મોરબીમાં જાહેર મિલ્કતો ઉપર ધજા- પતાકા લગાવી બન્ને પક્ષોએ આચારસંહિતાના લીરા ઉડાડયા : ‘આપ’નો આક્ષેપ

 

જો મંજૂરી લીધેલ હોય તો ભાડું વસુલ કરવા અને ન લીધી હોય તો આચાર સહીતા ભંગની ફરિયાદ નોંધવા મહેશ રાજ્યગુરુની માંગ

મોરબી : મોરબી માળીયા વિધાનસભાની પેટાચૂંટણીમાં બંને પક્ષો દ્વારા સરકારી સંપત્તિ ઉપર જાહેરાતના ધ્વજ અને પતાકા લગાવી રહ્યા છે ત્યારે 65 મોરબી-માળિયા વિધાનસભાના ચૂંટણી અધિકારીના ધ્યાનમાં ન હોય એવું ન બને. આદર્શ આચાર સહિતાના ધજાગરા ઊડી રહયા છે અને ત્યારે ચૂંટણીપંચ શા માટે ચૂપ છે તે પ્રશ્ન છે. તેવું આમ આદમી પાર્ટીના પ્રમુખ મહેશ રાજ્યગુરુએ આક્ષેપ કરતા જણાવ્યું છે.

મહેશ રાજ્યગુરુએ વધુમાં જણાવ્યું કે ગુજરાત ચૂંટણી પંચની કોવિડ 19ની ગાઈડ લાઈન મુજબ સભાની અંદર જે કોઈ લોકો આવે તેના માટે તકેદારીના પગલાં લેવા એ સભા કરનાર પક્ષની જવાબદારી છે. પરતું કોઈપણ જગ્યાએ સેનીટાઇઝર, ટેમ્પરેચર માપવાનું મશીનની સુવિધા રાજકીય પક્ષ તરફથી રાખવામાં આવી નથી. અને એ જગ્યા પર ચૂંટણીનો સરકારી સ્ટાફ પણ હોય છે વિડિયો શૂટિંગ પણ થયા છે છતાં આં બાબતે ચૂંટણી પંચ શા માટે કોઇ પગલાં ભરતું નથી ?? અને જાહેર સભાના સ્ટેજ પર ફક્ત સાતથી આઠ વ્યક્તિઓને બેસવાની છૂટ છે ત્યારે હાલના સંજોગોમાં જાહેર સભા ન સ્ટેજ ઉપર આશરે ૨૦થી ૨૫ માણસોની બેઠક વ્યવસ્થા કરી સોશિયલ ડિસ્ટન્સનું ઉલ્લંઘન કરવામાં આવે છે. આ બાબતે કોઈ કાનૂની ભંગ નથી થતો ??

લોકોના ઘરે સારા નરસા પ્રસંગોની અંદર ઓછા માણસોને બોલવાની છૂટ અપાઈ છે. વધારે માણસો હોય તો કેસ કરવામાં આવે અને આં રાજકીય પક્ષને ગમે તે કરવાની છૂટ ?. 65 મોરબી-માળિયા વિસ્તારના મુખ્ય ચૂંટણી અધિકારી મોરબી શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારમાં અવાર-નવાર વાહનમાં નીકળે છે ત્યારે આ અઘિકારીને શું આચાર સંહિતાની વિરુદ્ધ સરકારી મિલકત પર લાગેલા ઘજા પતાકા દેખાતા નહિ હોય કે જાણી જોયને આંખ આડા કાન કરે છે??

ચુંટણી પત્યા પછી મોરબી શહેરની અંદર કોરોનાના કેસમાં વઘારો થશે તો જવાબદારી કોની રહેશે ? ચૂંટણી પંચની કે ચૂંટણી લડતા ઉમેદવારોની ? આ બાબતે ચૂંટણી અધિકારી લોકોને જણાવે. સરકારી સંપત્તિ પર જે પ્રચાર સાહિત્ય રાજકીય પક્ષ તરફથી લગાવવામાં આવેલ છે તેની મંજૂરી આપવામાં આવી છે ? જો આપી હોય તો એ મિલકતનું ભાડું વસૂલ કરવામાં આવેલ છે તે પ્રજા જાણવા માગે છે.

અંતમાં તેઓએ ઉમેર્યું કે જો વગર મંજૂરી એ આં ઘજાં પતાકા સરકારી મિલકત પર લગાવેલ છે તે ઉતરાવી લેવા જોય અને જેટલા સમય રાખેલ છે તેનું ભાડું વસૂલ કરવામાં આવે અને નહિતર આદર્શ આચાર સંહિતાનો ભંગ થતો હોય તો તો તેમની સામે આચાર સંહિતા ભંગની ફરિયાદ નોંધાવવી જોઈએ. તો જ સાચી આચાર સહિતા લાગુ કરવામાં આવેલ છે તેમ માનવાનું રહેશે. આ બાબતે ગુજરાત ચૂંટણી પંચ તાત્કાલિક કાર્યવાહી કરે તેમ મહેશ રાજ્યગુરુ પ્રમુખ આમ આદમી પાર્ટી મોરબી દ્વારા જણાવવામાં આવ્યું છે.


મંજૂરી વગર લગાવાયેલ ધજા- પતાકા હટાવવાની કામગીરી શરૂ થઈ ગઈ છે : ડી.ડી.જાડેજા

આચાર સહીતાના નોડેલ અધિકારી ડી.ડી. જાડેજાએ જણાવ્યું કે અત્યારે નગરપાલિકા વિસ્તારમાં ચીફ ઓફિસરને સૂચના આપી જાહેર જગ્યાએ લગાવવામાં આવેલ ધજા પતાકા ઉતારવામાં આવી રહ્યા છે. સાંજ સુધીમાં તે ઉતરી જાશે. જેમને મંજૂરી લીધી હશે તેમના ધજા પતાકા કે બેનર રાખવામાં આવશે. બાકીના તમામ ઉતારી લેવામાં આવશે.