મૈત્રીકરારમાંથી અલગ થઈ જતાં મહિલાને યુવકે છરીના ઘા ઝીકયા

ઇજાગ્રસ્ત મહિલા રાજકોટ હોસ્પિટલમાં સારવાર હેઠળ : મહિલાએ ફરિયાદ નોંધાવતા હળવદ પોલીસે આરોપી સામે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો

હળવદ : હળવદના ભવાનીનગર વિસ્તારમાં રહેતી મહિલાને એક યુવાને છરીના ઘા ઝીકયા હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં આ શખ્સ અને મહિલા અગાઉ મૈત્રીકરારથી સાથે રહેતા હોય પણ હમણાંથી મહિલા મૈત્રીકરારમાંથી એ શખ્સથી અલગ થઈ જતા ધરાર મૈત્રીકરાર રાખવાનું દબાણ કરીને આરોપીએ મહિલા પર હુમલો કર્યાની હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.

આ બનાવની હળવદ પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર હળવદના ભવાનીનગર વિસ્તારમાં રહેતી કંચનબેન બાબુભાઇ ઉ.વ.35 નામની મહિલાએ હળવદના ઘનશ્યામગઢ ગામના શખ્સ મહેશભાઈ બચુભાઇ સંઘાણી સામે હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે આ મહિલા અગાઉ આરોપી સાથે મૈત્રીકરારથી સાથે રહેતી હતી.પણ કોઈ કારણોસર મહિલાએ મૈત્રીકરારનો સબંધ તોડી નાખ્યો હતો અને આરોપીને મૈત્રીકરારમાંથી છૂટો કરી દઈને મહિલા અલગ થઈ ગઈ હતી. આ બાબતનો ખાર રાખીને આરોપીએ ગઈકાલે બપોરના સમયે ભવાનીનગર વિસ્તારમાં આવીને મહિલા પર જ છરી વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં મહિલા ગંભીર રીતે ઘાયલ થતા પ્રથમ હળવદની સિવિલ હોસ્પિટલ અને બાદમાં મોરબી તેમજ હવે વધુ સારવાર અર્થે રાજકોટ રીફર કરવામાં આવી છે. આ બનાવ અંગે મહિલાએ ફરિયાદ નોંધાવતા હળવદ પોલીસે આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.