મોરબીની ન્યુ એરા ગ્લોબલ સ્કૂલમાં ફી માફીને લઈને વાલીઓનો હોબાળો

ફી વધારાઈ હોવાની વાલીઓમાં રાવ, ફી સ્ટ્રક્ચર સાથેની ઓરીજીનલ રીસીપ્ટ આપવાની વાલીઓની માંગ : શાળા સરકારના આદેશ મુજબ જ કાર્ય કરતી હોવાની સંચાલકોની સ્પષ્ટતા

મોરબી : દેશભરમાં કોરોના વાયરસની પરિસ્થિતિને કારણે એપ્રિલ મહિનાથી સ્કૂલો બંધ છે. હજુ પણ ગુજરાતમાં સ્કૂલો ખોલવામાં આવી નથી. તેમજ શિક્ષકો દ્વારા ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. ત્યારે ફી ઘટાડો થવો જોઈએ તેવી વાલીઓની માંગ હતી. જેને લઈને રાજ્ય સરકારે સંચાલકમંડળ અને વાલીમંડળ સાથે ચર્ચા-વિચારણા કરી 25% ફી ઘટાડાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મોરબીમાં આવેલ ઉમિયા ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ દ્વારા વાલીઓને ફીની ઓરીજીનલ રીસીપ્ટ આપવામાં આવતી નથી. તેમજ ચાલુ વર્ષ 2019-’20ની ફીમાં પણ વધારો કરી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

મોરબીમાં આવેલ ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ દ્વારા પ્રાથમિક માધ્યમમાં શૈક્ષણિક વર્ષ 2019-’20ની ફી વધારી દેવામાં આવેલ છે. તેમજ ફીની ફીની ઓરીજીનલ રીસીપ્ટ વાલીઓને આપવામાં આવતી નથી. સરકાર દ્વારા ટ્યુશન ફીના 25% રકમમાં ઘટાડો કરવામાં આવ્યો છે. પરંતુ ગ્લોબલ સ્કૂલ દ્વારા ફીની રીસીપ્ટ આપવામાં આવે છે, તેમાં ટ્યુશન ફી, યુનિફોર્મ ફી, એક્સટ્રા એક્ટિવિટી ફી કે અન્ય કોઈપણ પ્રકારની ફી લેવાય હોય તેનું વર્ગીકરણ દેખાડવામાં આવતું નથી. આથી, વાલીઓને ટ્યુશન ફી કેટલી છે, તેનો અંદાજ આવી શકતો નથી.

હાલમાં શાળાએ ફીની ઉઘરાણી શરુ કરી હતી. ત્યારે આ અંગે થોડા વાલીઓએ ગત તા. 19ના રોજ સ્કૂલની મુલાકાત લીધી હતી. પરંતુ ત્યારે સમસ્યાનું સમાધાન આવ્યું નહતું. આથી, શાળામાં ફીને લઈને સ્ટાફ અને વાલીઓ વચ્ચે હોબાળો મચી ગયો હતો. તેમજ વાલીઓએ રીસીપ્ટ અંગે સ્કૂલને લેખિત રજૂઆત કરી છે. આ રજુઆતમાં જણાવ્યું છે કે ગત શૈક્ષણિક વર્ષ 2018-’19 અને વર્ષ 2019-’20ની ફીની ઓરીજીનલ રીસીપ્ટ દરેક પ્રકારની ફીના વર્ગીકરણ સાથે આપવામાં આવે. આ રજૂઆત અંગે શાળા પરિવાર દ્વારા 2 દિવસનો સમય માંગવામાં આવ્યો છે.

શાળા દ્વારા ફીમાં વધારો કરી દેવામાં આવ્યો છે, ટ્યુશન ફી જાહેર કરવામાં આવતી નથી અને LC પણ આપવામાં આવતું નથી : વાલી જસ્મીનભાઈ

આ અંગે પ્રાથમિક ધોરણમાં ભણતા વિદ્યાર્થીના વાલી જસ્મીનભાઈ સાથે વાત કરવામાં આવી, તો તેમણે જણાવ્યું છે કે તેમના સંતાનની આખા વર્ષની ફી રૂ. 50,000માંથી રૂ. 60,000 કરી દેવામાં આવ્યા છે. કોરોના કાળમાં ફી ઓછી કરવાના બદલે વધારી દેવામાં આવી છે. જો કે શાળા દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે FRCએ મંજૂરી આપેલ છે. તેમજ ફીની ઓરીજીનલ રીસીપ્ટ ક્યારેય આપવામાં આવી નથી. તેમજ જે રીસીપ્ટ આપવામાં આવે તેમાં ટ્યુશન ફીનો ઉલ્લેખ કરવામાં આવતો નથી.

તેમણે ઉમેર્યું છે કે આ સમસ્યાને લીધે વાલીઓ જો સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ માંગે તો આચાર્ય દ્વારા એવો જવાબ આપવામાં આવે છે કે 3 મહિના પહેલા નોટિસ આપવી પડે અને L.C. D.O. કચેરીથી કાઢી આપવામાં આવશે. આમ, શાળા દ્વારા વિદ્યાર્થીઓને L.C. પણ આપવામાં આવતા નથી. આ ઉપરાંત, લોકડાઉન પહેલા વિદ્યાર્થીઓ પાસેથી પ્રવાસની રૂ. 6000 ફી લેવામાં આવી હતી. તે ફી પણ વાલીઓને પાછી આપવામાં આવી નથી. જેમાં સ્કૂલ દ્વારા એવું કહેવાય છે કે તે બુકિંગ સહિતના ખર્ચમાં વપરાય ગયેલ છે. તેમજ જે વાલીઓએ આખા વર્ષની ફી ભરી દીધી છે. તે ફી પણ રિફંડ કરવામાં આવતી નથી.

ફી અંગેનું સર્ક્યુલર, ફી સ્ટ્રક્ચરનું કેલ્યુલેશન અને FRCનો ઓર્ડર સ્કૂલના નોટિસ બોર્ડ પર લગાવેલ છે : ટ્રસ્ટી હાર્દિકભાઈ પાડલીયા

આ અંગે ઉમિયા ફાઉન્ડેશન ટ્રસ્ટના ટ્રસ્ટી હાર્દિકભાઈ પાડલીયાએ જણાવ્યું છે કે આ વર્ષની સ્કૂલ ફીમાં વધારો કરવામાં આવ્યો નથી. FRC માન્ય વર્ષ 2019-’20ની કુલ ફીમાંથી રાજ્ય સરકારના આદેશ મુજબ વધારાની અન્ય ફી બાદ કરવામાં આવી છે. અને બાકીની ફી પર 25% ફી ઘટાડો કરી આપવામાં આવશે. આ અંગેનું સર્ક્યુલર, ફી સ્ટ્રક્ચરનું કેલ્યુલેશન અને FRCનો ઓર્ડર સ્કૂલના નોટિસ બોર્ડ પર લગાવેલ છે. તેમજ FRCનો ઓર્ડર જૂન મહિનાની શરૂઆતથી નોટિસ બોર્ડ પર લાગેલો છે. આથી, વાલીઓને નોટિસ મોકલાવેલી એ તેઓના ધ્યાનમાં ન આવી હોય તેવું બની શકે. આમ, વાલીઓ પાસે અધૂરી માહિતીના લીધે સમસ્યા ઉભી થયેલ છે. તેમજ વાલીઓની આર્થિક પરિસ્થિતિ સમજીને સરકારના ફી ઘટાડાના નિયમ કરતા પણ વધુ ફી ઘટાડાઈ છે.

તેમણે વધુ ઉમેર્યું છે કે સરકારના આદેશ મુજબ રેવન્યુ સ્ટેમ્પ સાથેની રીસીપ્ટ આપવામાં આવે છે. પણ ક્યારેક એવું બને છે કે વાલીઓ રીસીપ્ટ લઇ જતા નથી. તેમજ હવે જે 10 વાલીઓએ રીસીપ્ટ માટેની માંગણી કરેલ છે. તે ટૂંક સમયમાં આપી દેવામાં આવશે. તેમજ ગઈકાલે અમુક વાલીઓએ શાળાએ આવી ટીચર્સ સાથે ઝપાઝપી કરી હતી. જે વર્તન સ્વીકાર્ય નથી. હાલમાં કોરોના કાળમાં વધારે સંખ્યામાં વાલીઓને મળવું સ્ટાફ માટે હિતાવહ નથી. આથી, વાલીઓને 5-6 લોકોના ગ્રુપમાં આવવા જણાવાયું હતું. પરંતુ આ રીતે ગેરવર્તન કરીને સમસ્યાનો હલ ન આવી શકે જે વાલીઓએ સમજવું જરૂરી છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate