મોરબીમાં ટેકાના ભાવે ખરીદીમાં નિરસતા, માર્કેટીંગ યાર્ડમાં જણસીઓની સારા ભાવે હરાજી થઇ

પ્રથમ દિવસે મગફળી ખરીદીમાં ખેડૂતોની ગેરહાજરીથી સ્ટાફ નવરોધૂપ : માર્કેટીંગ યાર્ડમાં સારો ભાવ મળતો હોવાથી ટેકાના ભાવની ખરીદીમાં ખેડૂતોનો અણગમો

મોરબી : મોરબીમાં મગફળીની ખરીદીમાં કાગડા ઉડ્યા હતા અને માર્કેટીંગ યાર્ડમાં વિવિધ જણસીઓની ધૂમ આવક થઈ હતી. મોરબી જિલ્લામાં આજથી રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે. પરંતુ ખેડૂતો જ મગફળી વેચવા આવ્યા ન હતા. જો કે પ્રથમ દિવસે ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે 30 ખેડૂતોને બોલાવવામાં આવ્યા હતા. પરંતુ એકપણ ખેડૂતો ડોકાયાં જ ન હતા. પ્રથમ દિવસે જ ખેડૂતોની ગેરહાજરીથી સ્ટાફ નવરોધૂપ રહ્યો હતો.

મોરબી જિલ્લામાં ટંકારા માટે બે અને મોરબી-માળીયા માટે એક સેન્ટરમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે. પણ ગઈકાલે પ્રથમ દિવસે ખેડૂતોની ગેરહાજરીએ ધ્યાન ખેંચ્યું હતું. જો કે અગાઉ ખરીદી માટેના રજિસ્ટ્રેશનમાં ધાંધિયા થયા હતા. અને મગફળીની ટેકાના ભાવે ખરીદીમાં પણ ઘણી પળોજણ હોવાથી ખેડૂતોમાં ટેકાના ભાવે ખરીદીમાં અણગમો જોવા મળ્યો હતો. એની સામે ટેકાના ભાવે ખરીદીમાં જેટલા ભાવ મળતા હોય એટલા જ ભાવ માર્કેટીંગ યાર્ડમાં મળતા હોય અને માર્કેટીંગ યાર્ડમાં કોઈ કડાકૂટ ન હોવાથી ખેડૂતોનો સૌથી વધુ માર્કટિગ યાર્ડમાં ઉમટી પડ્યા હતા અને વિવિધ જણસીઓની ધૂમ આવક થઈ હતી અને જણસીઓની સારા ભાવે હરરાજી પણ થઈ હતી.

મોરબીના માર્કેટીંગ યાર્ડમાં ડાયરેક ખરીદી જોઈએ તો 3,830 મણની ખરીદી થઈ હતી. તેમજ 5,275 મણ કપાસની ખરીદી થઈ હતી. માર્કેટીંગ યાર્ડમાં મગફળીનો ભાવ રૂ.1,064 જેટલો ઉંચો રહ્યો હતો અને આ ટેકાના ભાવ જેટલો જ ભાવ માર્કટિગ યાર્ડમાં ડાયરેક ખરીદીમાં મળતો હોવાથી ટેકાના ભાવે ખરીદીમાં ખેડૂતોની ભારે નિરસતા જોવા મળી હતી. મગફળીનો નીચો ભાવ પણ રૂ.700 ની આસપાસ રહ્યો હતો. આમ પણ ટેકાના ભાવે ખરીદીમાં ખેડૂતોને ઘણી કડાકૂટ રહે છે. આથી, ખેડૂતો આ કડાકૂટથી દુર જ રહ્યા હોય એવું લાગે છે. તેમજ જો ડાયરેક ખરીદીમાં કોઈપણ જાતની માથાકૂટ વગર સારો ભાવ મળતો તો ખેડૂતો લમણાઝીકમાં પડે જ નહીં એ સ્વભાવિક છે.

છેલ્લા 13 દિવસમાં માર્કેટીંગ યાર્ડમાં 25,130 મણ કપાસની આવક

મોરબી જિલ્લામાં સૌથી વધુ કપાસનું ઉત્પાદન થાય છે. ત્યારે આ વખતે મોરબીના માર્કટિગ યાર્ડમાં કપાસ મબલખ આવક થઈ હતી. જેમાં છેલ્લા 13 દિવસમાં માર્કેટીંગ યાર્ડમાં 25,130 મણ કપાસની આવક થઇ હતી અને 22,300 મણ જેટલી મગફળીની આવક થઈ હતી. માર્કેટિંગ યાર્ડમાં વેચવામાં ખેડૂતોને રોકડા રૂપિયા મળી જાય છે. તેમજ મગફળી રિજેક્ટ થવાના પણ ઓછા બનાવો બને છે. આથી, રાજ્ય સરકારની ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં ખેડૂતોને રસ જ ન હોવાનું ચિત્ર ઉપસ્યું છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate