ભાજપની ચૂંટણી પ્રચાર સભાઓમાં પરસોત્તમ રૂપાલાના કોંગ્રેસ પર આકરા પ્રહારો

- text


પરસોત્તમ રૂપાલાએ સભામાં કોંગ્રેસને પાણી પ્રશ્ને હાથોહાથ લીધી : પીપળીયાની સભામાં લક્ષ્મીવાસના સરપંચ જયદીપ સંઘાણી સાથે કર્યો સીધો વાર્તાલાપ : આ સરકાર બદલવાની ચૂંટણી નથી પણ ભાજપના ધારાસભ્યોનું સંખ્યાબળ વધારવા માટે છે : નર્મદા યોજના ખોરંભે પાડવા બદલ કોંગ્રેસને દંડીત કરવા ભાજપને વિજયી બનાવો : રૂપાલા

કૃષિબિલ અંગે ફેલાવાતા કોંગ્રેસના દુષ્પ્રચારની જેતપરની વિશાળ સભામાં રૂપાલાએ જાટકણી કાઢી

મોરબી : 8 વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીના સંદર્ભે 65 મોરબી-માળીયા વિધાનસભા બેઠકના ચૂંટણી પ્રચાર અભિયાન સંદર્ભે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ આજે મંગળવારે પીપળીયા ચાર રસ્તે અને જેતપર ગામે જંગી જાહેરસભાને સંબોધન કર્યું હતું. આ તકે તેઓએ કોંગ્રેસના કેન્દ્રીય શાસન અને વિવિધ રાજ્યો સહિત ગુજરાતના કોંગી શાસન દરમ્યાન અટકેલા વિકાસ અને ભાજપના શાસન દરમ્યાન થયેલા વિકાસ કામોની તુલના કરી બ્રિજેશ મેરજાને મત આપવા અપીલ કરી હતી.

પીપળીયા ચાર રસ્તાની સભાની શરૂઆતમાં મંડળના અધ્યક્ષ મણીભાઈએ સ્વાગત પ્રવચન કર્યું હતું. મંચસ્થ કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા, રાજકોટ જિલ્લાના સાંસદ મોહન કુંડારિયા, એપીએમસીના ચેરમેન મગનભાઈ વડાવીયા, ધ્રોલ જોડિયાના ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ, બ્રિજેશ મેરજા, માજી ધારાસભ્ય મેતલિયા, જિલ્લા ઉપપ્રમુખ જ્યૂભા જાડેજા, જિલ્લા ભાજપ મહામંત્રી ઘનશ્યામભાઈ, મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા, માળીયા તાલુકા પંચાયતના પ્રમુખ રમેશ રાઠોડ, પ્રભારી શિરીષભાઈ કાવર સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં વિશાળ જનમેદનીને અગ્રણી નેતાઓએ સંબોધી હતી. મોહનભાઇ કુંડારીયાએ પોતાના વક્તવ્યમાં ખેડૂતો માટેના સરકારના પ્રયાસોની સરાહના કરી ત્રીજી તારીખે વધુમાં વધુ મતદાન કરવાની અપીલ કરી હતી અને મેરજાને બહુમતીથી જીતાડવાની અપીલ કરી હતી. બ્રિજેશ મેરજાએ પરસોત્તમ રૂપાલાના કેન્દ્ર ખાતે ગુજરાતના વિકાસ માટે કરેલા કાર્યોની પ્રયાસોની પ્રસંશા કરી હતી.

પરસોત્તમ રૂપાલાએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, આ સરકાર બદલવાની ચૂંટણી નથી પણ ભાજપના ધારાસભ્યોનું સંખ્યાબળ ગૃહમાં વધે એ માટેના પ્રયાસો તમામ કાર્યકરોએ કરવાના છે એ સ્પષ્ટ છે. પરસોત્તમ રૂપાલાએ પીવાના અને સિંચાઇના પાણીની દાયકાઓ જૂની વ્યવસ્થાઓ સાથે આજની સ્થિતિની સરખામણી કરી છેલ્લા વર્ષોમાં ગુજરાતની ભાજપ સરકારે કરેલા પાણી પ્રશ્નોની વિસ્તૃત છણાવટ કરી હતી. હેન્ડપમ્પ અને પાણીના ટેન્કર યુગમાંથી ગુજરાતની ભાજપ સરકારે ઘેર ઘેર પાણી અને ગામે ગામ નર્મદાના પાણી ખેતી માટે પહોંચાડયાની વાત કરી ભાજપની વિકાસગાથા વર્ણવી હતી. નર્મદા યોજનાને લઈને કોંગ્રેસે ઉભી કરેલી અડચણો અને અવરોધો માટે રૂપાલાએ કોંગ્રેસને આડે હાથ લીધી હતી. જે નર્મદા યોજનાનો શિલાન્યાસ તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ કર્યો હતો એ યોજનાનું લોકાર્પણ નરેન્દ્રભાઈ મોદીએ કર્યું એમ જણાવીને રૂપાલાએ ઉમેર્યું હતું કે યોજનાને ખોરંભે પાડવાનું અને એ રીતે સમગ્ર ગુજરાતનું અહીત કરવાનું કાર્ય કોંગ્રેસે કર્યું હતું.

રૂપાલાએ ભરી સભામાં અચાનક કોઈ પણ સરપંચ હોય તો ઉભા થઇ જવાબ આપે એમ કહેતા લક્ષ્મીવાસના સરપંચ જયદીપ સંઘણીએ હાથ ઊંચો કર્યો હતો. રૂપાલાએ લાગલાટ સવાલ પૂછ્યો હતો કે, તમારા ગામને ભારત સરકાર તરફથી જેટલા રૂપિયા મળ્યા છે? જવાબમાં સંઘાણીએ જણાવ્યું હતું કે 14 લાખ રૂપિયા મળ્યા છે. એ તકે કેન્દ્રીય મંત્રીએ દાવો કર્યો હતો કે ભારત સરકાર દેશની દરેક ગ્રામ પંચાયતને આ રીતે પારદર્શક રીતે સહાય કરે છે. કોઈ વચેટીયા વગર આવી સહાય ભાજપ કરે છે એમ જણાવીને મેરજાને જંગી બહુમતીથી ચૂંટવા રૂપાલાએ ઉપસ્થિત જનસમુદાયને અપીલ કરી હતી.

પીપળીયા ચાર રસ્તા ખાતે જાહેરસભાને સંબોધિત કર્યા બાદ કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ મોરબીના જેતપર સ્થિત ભાજપના અગ્રણીય નેતાઓ, કાંતિલાલ અમૃતિયા સહિત ભાજપના મોટી માત્રામાં ઉપસ્થિત કાર્યકર્તાને સંબોધતા કૃષિબીલ અંગે સરળ ભાષા અને ગ્રામીણ લ્હેજામાં વિસ્તૃત સમજણ આપી હતી. કૃષિબીલ અંગે કોંગ્રેસ દ્વારા ફેલાવતા દુષ્પ્રચાર અંગે ફોડ પાડ્યો હતો. કૃષિબીલ ખેડૂતોના હિતને પ્રાધાન્ય આપનારું છે નહીં કે નુકશાન કરનારું એમ જણાવી ધરતીપુત્રોને કોંગ્રેસ દ્વારા ફેલાવવામાં આવતા ભ્રમથી દૂર રહી ભાજપને જંગી બહુમતીથી વિજયી બનાવવાની અપીલ કરી હતી.

- text

જેતપરની સભા

પીપળીયા ચાર રસ્તાની સભા


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text