વાઘપર (પીલુડી) ગામે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની જંગી જાહેરસભા યોજાઈ

ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલ, બ્રિજેશ મેરજા અને અજય લોરીયાએ પણ સભાને કર્યું સંબોધન

મોરબી : 65 મોરબી-માળીયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારના પ્રચાર માટે શુક્રવારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વાઘપર (પીલુડી) ખાતે આવ્યા હતા. અહીં તેઓએ અને ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલ સહિતના નેતાઓએ મતદારોને ભાજપને જીતાડવાની અપીલ કરી હતી.

કાર્યક્રમના આરંભે અજય લોરીયાએ મંત્રી સૌરભભાઈ પટેલ, બ્રિજેશ મેરજા, કાંતિભાઈ અમૃતિયા, કે.એસ. અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરીયા, ગોંડલના ભાજપ અગ્રણી જેન્તીભાઈ ઢોલ, પોરબંદરના પૂર્વ સાંસદ હરિભાઈ પટેલ સહિતના અગ્રણીઓનું સ્વાગત કર્યું હતું. સ્વાગત પ્રવચન દરમ્યાન અજય લોરીયાએ અટલ બિહારી વાજપેયીની કવિતાની પંક્તિઓ રજૂ કરી હતી.

મોરબીના પ્રભારી એવા સૌરભભાઈ પટેલે પોતાના વક્તવ્યમાં જાહેર જનતાને જણાવ્યું હતું કે, આખા રાજ્યમાં સૌથી વધુ વિકાસ કરતો જિલ્લો મોરબી જિલ્લો છે. ખેતીની વીજળી માટે વેઇટિંગ હતું એ મેં દૂર કરાવ્યું, હાલ મોરબીમાં માત્ર હજારથી બારસો કનેક્શન આપવાના જ બાકી છે એમ કહી ઉર્જા મંત્રીએ માહિતી આપી હતી કે, ખેતીના એક વીજળી કનેશન માટે આશરે 1.60 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે જ્યારે ખેડૂતો પાસેથી માત્ર રૂપિયા 10 હજારની આસપાસ વસુલવામાં આવે છે. એક કનેક્શન પાછળ 1.5 લાખની સબસીડી હાલ સરકાર ચૂકવી રહી છે. વર્ષે એકથી સવા લાખ કનેક્શન આપતી સરકાર 7થી 8 હજાર કરોડ રૂપિયાની સબસીડી વીજળી માટે ખેડૂતના હિતમાં આપી રહી છે.

આમ કહી કોંગ્રેસને આડેહાથ લેતા ઉર્જામંત્રીએ કહ્યું હતું કે, કોંગ્રેસની સરકારમાં માત્ર 10થી 15 હજાર કનેકશનો માંડ અપાતા હતા. મોરબી સંદર્ભે ઉર્જા મંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યમાં સૌથી વધુ સબસ્ટેશનો મોરબી જિલ્લાને આપવામાં આવ્યા છે અને આવતા બે વર્ષોમાં 32 નવા સબ સ્ટેશનો ફાળવવાનો સરકારનો લક્ષ્યાંક છે એમ જણાવી વિજળી માટે ભાવિ યોજનાની તેઓએ માહિતી આપી હતી.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પોતાના વક્તવ્યની શરુઆતમાં ગાંધી પરિવાર અને વાડ્રા પરિવાર ઉપર નિશાન સાધ્યું હતું. કોંગ્રેસી કાર્યકરોને ચેતવ્યા હતા કે, આવનારા દિવસોમાં ગાંધી પરિવારના ભણીયાઓને તમારે સાચવવાના થવાના છે કેમકે કોંગ્રેસ એ પરિવારવાદી પાર્ટી છે. જ્યારે ભાજપ એ સંગઠનવાદી પાર્ટી છે. નીતિન પટેલે ભાજપ સરકારે 1995થી શરૂ કરેલા વિકાસ કામોની ગાથા સવિસ્તાર વર્ણવી હતી. કેશુભાઈ પટેલને શ્રદ્ધાસુમન પાઠવી કેશુબાપાએ શરૂ કરેલી વિકાસની રાજનીતિને વર્ણવી હતી.

નર્મદા યોજનામાં કોંગ્રેસે નાંખેલા વિઘ્નો અને તેને લઈને ગુજરાત, સૌરાષ્ટ્ર તેમજ કચ્છના ખેડૂતોને વર્ષો સુધી તરસ્યા રાખવાનું, ખેતીની જમીન વાંઝણી રાખવાનું પાપ કોંગ્રેસે કર્યું હતું એમ જણાવી ભાજપની 25 વર્ષની વિકાસગાથા નીતિન પટેલે ઉપસ્થિત જનસમુદાયને યાદ કરાવી હતી. ગ્રામીણ યોજનાઓ, યુવા તેમજ મહિલા યોજનાઓ, આરોગ્ય અને શિક્ષણ યોજનાઓ, વિદ્યુત યોજનાઓની માહિતી આપી નાયબ મુખ્યમંત્રીએ મોરબી-માળીયામાં ભાજપનું કમળ ખીલવવાની મતદારોને અપીલ કરી હતી. જ્યારે સભાના પ્રારંભમાં લોકગાયક કીર્તિદાન ગઢવીએ ભજનોની રમઝટ બોલાવી હતી.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate