મોરબીમાં મંગળવારે કોંગ્રેસના આગેવાનો સાયકલ યાત્રા કરી પ્રચાર કરશે

મેરોથન સાયકલ યાત્રામાં 50 અગ્રણી નેતાઓ જોડાશે : રાજકોટ કોંગ્રેસના અગ્રણી ઇન્દ્રનીલ રાજ્યગુરુ, દિનેશ ચોવટિયા, અશોક ડાંગર સહિતના નેતાઓ સાયકલ યાત્રા કરીને મતદારોને કરશે અપીલ

મોરબી : 65 મોરબી-માળીયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનું પ્રચાર અભિયાન અંતિમ તબક્કામાં પહોંચી રહ્યું છે ત્યારે પ્રચારના ભૂંગળા શાંત થતા પહેલા કોંગ્રેસ દ્વારા તમામ મતવિસ્તારમાં ફરી વળવાનું અભિયાન પણ તેજ થયું છે. 27 ઓક્ટોબરને મંગળવારે જ્યંતીભાઈ પટેલના પ્રચાર અર્થે રાજકોટ શહેર કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ દ્વારા મોરબી શહેરમાં એક સાયકલ યાત્રાનું આયોજન કર્યું છે. આ માટે ચૂંટણી પંચ પાસે 50 સાયકલ સવારો માટે મંજૂરી મેળવવામાં આવી છે.

રાજકોટ શહેર કોંગ્રેસના અગ્રણી કોંગી નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુ, દિનેશ ચોવટિયા, અશોક ડાંગર સહિત આશરે 50 કોંગ્રેસના નેતાઓ, અગ્રણીઓ, કાર્યકર્તાઓ સહિત સાયકલ રેલી દ્વારા વિવિધ માર્ગો પર ફરી 65 મોરબી-માળીયા વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જયંતિભાઈ જેરામભાઈ પટેલનો ચૂંટણી પ્રચાર કરશે. મંગળવારે સવારે 09 કલાકે મોરબીના રવાપર રોડ સ્થિત મધ્યસ્થ કાર્યાલયેથી નીકળી શહેરના વિવિધ વિસ્તારોમાં આ સાયકલ રેલી દ્વારા મતદારોને કોંગ્રેસ તરફી મતદાન કરવા અપીલ કરશે.

રવાપર રોડ સ્થિત કોંગ્રેસના મધ્યસ્થ કાર્યાલય ખાતેથી આશરે 50 જેટલી સાયકલો પર રેલી સ્વરૂપે નીકળનાર રાજકોટ કોંગ્રેસના સ્થાનીય નેતાઓ ઇન્દ્રનીલ રાજ્યગુરુ, દિનેશ ચોવટિયા, અશોક ડાંગરની આગેવાનીમાં સ્થાનીય નેતાઓ, કાર્યકરો અવની ચોકડી, ઉમિયા સર્કલ, નવા બસ સ્ટેન્ડ, ગેંડા સર્કલ, સો-ઓરડી વિસ્તાર થઈને પરત રવાપર રોડ સ્થિત કોંગ્રેસના મધ્યસ્થ કાર્યાલયે પહોંશે. મંગળવારે સવારે 09 કલાકે પ્રસ્થાન થયેલી સાયકલ યાત્રા બપોરે 03 કલાકે કોંગ્રેસના મધ્યસ્થ કાર્યાલયે પરત ફરશે. કુલ 7 કલાક ચાલનારી કોંગ્રેસની આ સાયકલ યાત્રામાં લાઉડ સ્પીકર સહિતના સાધનોની મંજૂરી મેળવવામાં આવી છે. રસ્તામાં આવતા તમામ સ્થાનો પર કોંગી નેતાઓ જયંતિભાઈ પટેલને જંગી બહુમતીથી વિજયી બનાવવાનું આહવાન મતદારોને કરશે એમ સ્થાનીય નેતાએ જણાવ્યું હતું.