મોરબીનો ધારાસભ્ય શાસક પક્ષનો હશે તો વિકાસને વધુ વેગ મળશે : મુખ્યમંત્રી વિજય રૂપાણી

મોરબીમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજાના સમર્થનમાં સભા સંબોધી

ચૂંટણી પછી મોરબીની તમામ જવાબદારી ભાજપની : કોંગ્રેસની કબરમાં છેલ્લો ખીલ્લો મારવાની તક મોરબીવાસીઓના નસીબમાં આવી છે : વિજય રૂપાણી

કોંગ્રેસ ડૂબતું ટાઇટેનિક જહાજ છે : છેલ્લો ધક્કો મોરબીવાસીઓ મારશે : સી.આર.પાટીલ

10 નવેમ્બરે બ્રિજેશ મેરજાના વિજય સરઘસમાં ઉપસ્થિત રહેવા સી.આર. પાટીલે મોરબીવાસીઓને આગોતરું આમંત્રણ પાઠવ્યું

મોરબી : પહેલી નવેમ્બરે સાંજે પ્રચારના પડઘમ શાંત થાય એ પહેલાં ભાજપ 65 મોરબી-માળીયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે એડીચોંટીનું જોર લગાવી રહ્યું છે. રાજ્યના મંત્રીઓ, ધારાસભ્યો, સંસદ સભ્યો, કેન્દ્રીય મંત્રીઓનો અવિરત પ્રવાહ મોરબી-માળીયા વિધાનસભા મતક્ષેત્રમાં વહી રહ્યો છે. ત્યારે આજે બુધવારે સાંજે 5 વાગ્યે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની જંગી જાહેરસભા મોરબીમાં યોજાઈ હતી. આ સભામાં ભાજપ ઉમેદવાર બ્રિજેશ મેરજા, સાંસદ મોહન કુંડરિયા, ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે ઉપસ્થિત વિશાળ જનસમુદાયને સંબોધન કર્યું હતું.

આ તકે પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે કોંગ્રેસને ડૂબતી ટાઇટેનિક સાથે સરખાવીને મોરબીવાસીઓને આહવાન કર્યું હતું કે, ડૂબતા જહાંજને છેલ્લો ધક્કો મારવાની તક મોરબીવાસીઓને સાંપડી છે. ત્યારે કચકચાવીને ભાજપને મત આપજો. સી.આર. પાટીલે કોંગ્રેસના નેતાઓને વેંતિયા ગણાવ્યા હતા અને વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસના નેતાઓ, કાર્યકર્તાઓ મતદારોને મળતા ગભરાય છે એટલે ઘેર બેઠા બેઠા ટ્વીટર પર નુકતેચીની કર્યે રાખે છે. પાટીલે વધુમાં જણાવ્યું હતું કે આના કારણે મતદારક્ષેત્રમાં કોંગ્રેસના નેતાઓ કોઈ કાર્યકરોને ઓળખતા પણ નથી. જ્યારે આજે લીંબડી-મોરબી વિસ્તારમાં સાથે મિટિંગો કરવા દરમ્યાન મુખ્યમંત્રીએ સોએક જેટલા સ્થાનીય કાર્યકરોને મોઢે માસ્ક હોવા છતાં નામ લઈને ખબરઅંતર પૂછતાં મને સાનંદ આશ્ચર્ય થયું હતું અને ગર્વની લાગણી પણ થઈ હતી કે વિજયભાઈ રૂપાણી દરેક સ્થાનીય કાર્યકરો સાથે કેટલો નજીકનો સંબંધ ધરાવે છે કે માત્ર કપાળ જોઈને કાર્યકાર્યને ઓળખી જાય છે. આવતી ત્રણ તારીખે ભાજપને મત આપી વિજયી બનાવ્યા બાદ 10 તારીખે બ્રિજેશ મેરજાના વિજય સરઘસમાં ઉપસ્થિત રહેવાનું આગોતરું આમંત્રણ આપી પાટીલે ભાજપના વિજયનો વ્યક્ત કર્યો હતો.

મુખ્યમંત્રી વિજય રૂપાણીના ઉદબોધન પહેલા સ્ટેજ સંચાલકે જણાવ્યું હતું કે છેલ્લા દસેક દિવસની મોરબીની નિયમિત મુલાકાત લેનારા અંજલિબેન રૂપાણી મોરબીની એક હજાર કરતા વધુ કાર્યકર્તા બહેનોને નામેથી સંબોધવા લાગ્યા છે જે જનતા અને કાર્યકર્તાઓ સાથે તેમનો અદમ્ય સ્નેહ અને જોડાણ દર્શાવે છે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વિશાળ જનમેદનીને સંબોધતા જણાવ્યું હતું કે, કોંગ્રેસના ઘણા લોકો જનતાને ગેરમાર્ગે દોરી રહ્યા છે કે, કોરોનાકાળમાં સરકારે ચૂંટણીનું આયોજન કરીને ખોટું કર્યું છે. આવા દુષ્પ્રચારીઓને મારે જવાબ આપવો છે કે, ચૂંટણીનું આયોજન રાજ્ય સરકાર કરતી જ નથી. કેન્દ્રની મુખ્ય એવી ચૂંટણી ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા ચૂંટણીઓ નક્કી કરાય છે. ધારાસભ્યોની સીટ ખાલી પડતા વધુમાં વધુ 6 માસની અંદર ચૂંટણી યોજવાનું ભારતીય સંવિધાનમાં પ્રાવધાન છે. એટલે પેટા ચૂંટણી કરવી જરૂરી બની ગઈ હતી. આવી પડેલી 8 વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી કોંગ્રેસથી ત્રાહિમામ થયેલા ધારાસભ્યોના રાજીનામાને કારણે આવી છે. ધારાસભ્યોને સાચવવાની કોંગ્રેસની હેસિયત નથી રહી એટલે ધારાસભ્યોએ રાજીનામાં આપ્યા હતા એમ જણાવીને રૂપાણીએ કહ્યું હતું કે હાલ 8 સભ્યોના રાજીનામાં પહેલા 7 કોંગી ધારાસભ્યો કોંગ્રેસ છોડી ચુક્યા છે અને એ પહેલાં 13 કોંગ્રેસી ધારાસભ્યોએ કોંગ્રેસને રામરામ કરી દીધા હતા. કેન્દ્રમાં મોદી સરકાર મજબૂત થાય અને રાજ્યસભામાં ભાજપની તાકાત વધે એટલે બ્રિજેશ મેરજાએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું છે.

કોંગ્રેસના મોઢે પક્ષ પલ્ટાની વાતો શોભતી નથી એમ જણાવી રૂપાણીએ મહારાષ્ટ્ર, પૂર્વ મધ્યપ્રદેશ સરકારનો દાખલો આપી કોંગ્રેસ પર ચાબખા વીંઝ્યા હતા. વર્ષો પહેલા ગુજરાતમાં બાબુ જશભાઈ પટેલ અને કેશુભાઈ પટેલની લોકપ્રિય સરકાર ઉથલાવવા કોંગ્રેસે કરેલા ઉંબાડીયાનો ઉલ્લેખ કરતા રૂપાણીએ કહ્યું હતું કે કોંગ્રેસની કબર ખોદાઈ ગઈ છે તેના તાબુતમાં છેલ્લો ખીલ્લો ઠોકવાની તક મોરબીવાસીઓને મળી છે ત્યારે 3 તારીખે કચકચાવીને કમળને મત આપજો.

આ ઉપરાંત મુખ્યમંત્રીએ કોંગ્રેસ-ભાજપની તુલના કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ ખેડૂતોના નામે મગરના આંસુ સારી રહી છે. ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ વિશે ઉલ્લેખ કરતા રૂપાણીએ ઉમેર્યું હતું કે, રાજ્ય સરકારે 3700 કરોડ રૂપિયાનું પેકેજ આપ્યું છે. રૂપિયા ખેડૂતોના ખાતામાં સીધા જમા થાય એવી વ્યવસ્થા કરી છે. કેન્દ્ર સરકાર તરફથી દર વર્ષે ખેડૂતોને 6 હજાર રૂપિયાની સીધી સહાય ઉપરાંત મહિલાઓ માટે ઘેર ઘેર શૌચાલયો, નર્મદા ડેમના ગુજરાતને ચાખવા મળી રહેલા મીઠા ફળ, 3 વર્ષમાં 15000 હજાર કરોડ રૂપિયાના ટેકાના ભાવે પાક ખરીદી, કોંગ્રેસના રાજમાં મળતી લંગડી વીજળીની જગ્યાએ 1055 ગામડામાં દિવસે વીજળી મળવાની શરૂ કરાઈ તે બાબતોનો ઉલ્લેખ કરી ગુજરાતની સરકાર ગરીબો માટે, મહિલાઓ માટે સંવેદનશીલ સરકાર છે એમ જણાવ્યું હતું. આ ઉપરાંત મુખ્યમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, માં યોજના, અમૃતમ યોજના, આયુષ્યમાન યોજનાનો ઉલ્લેખ કરી ઉમેર્યું હતું કે બાળકોને પઢાઈ, યુવાનોને કમાઈ, વૃદ્ધોને દવાઈ એ ગુજરાત સરકાર તથા કેન્દ્ર સરકારનો મૂળ મંત્ર છે. કોઈ ભૂખ્યું ન સુવે એટલે અંત્યોદય યોજનાની વાત મુખ્યમંત્રીએ ભારપૂર્વક જણાવી હતી. વિકાસ સતત ચાલુ છે જેની વચ્ચે ચૂંટણી આવી છે એમ કહી રૂપાણીએ કહ્યું હતું કે 13000 કરોડના ખાતમહુર્ત, લોકાર્પણ કોરોના કાળમાં થયા છે.

રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસના નેતાઓ કોરોના કાળમાં જનતા જનાર્દનને ભગવાન ભરોસે મૂકી જયપુર, બેંગ્લોર ભાગી ગયા હતા એમ કહી કોંગ્રેસ પર વધુ આક્ષેપો કરતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, સરકાર તો આવશે અને જશે દેશ ચાલવો જોઈએ.

મોરબીએ સ્વબળે ચાઇનાને હંફાવી દીધું છે એવો ઉલ્લેખ કરી રૂપાણીએ મોરબીના ઉધોગ સાહસિકોના વખાણ કરતા કહ્યું હતું કે, મોરબીમાંથી 14000 કરોડનું એક્સપોર્ટ થાય છે. ઘડિયાર, નળિયા, ટાઇલ્સ, પ્લાઈવુડ ઉધોગોનો ઉલ્લેખ કરી ઉધોગોના વિકાસ માટે સીએનજીના ભાવ ઘટાડી મોરબીના ઉધોગોને ચેતનવંતો બનાવ્યાનો દાવો રૂપાણીએ કર્યો હતો. મોરબીનો ધારાસભ્ય શાસક પક્ષનો હશે તો આ વિકાસ બમણો થશે એમ જણાવીને મુખ્યમંત્રીએ અંતમાં કહ્યું હતું કે, 3 તારીખ પછી મોરબીની જવાબદારી ભાજપ સરકારની છે. લાખો લોકોને રોજીરોટી મળે એ માટે મોરબીનો વિકાસ અમારી પ્રાથમિકતા રહેશે. “મને ખબર છે તમારી તકલીફ શું છે” એમ કહી રૂપાણીએ મોરબી-માળીયા તાલુકાનો ખેડૂત વર્ષમાં 3 પાક લેતો થાય, નવલખી બંદર વિકસાવવાની જરૂરિયાત સહિતના મુદ્દાઓનો ઉલ્લેખ કરી વ્યક્તિગત ગમાઅણગમાં ભૂલી એક થઇ કમળને ખીલવવા પ્રયત્નો કરશો એવી અંતમાં પુનઃ અપીલ કરી હતી.

સભા પૂર્ણ કર્યા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ સહિતના ભાજપના આગેવાનો અને મંત્રીઓએ સ્કાય મોલ ખાતે મોરબીના વિવિધ સમાજના આગેવાનો અને વિવિધ એસોસિયેશનના પ્રતિનિધિઓ સાથે મિટિંગ કરી હતી.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate