મનોદિવ્યાંગોને પરિવારથી પણ સવિશેષ પ્રેમથી સાચવે છે આ સેવાભાવી..

- text


માનવમંદિરને ખરા અર્થમાં મંદિર બનાવનાર ધીરુભાઈ કોરાટ અંગે લેખક-વક્તા શૈલેષ સગપરિયાનો લેખ

રાજકોટથી 8 કિમી દૂર ત્રમ્બા ગામ પાસે એક અનોખું માનવ મંદિર છે જેના એકવાર અવશ્ય દર્શન કરવા જેવા છે. આ માનવ મંદિરમાં માનસિક દિવ્યાંગ પુરુષોને ઘરના સભ્યો પણ ન સાચવે એટલા પ્રેમથી સાચવવામાં આવે છે. ધીરુભાઈ કોરાટ 103 જેટલા માનસિક દિવ્યાંગ પુરુષોને પિતા કરતા પણ અધિક લાડકોડથી સાચવે છે.

સરકારી શાળામાંથી આચાર્ય તરીકે નિવૃત થયેલા મૂળ જુનાગઢ જિલ્લાના વતની ધીરુભાઈએ એમના દાદી અને પિતાના જીવનમાંથી પ્રેરણા લઈને વર્ષો પહેલા આ માનવમંદિરની સ્થાપના કરી છે. આ ફકીર માણસે પોતાની બચત અને પેન્શનની રકમ જેની સાથે સ્નાનસુતકનો પણ સંબંધ નથી એવા માનસિક દિવ્યાંગ લોકોની સારસંભાળ માટે ખર્ચી રહ્યા છે.

રસ્તે રઝળતા-ભટકતા કે જેના પરિવારમાં કોઈ સાચવે તેમ ન હોય એવા માનસિક દિવ્યાંગ પુરુષોને કોઈપણ જાતની અપેક્ષા વગર માનવમંદિરમાં પ્રવેશ આપે છે. જ્યારે આ મનોદિવ્યાંગ ભાઈઓ માટે રહેવા નવું આધુનિક બિલ્ડીંગ બનાવવાનું શરૂ કર્યુ ત્યારે સ્લેબ ભરવા સમયે જ બચત પૂરી થઈ ગઈ. ધીરૂભાઇને એક સ્કુલ પણ છે પરંતુ વિદ્યાર્થીઓની ફી આવવાને હજુ વાર હતી. કામ કોઈપણ સંજોગોમાં ન અટકે એટલે ધીરૂભાઇએ મોટી રકમ ઊંચા વ્યાજે લઈને પણ સ્લેબનું કામ સમયમર્યાદામાં પૂરું કરાવ્યું.

મેં થોડા સમય પહેલા આ માનવમંદિરની મુલાકાત લીધી. દુનિયા જેને પાગલ ગણે છે એવા જગતથી સંપૂર્ણ અલિપ્ત આ લોકો ધીરુભાઈની છત્રછાયામાં મસ્ત જીવન જીવે છે. વિશાળ મેદાન સાથેના આધુનિક કેમ્પસમાં તમામ પ્રકારની સુવિધા ઉભી કરી છે. ઉનાળાની ગરમીમાં તકલીફ ન પડે એટલે એસી હોલ પણ બનાવ્યો છે. ત્રણ વખત ગરમા-ગરમ પૌષ્ટિક ભોજન આપે છે. જેને આપણે ગાંડા સમજીએ છીએ એ 103 લોકો જમવાનું પૂરું કરે ત્યારે જરાપણ એંઠવાડ વધતો નથી કારણકે બધાની થાળી ચોખ્ખી હોય છે (પાગલ એ કે આપણે ? વિચારવા જેવું છે) હવે તો ખૂબ લોકો પણ આ માનોદિવ્યાંગ ભાઈઓને જમાડવા અને રમાડવા આવે છે.

- text

તમામ મનોદિવ્યાંગ ભાઈઓના શરીરિક સ્વાસ્થ્યનું પણ પૂરતું ધ્યાન રાખવામાં આવે છે. થોડા સમય પહેલા જ ધીરુભાઈ એક યુવાનને રસ્તાની બાજુમાં આવેલા ખાડામાંથી લઈ આવેલા. ખાડામાં પડેલા આ યુવાનના પગ સડી ગયેલા અને જીવાત પડેલી. આવી પરિસ્થિતિમાં પોતાની ગાડીમાં બેસાડી એ યુવાનને આશ્રમમાં લાવ્યા, યોગ્ય સારવાર કરાવી અને આજે આ યુવાનનો પગ સંપૂર્ણ સારો થઈ ગયો છે. એક મનોદિવ્યાંગ યુવાનને કોઈએ અકસ્માતથી ઇજા પહોંચાડેલી, તેનો પગ કાપવો પડે એવી સ્થિતિ હતી પણ યોગ્ય સારવાર આપીને એને પણ સાજો કર્યો.

એક વાત એ પણ જાણવા મળી કે જેના પરિવારમાં માતા-પિતા નથી એવા પરિવારમાંથી ભાઈ-ભાભી મનોદિવ્યાંગ યુવાનને આ સંસ્થામાં આવીને મૂકી જાય છે. એકવખત સંસ્થામાં મૂકી જાય પછી સંપર્ક પણ ન રાખે કે ક્યારેય કોઈ આર્થિક મદદ પણ ન કરે એવા પણ ઘણા છે. સંસ્થામાં રહેતા અમુક મનોદિવ્યાંગો તો એવા છે જેને કાયદેસર રીતે ભાયુભાગની લાખો કે કરોડોની સંપત્તિ મળે. આવાના ભાઈભાંડું પણ, મદદ કરવાની વાત તો એકબાજુ રહી એકવખત જમાડવાની સેવા કરવાનું પણ ચુકી જાય છે. બીજીબાજુ એવા લોકો પણ છે જેની આર્થિક પરિસ્થિતિ ખૂબ નબળી હોવા છતાં નિયમિત રીતે સંસ્થામાં આવીને બધાને ભોજન કરાવે છે.

ધીરુભાઇના બાળપણના મિત્ર નાથાલાલ દુધાત પણ હવે બધું છોડીને ધીરુભાઈને સાથ આપવા સંસ્થામાં આવી ગયા છે અને મેનેજર તરીકે સેવા આપે છે. એમણે મને એક વાત કહી, ‘ભાઈ, મેં અહીં એક અનુભવ કર્યો કે આ મનોદિવ્યાંગોની બહેનોને એના ભાઈની જેટલી ચિંતા હોય એટલી ચિંતા એના ભાઈઓને નથી હોતી. બહેન વાર-તહેવારે ભાઈને મળવા આવે છે પછી ભાઈ ભલે એને ઓળખતો ન હોય. સમયાંતરે ફોન કરીને એના ભાઈની તબિયત કેમ છે ? એને બીજી કોઈ તકલીફ નથી ને ? એવી પૃચ્છા પણ કરે. જ્યારે અમુક અપવાદને બાદ કરતાં ભાઈ ન તો મળવા આવે કે ન તો ફોન કરીને પોતાના ભાઈની સ્થિતિ જાણવાનો પ્રયાસ કરે.’

જેને સાચવવામાં પરિવાર પણ પાછો પડે એને પ્રેમથી સાચવનાર ધીરુભાઈ કોરાટ અને એની સમગ્ર ટીમને વંદન.

~શૈલેષ સગપરિયા


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text