએસટી, ઇન્કમટેક્ષ સહિતની રેડો માટે તૈયાર રહેવું પડશે અને ગેસનો ભાવ વધારી દેવામાં આવશે. માડમે પોતાના આક્ષેપને આગળ વધારતા દાવો કર્યો હતો કે ઉપરોક્ત મિટિંગમાં એકપણ મીડિયાને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું.

ખેડૂત સભાના મુખ્ય વક્તા હાર્દિક પટેલે સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરીને જણાવ્યું હતું કે, આજે ભારતના લોખંડી પુરુષની જન્મ જયંતી નિમિત્તે હું જુના ઘાટીલા આવ્યો છું ત્યારે ભારતીય જનતા પાર્ટીના સાચા ચહેરાને આપના સમક્ષ ઉજાગર કરવો એ સમયની માંગ છે. ભારતીય જનતા પાર્ટીએ હંમેશાંથી ઉદ્યોગપતિઓને જ વધુ મહત્વ આપ્યું છે. ખેડૂતોના હિત અંગે વિચારવાનો સમય આવે ત્યારે ભાજપ હંમેશા પાછીપાની કરતું આવ્યું છે. ભાજપના આપેલા વાયદાઓ હંમેશા ચૂંટણીલક્ષી હોય છે. 2014ની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીએ કપાસનો ભાવ પંદરસો રૂપિયા મળશે તેવું જણાવ્યું હતું પણ આપણા ગુજરાતનો ભોળો ખેડૂત ચોખવટ કરતા ભૂલી ગયો હતો કે પંદરસો રૂપિયા એક મણના મળશે કે બે મણના? હાલ કપાસનો ભાવ ૭૦૦થી ૭૫૦ રૂપિયા પ્રતિ મણ લેખે વેચાઈ રહ્યો છે ત્યારે ભાજપને મત આપેલો ખેડૂત પસ્તાઈ રહ્યો છે. ફરી એકવાર જો પસ્તાવવું ન હોય તો કોંગ્રેસના ઉમેદવાર જયંતીલાલ પટેલને આપનો કિંમતી મત આપશો. જે વ્યક્તિ રૂપિયાની લાલચે આપનો વિશ્વાસ વેચી નાખતો હોય એ વ્યક્તિને તમે બીજી વાર શું કામ મત આપો તેવો સવાલ પૂછીને હાર્દિક પટેલે સભા સ્થળે ઉપસ્થિત લોકોને ભાજપને મત ન આપવાના ઘણા કારણો ગણાવ્યા હતા. જે પૈકી ખાસ કરીને શિક્ષણનો વેપાર, ખેતીની ઉપજના ઓછા ભાવ અને પાણીની સમસ્યા તથા યુવાનો માટે રોજગારની સમસ્યા મુખ્ય હતા. હાર્દિક પટેલે પોતાના વક્તવ્યના અંતમાં સત્તાસ્થાને બેસેલા ભ્રષ્ટ લોકોને રાવણ સાથે સરખાવ્યા હતા તથા મતદાર બહેનોને શબરી સાથે સરખાવ્યા હતા અને કોંગ્રેસના ઉમેદવાર જયંતીલાલ પટેલને રામ સાથે સરખાવીને જયંતિલાલ પટેલ એક નંબરના ઉમેદવાર છે તેમ જણાવી ઉમેર્યું હતું કે, બે નંબરના ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના છે કે જે બે નંબરના ધંધા કરે છે એમ જણાવીને કોંગ્રેસના ઉમેદવાર જયંતિલાલ પટેલને ઓછામાં ઓછા વીસ હજાર મતની સરસાઇથી જીતાડવા માટે અપીલ કરી હતી.

- text

ભાજપના નેતાઓ, કાર્યકરો દ્વારા મોરબીના ઉધોગકારોને ભાજપ તરફી મતદાન કરવા દબાણ કરવામાં આવતું હોવાનું જણાવી હાર્દિક પટેલે મોરબીના ઉધોગકારોને આહવાન કર્યું હતું કે, જો મારા જેવો 25 વરસનો છોકરડો સરકાર સામે, તેની નીતિ-રીતિ સામે બંડ પોકારીને અઢાર વરણના હિત માટે નવ નવ મહિના જેલમાં જઈ શકતો હોય તો તમારું તો આખું સંગઠન છે. તમારે કોઈથી ભય રાખવાની જરૂર નથી. ભાજપ મતદારોમાં ભય ફેલાવીને પેટા ચૂંટણી જીતવા માંગે છે પણ જે રીતે ગ્રામીણ મતદાર ભય રાખ્યા વિના કોંગ્રેસને મત આપવાનો છે એવી જ રીતે ઉધોગકારો પણ જયંતિલાલ પટેલને મત આપે અને અપાવે. ત્રણ તારીખે ચા પછી પીજો, મતદાન પહેલા કરજો એમ જણાવી હાર્દિક પટેલે અંતમાં મહિલાઓને પણ મતદાન કરવાની અને પરિવારના મતાધિકાર ધરાવતા દરેક સભ્યોને મતદાન કરવા મોકલવાની જવાબદારી સોંપી પુનઃ કોંગ્રેસને જંગી બહુમતીથી વિજયી બનાવવાની અપીલ કરી હતી.

- text