હળવદના ઢવાણા ગામે અભણ ખેડૂતની જમીન બારોબાર વેચી મરાતા ચકચાર

- text


અભણ ખેડૂતના ભોળપણનો લાભ ઉઠાવી ટંકારાનો ગઠિયો અને ખેડૂતના સંબંધીએ કૌભાંડ આચર્યું : બેંકની પણ ભૂંડી ભૂમિકા હોવાની એસપીને ફરિયાદ

હળવદ : હળવદના ઢવાણા ગામના અભણ ખેડૂતે આર્થિક તંગીમાં બેંકનું પાક ધિરાણ ભરવા દસ વીઘા જમીન વેચવા કાઢતા ટંકારાના ભેજાબાજ ગઠિયો અને ખેડૂતના સંબંધીએ આખેઆખી જમીનનો દસ્તાવેજ કરાવી છેતરપિંડી આચરી હોવાની ચોંકાવનારી ફરિયાદ મોરબી જિલ્લા પોલીસવડા સમક્ષ થતા ખળભળાટ મચી ગયો છે અને આ જમીન કૌભાંડમાં બેન્ક ઓફ બરોડાના અધિકારીઓએ પણ ખેડૂતના અંગુઠાની ખરાઈ કર્યા વગર ડયુ સર્ટી આપી દેતા બેંકના અધિકારી વિરુદ્ધ પગલાં ભરવા પણ ફરિયાદમાં જણાવાયું છે.

હળવદના ઢવાણા ગામેં રહેતા અને વર્ષોથી ખેતીકામ કરતા ૭૬ વર્ષીય ખેડૂત કરશનભાઇ મધુભાઈએ હળવદના પીઆઇથી માંડીને મુખ્યમંત્રી સુધી લેખિતમાં ફરિયાદ કરી હતી કે તેમણે કોયબા ગમના શખ્સને કહ્યું હતું કે લોકડાઉનના કારણે પૈસાની તંગી છે. એટલે બેન્ક ઓફ બરોડામાં રૂ. ૪ લાખથી વધુની પાક ધિરાણની.લોન ભરવાની બાકી હોય આ લોન ભરવા માટે ખેડૂતે પોતાની વાડીમાંથી ૧૦ વીઘા જમીન વેચવા કાઢી હતી અને આ જમીન લેવા માટે કોઈ ગ્રાહક હોય તો કહેજે તેમ ખેડૂતે કહ્યું હતું. આથી, કોયાબાનો શખ્સ આ જમીન વેચાતી લેવા માટે એક ગ્રાહકને શોધીને લાવ્યો હતો અને ૧૦ વીઘા જમીનનો રૂ. ૩૫ લાખમાં સોદો કર્યો હતો. જમીનના દસ્તાવેજ બનાવતી વખતે રૂ. ૧૫ લાખ ખેડૂતને આપ્યા હતા.

આથી, બેન્કનું રૂ. ૪ લાખથી વધુનું ધિરાણ ભરી દીધું હતું. પણ આરોપીઓએ દસ્તાવેજ બનાવવામાં ખેડૂતની નિરક્ષરતાનો લાભ લઈને દસ્તાવેજ વંચાવ્યા વગર જ તેમનો અંગુઠો લેવડાવીને આખે આખી વાડીનો સોદો કરી નાખ્યો હતો. ૪ એકર જમીનની વાડીનો દસ્તાવેજ બનાવીને આરોપીઓએ આ વાડીને પચાવી પાડી હતી. તેમજ વાડીના બોરના કનેક્શનને પણ પોતાના નામે કરી લીધું હતું. આ આખી વાડીનો દસ્તાવેજ બનાવી લીધાની જાણ થતાં ખેડૂતે અવાજ ઉઠાવતા આરોપીઓ ધમકી આપતા હોવાની પણ ફરિયાદ કરી છે. આ જમીન કૌભાંડમાં કોયાબાનો શખ્સ તેમજ એક ગ્રાહક સહિત ત્રણ શખ્સોની સામેલ હોવાનું જણાવીને ખેડૂતે પોલીસ સમક્ષ ન્યાયની માંગ કરી છે. સાથે ખેડૂતોએ કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે પ્રેમાભાઈ (રહે. કોયબા) તથા દસ્તાવેજ કરાવી લેનાર વિજય રાણાભા ગઢવી (રહે. ટંકારા) અને બેંક ઓફ બરોડાના અધિકારી વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે રજૂઆત જણાવ્યું છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text